Abtak Media Google News
લંડનના પ્રતિષ્ઠીત સમારોહમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યરથી અદાણી ફાઉન્ડેશનને નવાજાશે
સાત સમંદર પાર ચંદ્રક મેળવનાર સૌપ્રથમ ભારતીય સંસ્થા

અબતક, રાજકોટ

અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે સાત સમંદર પાર સફળતાના પરચમ લહેરાવ્યા છે. 15 ઓક્ટોબરે લંડન ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર-નોટ-પ્રોફિટ કેટેગરીમાં સ્ટીવી એવોર્ડ એનાયત થયો છે. ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ મેળવનાર અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સૌપ્રથમ ભારતીય સંસ્થા છે.

નિર્ણાયક તબક્કે 35 જજોની ટીમે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરને અમેરિકાની જ્યુનિસ ગ્લોબલ, લંડનની ટી.એમ. ફોરમ, તુર્કીની સિમેન્ટ ઇન્ડસ્ટ્રી એમ્પ્લોયર્સ યુનિયન અને અમેરિકાની લાઇફ સર્વિસીસ ઓલ્ટરનેટિવ્સ જેવી સંસ્થાઓના મુલ્યાંકન કર્યા બાદ વિજેતા જાહેર કરી હતી.

અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરએ દેશમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા પછાત વર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય વર્ધનની ઉચ્ચસ્તરીય તાલીમ પૂરી પાડવામાં આવે છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભારતના 11 રાજ્યોમાં 20 થી વધુ ક્ષેત્રોમાં 75 થી વધુ અભ્યાસક્રમો દ્વારા રોજગારલક્ષી તાલીમ પૂરી પાડે છે. સંસ્થાની પ્રવૃત્તિઓના પરિણામે 1 લાખથી વધુ યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે, જેમાં 60% થી વધુ તો મહિલાઓનો સમાવેશ થાય છે. કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સંસ્થા દ્વારા19 જેટલા યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવામાં આવ્યા છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દેશમાં સૌથી મોટા સિમ્યુલેશન-આધારિત તાલીમ કાર્યક્રમો ચલાવે છે, જેમાં તાલીમાર્થીઓ ઓગમેન્ટેડ રિયાલિટી  અને વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત તાલીમ અને મૂલ્યાંકનો કરી શકે છે. સિમ્યુલેટર દ્વારા બહુહેતુક ક્રેન ઓપરેટર પ્રોગ્રામ ભારતના 200 થી વધુ બંદરોને કુશળ માનવબળ પૂરું પાડે છે.પ્રીમિયર બિઝનેસ એવોર્ડ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ઇન્ટરનેશનલ બિઝનેસ એવોર્ડ્સ (2022 આઇબીએ)ને દુનિયાભરના 67 દેશોની જાહેર અને ખાનગી સંસ્થાઓ તરફથી એન્ટ્રીઓ મળી હતી.

આ વર્ષે તમામ લેવલના સંગઠનો તરફથી 3,700 થી વધુ નામાંકનો સબમિટ કરવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ મીડિયા અને વિચારશીલ નેતૃત્વ ધરાવતી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સિદ્ધિઓ માટે પણ અનેક નવી શ્રેણીઓ બનાવવામાં આવી હતી.સ્ટીવી એવોર્ડ્સ આઠ પ્રોગ્રામમાં એનાયત કરવામાં આવે છે. એશિયા-પેસિફિક સ્ટીવી એવોર્ડ, જર્મન સ્ટીવી એવોર્ડ, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા સ્ટીવી એવોર્ડ, અમેરિકન બિઝનેસ એવોર્ડ, ઇન્ટરનેશનલ બિઝનેસ એવોર્ડ, બિઝનેસમાં મહિલાઓ માટે સ્ટીવી એવોર્ડ, ગ્રેટ એમ્પ્લોયર્સ માટે સ્ટીવી એવોર્ડ્સ અને સેલ્સ અને ગ્રાહક સેવા માટે સ્ટીવી એવોર્ડ્સ. દર વર્ષે સ્ટીવી એવોર્ડ સ્પર્ધામાં 70 થી વધુ દેશોની સંસ્થાઓ તરફથી 12,000 થી વધુ નામાંકન સબમીટ થાય છે. સ્ટીવી દ્વારા વિશ્ર્વભરમાં કાર્યસ્થળ પર કરાતા ઉત્કૃષ્ટ પ્રદર્શનને ઓળખવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની અને લેવલની સંસ્થાઓ અને તેમાં કામ કરતા લોકોની ઓળખ કરી નવાજવામાં આવે છે, Stevie Awards વિશે વધુ માહિતી www. StevieAwa rds. com   પર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.