Abtak Media Google News

શેરબજારનો પતંગ હાલમાં ફુલ હવામાં આસમાને ઉડી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સુચકાંકનો ગ્રાફ સતત ઉપરનાં પગથિયા ચડી રહ્યો છે. આ તેજીનાં નાના અને મોટા સૌ રોકાણકારોનાં ગજવાં ભરાયા છે. પરંતુ આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડોની પણ મોટી પૂંજી બજારમાં આવી છે. જે માર્કેટને ટેકો આપી રહી છે. એશોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (ઐમ્ફી) નાં હાલમાં જ આવેલા આંકડા બોલે છે કે ઓગસ્ટ-23 માં ઇક્વીટી મ્યુચ્યુઅલ ફંડનું નવું 20245 કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્યું છે. જે છેલ્લા પાંચ મહિનાનું સૌથી વધારે છે. આ અગાઉ જુલાઇ-23 માં દેશમાં 7625 કરોડ રુપિયાનું નવું રોકાણ થયું હતું. જો કે પીળું બધું સોનું પણ નથી. ડેબિટ મ્યુચ્યુઅલ ફંડોએ 25872 કરોડ રૂપિયાનું રોકાણ પાછું પણ ખેંચ્યુ છે.

એમ્ફીનાં આંકડા પ્રમાણે ઊઝઋ નો નવો ફ્લો 1893 કરોડ રુપિયાનો રહ્યો છે સામે પક્ષે આ સેગ્મેન્ટમાં 353 કરોડ રૂપિયા પાછા પણ ખેંચાયા છે. ઓગસ્ટ-23 માં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ ( એ. યુ. એમ) 46.63 લાખ કરોડ રુપિયાની છે જે જુલાઇ-23 માં 46.37 લાખ કરોડ રૂપિયાની નોંધાઇ હતી. અત્રે ખાસ નોંધનીય છે કે સ્મોલ કેપ ફંડોમાં 4265 કરોડ રૂપિયા આવ્યા છે જ્યારે જુલાઇ-23 માં 4171 કરોડનો આંકડો નોંધાયો હતો. જ્યારે મલ્ટિ કેપ 3422 કરોડ રૂપિયા આવ્યા છે.

આમછતાં સૌથી નબળાં પ્રતિસાદમાં લાર્જ કેપ ફડોનું સ્થાન રહ્યું છે. કારણ કે આ સેગ્મેન્ટમાં એક મહિનામાં 348 કરોડ રૂપિયાનો આઉટ ફ્લો પણ જોવા મળ્યો  છે.  અને મલ્ટિ કેપ ફંડમાં 471 કરોડ રુપિયા પાછા ખેંચાયા છે. આંકડા બોલે છે કે દેશમાં સૌ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને શ્રેષ્ઠ વિકલ્પ માનતા થયા છે. તેથી જ કદાચ પાછલા મહિનામાં સિસ્ટમેટિક ઇન્વસ્ટમેન્ટ પ્લાન ( એસ.આઇ.પી.) સેગ્મેન્ટમાં અત્યાર સુધીનું સૌથી વધારે એટલે કે 15814 કરોડ રૂપિયાનું મુડીરોકાણ થયું છે જે જુલાઇ-23 માં 15243 કરોડ રૂપિયાનું હતું. આ ઉત્તરોતર વધતો આંકડો સંકેત આપે છે કે હવે ભારતીયો મ્યુચ્યુઅલ ફંડને લાંબાગાળાનાં વળતર ની ગણતરી સાથે અપનાવીને તેનો સ્વીકાર કરતા થયા છે.

એસ. આઇ. પી  એ ભારતીય શેર બજારનો આધારસ્થંભ છે એવું કહી શકાય. બજાર તેજીના ઘડે સવાર થયું હોવાથી કંપનીઓ પણ નવા સાહસ કરી રહી છે. ઓગસ્ટ-23 માં  નવા ફંડની ઓફરોમાં 7343 કરોડ રુપિયા આવ્યા છે જે જુલાઇ-23 ના 6723 કરોડ રૂપિયા કરતા વધારે છે.આમતો મ્યુચ્યુઅલ ફંડમાં મુડીરોકાણ કરવુંએ નોલેજ ન હોય પણ પૈસા હોય એટલે આ પૈસા નોલેજ વાળા માણસને રોકાણ માટે આપવા અને કમાણી કરવી જેના બદલામાં નોલેજ વાળા માણસને તેનું મહેનતાણું આપવું એવો અર્થ થાય છે. કારણ કે તમે આપેલા નાણા કઇ કંપનીનાં શેરમાં લગાવવા તે ફંડ મેનેજરને નક્કી કરવાનું રહે છે. એટલે સારા વળતરની સંભાવના વધી જાય છે. વળી લગાવાયેલા નાણાની તમામ વિગતો જાહેર થતી હોવાથી નાણા ગેરવળ્લે થવાના ચાન્સ નહિવત હોય છે.

યાદ રહે કે જુન-23 માં પણ ભારતીય રોકાણકારોઐ મ્યુચ્યુઅલ ફંડ મારફતે 8637 કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યુ હતું. એ વખતે પણ એસ.આઇ.પી નો આંકડો સૌ પ્રથમવાર 15000 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગયો હતો.  આજે મ્યુચ્યુઅલ ફંડમાં  એસ.આઇ.પી એકાઉન્ટનો આંકડો 6,80,52, 826 થયો છે. એમ્ફીનો અંદાજ છે કે હાલમાં દર મહિને સરેરાશ 20 લાખ નવા એકાઉન્ટ ઉમેરાય છે. જે દેશના શેરબજારને ઇંધણ પુરૂ પાડવા સક્ષમ છે. અગાઉ એવું કહેવાતું હતું કે જો વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી નાણા પાછા ખેંચે તો આપણા શેરબજારમાં મોટા ગાબડાં જોવા મળે અને બજાર લોહીલુહાણ થઇ જાય પરંતુ હવે ધીમેધીમે ચિત્ર બદલાઇ રહ્યું છૈ. હવે ભારતીય કંપનીઓનાં શેરોમાં સ્થાનિક રોકાણ એટલા પ્રમાણમાં વધ્યું છે કે કોઇ વિદેશી તાકાત બજારને તોડવા માગે તો સ્થાનિક રોકાણકારો તેને બચાવી શકે તેમ છે. તેથી જ તો રોકાણકારની પોતાની ઇકોનોમીની સાથે દેશની ઇકોનોમીના લાભાથે  પણ મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.