Abtak Media Google News

જગવિખ્યાત તરણેતરના લોકમેળાને આજથી પ્રારંભ થયો છે. લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ તા. 18 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સવારે 09-30 કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પુજન કરવામાં આવ્યું. ત્યારબાદ  ગ્રામિણ રમતોત્સવ, પશુ મેળો અને માહિતી પ્રદર્શનના સ્ટોલનું ઉદ્દઘાટન મંત્રીના વરદહસ્તે કરવામાં આવ્યુઁ હતું. રાત્રે 09:00 કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીના કાર્યક્રમ યોજાશે.

તા.19 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ મેળાની મુલાકાત લેશે. સવારે 11:00 કલાકે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 9-30 કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલોને જાયે તરણેતરને મેળે જો, તરણેતરિયો મેળો જોવાની જુગતી

તા. 20 સપ્ટેમ્બરના રોજ સવારે 06-30 કલાકે મહંતશ્રી દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે 8-30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી રમતોની હરીફાઈ યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઇનામ પણ એનાયત કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 09:30 કલાકે મેળાના સ્ટેજ પર તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ છઠ્ઠ તા. 21 સપ્ટેમ્બરના રોજ સવારે 07:00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12:00 કલાકે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે તા. 18 થી 21 મી સપ્ટેમ્બર સુધી ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો પ્રારંભ થયો છે. આ લોકમેળો માણવા તરણેતરની આસપાસના ગ્રામજનો સાથે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં-થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર તેનું નામ ત્રિનેત્રેશ્વર છે. આ પાંચાલ વિસ્તાર છે.  પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.

પશુ પ્રદર્શન, લોક સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમોની વણઝાર

પાંચાલનો ઘેરાવો બહુ મોટો નથી પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્વ છે.  સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુને 108 કમળનાં પુષ્પો ચડાવી શિવલિંગની પૂજા કરીને જમવાનો નિયમ હતો. આવી એકાગ્ર ભક્તિનું અભિમાન થતા એક દિવસ 108 ફૂલમાંથી ભગવાન શિવે એક ફૂલ અલોપ કરી નાંખ્યું. 1 ફૂલ અલોપ થતા ભગવાન વિષ્ણુ મૂંઝાયા. ઋષિમુનિઓએ તેમને કહ્યું કે ભગવાન, આપની જમણી આંખ કમળ સમાન જ છે. જેને શિવલિંગ પર ચઢાવી શકાય તો આપની પૂજા પૂર્ણ થઈ કહેવાય. ઋષિમુનિઓની હાજરીમાં ભગવાન વિષ્ણુ ઉભા થઈને શિવનું ત્રિશૂલ લઈ તેનાથી પોતાની જમણી આંખ બહાર કાઢી શિવલિંગ પર ચઢાવી. આ જોઈ ભોળાનાથ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાનની આંખ પર હાથ ફેરવી તેને હતી તેવી જ કરી નાંખી તેમજ લિંગ પર ચઢાવેલ નેત્ર લઈ ભગવાને તેને પોતાનાં કપાળ પર વચ્ચે લગાવ્યું, જેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા.

એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ એ હોઈ શકે કે આ વિસ્તારની પ્રજા ગરીબ છે. અહીના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરણેતરનો મેળો માણશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જ્યારે આજે તરણેતરનો ભાતીગળ લોક મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે મેળાના પ્રારંભ સાથે મેળામાં પ્રથમ દિવસે જ વહેલી સવારે ત્રિ નેત્રેશ્વર મહાદેવ પૂજા અર્ચના કરી અને મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે 19મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના અનેક મંત્રીઓ સાંસદો તેમજ ધારાસભ્યો ખાસ કરીને આ તરણેતરના મેળામાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલનો તરણેતરનો મેળો આવ પ્રથમ મેળવવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.