Abtak Media Google News

બજાર ખુલતાની સાથે જ તેજીનું તોફાન આવ્યા બાદ વેંચવાલીનું દબાણ આવતા બજાર પડ્યું

કોરોના વાયરસના પગલે વૈશ્ર્વિકસ્તરે જોવા મળી રહેલી મંદીની અસર ભારતીય શેરબજારને પણ થઈ રહી છે. ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ગાબડા પડ્યા બાદ ચાલુ મહિને પણ કભી  ખુશી, કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બજાર  ખુલતાની સાથે જ તેજીમાં જોવા મળ્યા બાદ બપોરે વેચવાલીનું દબાણ બજાર પર જોવા મળ્યું હતું. પરિણામે બપોરે બજારમાં ૩૫૦ પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું. સેન્સેકસ ૩૦૪૦૦ નજીક પહોંચી ગયો હતો.

આજે બજાર ખુલતાની સાથે જ મહદઅંશે તેજીનો તિખારો જોવા મળ્યો હતો. ટોચની કંપનીઓના શેર ૧૨ ટકા સુધી ઉછળ્યા હતા. જો કે, ત્યારબાદ બજારમાં ફરીથી વેંચવાલીની પકડ મજબૂત બની હતી. પરિણામે બજાર ધીમે ધીમે નીચે પટકાયું હતું અને ૩૫૦ પોઈન્ટ જેટલું ગાબડુ બજારમાં જોવા મળ્યું હતું. પ્રારંભીક તબક્કે જોવા મળેલી તેજી થોડાક કલાકોમાં જ મંદીમાં પલટાઈ ગઈ હતી. આઈટીસી, અલ્ટ્રાટેક સીમેન્ટ, એચસીએલ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર અને ઈન્ડુસીન્ડ જેવી કંપનીઓના શેર વેચવાલીના દબાણ વચ્ચે ટકી શક્યા હતા.

નોંધનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણના પગલે અમેરિકા, ચીન સહિતના દેશોમાં લોકડાઉનના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને માઠી અસર પહોંચી છે. વિશ્ર્વના ટ્રેડ હોટસ્પોટ ગણાતા ચીનના ઉત્પાદન યુનિટો પણ બંધ છે જેના ખરાબ પરિણામો ભારતીય બજાર ઉપર પણ પડી રહ્યાં છે. વર્તમાન સમયે ભારતના શેરબજારની હાલત વૈશ્ર્વિક મંદીના પગલે ખરાબ છે. ઘરેલું કક્ષાએ ભારતીય કંપનીઓ મજબૂત છે. પરંતુ ઈમ્પોર્ટ એક્ષપોર્ટને પણ ગંભીર અસર પડી હોવાના કારણે શેરબજારમાં ગાબડા જોવા મળી રહ્યાં છે. છેલ્લા લાંબા સમયથી રોકાણકારોના કરોડો ‚પિયા શેરબજારમાં ધોવાઈ રહ્યાં છે. કોરોના વાયરસની અસરને ઓછી કરવા માટે સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજના કારણે બજારમાં છેલ્લા અઠવાડિયાથી તેજીની અસર જોવા મળી હતી. અલબત આ અસર લાંબા સમય સુધી ટકી શકશે નહીં તેવું પણ માનવામાં આવે છે. વર્તમાન સમયે રોકાણકારો ધીમી ગતિએ તબક્કાવાર રોકાણ કરે તે હિતાવહ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.