Abtak Media Google News

સેન્સેક્સે અપ ખુલ્યા બાદ ૬૫૦ પોઈન્ટની સપાટી પાર કરી: સપાટી ન જાળવી શક્યો

તરલતા, કૃષિ સુધારણા, વિદેશી સંસ્થાગત રોકાણકારો, ઇન્વેસ્ટરોની પરિપક્વતા, મ્યુચ્યુઅલ ફંડમાં વધતા ઇન્વેસ્ટમેન્ટ સહિતના પાસાઓ બજારને તંદુરસ્ત રાખવા જવાબદાર

બજારને તંદુરસ્ત બનાવવા માટે રૂપિયાની તરલતા લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ભરપુર પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ઉપરાંત કોરોના મહામારીના સમયગાળા દરમિયાન  ફોરેકસ રિઝર્વ પણ વધ્યું હતું. વિદેશી હુડીયામણ વધવાના કારણે અર્થતંત્રને બેકઅપ મળ્યું હતું. ઉપરાંત કૃષિ સુધારણા સહિતના પગલા પણ અર્થતંત્ર માટે ખુબ અનુકુળ નિવડ્યા હતા. જેના પરિણામે સેન્સેકસ ૫૦,૦૦૦ની વિક્રમી સપાટીને પાર કરવામાં સફળ રહ્યું હતું.

એક સમયે બજારમાં તરલતાનો પ્રશ્ર્ન ઉભો થાય નહીં તે માટે બેંકો અને એનબીએફસીને કામે લગાડવામાં આવી હતી. ધંધા-રોજગાર માટે નાણાના કોથળા ખોલી નખાયા હતા. આ ઉપરાંત ફોરેકસ રિઝર્વને પણ ઐતિહાસિક સપાટીએ પહોંચાડવામાં આવ્યું હતું. ડોલરની મહત્તમ ખરીદી થઈ હતી. આ તમામ દુરંદેશીના કારણોથી શેરબજાર ટનાટન રહ્યું છે. ગણતરીના દિવસોમાં જ સેન્સેકસમાં ૧૦,૦૦૦ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને કૃષિ સુધારણા બીલની બજાર ઉપર અનુકુળ અસર થઈ હતી. જેના પરિણામે બજારે ૫૦,૦૦૦ની સપાટીને તોડી હતી.

સેન્સેક્સ અંતે ૫૦૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી તોડવામાં સફળ રહ્યો હતો. મજબૂત કૃષિ ક્ષેત્ર, વિદેશી સંસ્થાગત રોકાણકારો, ઇન્વેસ્ટરોની પરિપક્વતા, મ્યુચ્યુઅલ ફંડમાં વધતું ઇન્વેસ્ટમેન્ટ સહિતના પાસાઓના કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. શેરબજાર ઇકોનોમીનું બેરોમીટર હોય કેન્દ્ર સરકારે દેશની આર્થિક પ્રગતિ માટે લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયો શેરબજારની નવી ઊંચાઈ માટે કારણભૂત બન્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ કાયદા, સબસિડી સહિતના નિર્ણયો લીધા હતા. આ ઉપરાંત નિકાસને વેગવંતી બનાવવા માટે પ્રોત્સાહનો અપાયા હતા. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના અને વિદેશી રોકાણકારોનું પરિપક્વ બજાર તરફનું વલણ પણ ખૂબ સકારાત્મક રહ્યું છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું રોકાણ સતત ચાલુ છે. એનેસડીએલના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી ૨૦,૨૩૬ કરોડનું રોકાણ થયું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે, રોકાણકારો પરિપક્વ બન્યા છે.

બીજી તરફ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણથી વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયાઈ બજારો કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં ૦.૯૨% અને હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ૦.૧૮% તેજી સાથે વેપાર કરી રહ્યા છે. એ જ રીતે ચીનના શાંઘાઈ ઈન્ડેક્સમાં ૧% અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં ૦.૯૦%ની તેજી જોવા મળી છે. અમેરિકન બજારોમાં પણ નેસ્ડેક ઈન્ડેક્સ ૧.૯૭% અને એસ.પી ૫૦૦ ઈન્ડેક્સ ૧.૩૯% ઉપરની સપાટીએ બંધ થયા હતા.

આ લખાય છે ત્યારે, સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટના ઘટાડા સાથે ૪૯,૭૪૭ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. વિક્રમી સપાટી ૫૦૧૨૬ની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.