Abtak Media Google News
  • વેપારીઓ સોફ્ટ ટાર્ગેટ: ઓનલાઈન ઓર્ડર આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી લીધાની થોકબંધ ઘટનાઓ
  • સાયબર ક્રાઇમની કાબિલેદાદ કામગીરી: વર્ષ 2021માં કુલ આર્થિક છેતરપિંડીની 25% રકમ રિકવર કરી!!

ટેકનોલોજીનો વ્યાપ વધતા ચોક્કસ ફાયદો થયો છે તો ગેરફાયદા પણ ઉભા થઇ રહ્યા છે. ટેકનોલોજી વધતા તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં થતા સાયબર ફ્રોડ, નાણાંકીય છેતરપીંડી અંગેના આંકડા સામે આવ્યા છે. જેને ધ્યાને લેતા ચોક્કસ લાગે છે કે સાઈબરને લગતા ગુન્હામાં તદ્દન વધારો નોંધાયો છે. આર્થિક ઉચાપત પણ વધી છે પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે, ગુન્હા વધવાની સાથે પોલીસ પણ વધુ સક્રિય બની છે જેના પરિણામે ડિટેક્શનમાં પણ તીવ્ર વધારો થયો છે અને આર્થિક છેતરપીંડીમાં રકમની રિકવરી પણ વધી છે.

હાલ વધતા જતા ડિજિટલાઇઝેશનના અનેક ફાયદા છે તો અનેક ગેરફાયદાઓ પણ છે. જે રીતે હવે આંગળીના ટેરવે કોઈ પણ માહિતી મળી જાય છે તે આશિર્વાદરૂપ છે પરંતુ આ માહિતીઓનો ગેરુપયોગ કરીને છેતરપિંડી આચરી આર્થિક લાભ મેળવવા અમુક તત્વો રઘવાયા થયા છે. દિન પ્રતિદિન સાઇબર ફ્રોડની ફરિયાદો વધતી જોવા મળી રહી છે. સાઇબર ક્રાઇમ પાછળ ક્યાંક ટેકનોલોજી જ જવાબદાર છે. હાલના સમયમાં અનેકવિધ રીતે સાઇબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે જેનો શિકાર નાના માણસો થતા હોય છે. અધૂરામાં પૂરું દુનિયાના એક છેડે બેઠા બેઠા બીજા છેડે ટેકનોલોજીના માધ્યમથી છેતરપિંડી આચરી શકાય છે ત્યારે આ બાબતે પોલીસ પણ કોઈ પગલાં લઈ શકતી નથી.

સાઇબર ક્રાઇમમાં નોંધાતા ગુન્હાઓમાં હાલ આર્થિક છેતરપિંડીની ફરિયાદો સૌથી મોટી સંખ્યામાં જોવા મળે છે. અમુક તત્વો યેનકેન પ્રકારે ટેકનોલોજીના માધ્યમથી ભોળા માણસોને છેતરી આર્થિક લાભ મેળવી લેતા હોય છે. હાલ ટેકનોલોજીના માધ્યમથી ડેટાબેઝ મેળવીને આ પ્રકારના ગુન્હા આચરવામાં આવતા હોય છે. જેમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી થતી છેતરપિંડીનો આંકડો પણ ખૂબ જ ઉંચો છે.

હાલના સમયમાં યેનકેન પ્રકારે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી નાણાંકીય ઉચાપત કરવામાં આવે છે જેનો ભોગ બનનારા લોકોને જવું તો જવું ક્યાં? અને કહેવું તો કહેવું કોને? સવાલ. ઉઠતો હોય છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટની જનતાને અપીલ કરી છે કે, સાયબરને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો સંકોચ અનુભવ્યા વિના સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરે અને તેઓ ન્યાય અપાવવાની બનતી કોશિશ કરશે તેવું સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું.

હાલ ડિજિટલ બનેલા ગુનેગારો મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર અથવા તો બેંક સર્વિસ પ્રોવાઇડર બનીને બોગસ કોલ્સ કરી કેવાયસી અપડેટ કરવા માટે ઢોંગ કરતા હોય છે. ત્યારબાદ કોઈ એક લિંક મોકલવમાં આવે છે જે લિંક પર ક્લિક કરતાની સાથે જ ડિવાઇસનો ક્ધટ્રોલ જે તે વ્યક્તિ મેળવી લ્યે છે. ત્યારબાદ જ્યારે આ ડિવાઇસથી જ્યારે પેમેન્ટ સહિતની પ્રક્રિયા કરવામાં આવે તો એકાઉન્ટ/પાસવર્ડ સહિતની ગુપ્ત બાબતો જે તે વ્યક્તિને એપિયર થઈ જતી હોય છે અને ત્યારબાદ તે યુઝરનેમ અને પાસવર્ડને આધારે આર્થિક ઉચાપત કરી લેવામાં આવે છે.

હાલ આર્મીમેનના નામે પણ આર્થિક છેતરપીંડીઓ કરાઈ રહ્યાની અનેક ફરિયાદો ઉઠી છે. આર્મીમેનના નામે કોલ કરીને વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. વેપારીઓને આર્મીમાં કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને આર્થિક છેતરપીંડી આચરી લેવાઈ રહયાની ફરીયાદોનો ધોધ વહી રહ્યો છે.

આર્મીમેનની ઓળખ ઉભી કરી તલાટી મંત્રીને પોણા લાખનો ચુનો ચોપડી દીધો!!!

એક તલાટી મંત્રી સાથે ઓનલાઇન છેતરપિંડી આચરી રૂ. 75 હજારનો આર્થિક લાભ મેળવી લીધાની ઘટના પણ સામે આવી છે. જેમાં તલાટીમંત્રીને મોટરસાયકલ લેવું હોય ઓનલાઇન સર્ચ કરતા એક નંબર મળી આવ્યો હતો. જે નંબર પર વાતચીત થતાં સામેવાળી વ્યક્તિએ પોતે આર્મીમેન હોવાનું સ્થાપિત કર્યું હતું અને ત્યારબાદ મોટર સાયકલના ફોટા મોકલીને અલગ અલગ ફી તેમજ ડોક્યુમેન્ટ ટ્રાન્સફર સહિતની પ્રક્રિયાના ભાગરૂપે રૂ. 75000 યુપીઆઈ મારફત ટ્રાન્સફર કરાવી કોઈપણ વાહન નહીં આપતા તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ કરી નાણાં પરત અપાવવા માટે રજૂઆત કરી હતી.

હર્બલ ઓઈલના નામે રૂ .3 લાખ પડાવી લેનાર ઇસમને મહારાષ્ટ્રથી ઉપાડી લેવાયો

ટેલિગ્રામ પરથી હર્બલ ઓઈલ મોકલી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રૂ. ત્રણ લાખની છેતરપીંડી આચરી કોઈપણ જાતનું હર્બલ ઓઇલ નહિ મોકલી મોટી આર્થિક છેતરપીંડી આચરનાર મહારાષ્ટ્રનો શખ્સ લાલજી પરશુરામ વર્માને રાજકોટ પોલીસે તાજેતરમાં જ પકડી પાડ્યો હતો.

સિરામિક ટાઇલ્સના નામે રૂ. 2.60 લાખની ઠગાઈ: બે શખ્સો સળિયા પાછળ ધકેલાયા

સાંઈ સીરામીક-મોરબીના નામની સોશિયલ મીડિયામાં જાહેરાત ઊભી કરી તેમાં ખાનગી નંબર એટેચ કરી ફરિયાદી પાસેથી સિરામિક ટાઇલ્સ મોકલી આપવાનો વાયદો કરી રૂ. 2.60 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરનાર યશપાલ વાસુદેવ નિમાવત અને જયેશ દિનેશ અગ્રાવત નામના બે શખ્સોની ધરપકડ કરી રૂ. 1.60 લાખની રિકવરી પણ કરાઈ હતી. આ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ વેપારીઓ અને સામાન્ય પ્રજાને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી હતી.

એસ.આર.પી.કેમ્પના બાંધકામ માટે વેપારીને 5 હજાર કિલો સ્ટીલનો ઓર્ડર આપી રૂ. 2.56 લાખની છેતરપિંડી

તોડબાજો એટલી હદે બેફામ બન્યા છે કે રાજકોટ એસ.આર.પી.કેમ્પમાં નોકરી કરતા અધિકારીનો સ્વાંગ રચી એક સ્ટીલના વેપારીને ફોન કરી પાંચ હજાર કિલો સ્ટીલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેનું પેમેન્ટ આરટીજીએસ મારફત કરવામાં આવશે. આરટીજીએસ માટે પ્રથમ તેમણે રૂપિયા પાંચનું આરટીજીએસ કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ યેનકેન પ્રકારે ધાક ધમકી આપીને કટકે-કટકે રૂપિયા 2.56 લાખ આરટીજીએસ મારફત પડાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ એસ.આર.પી. કેમ્પનો સંપર્ક કરતા ત્યાં આ નામના કોઈ અધિકારી નોકરી નહીં કરતા હોવાનુ ખુલ્યું હતું.

વર્ષ 2021ના પ્રમાણમાં 2022માં ઓનલાઈન ફ્રોડ બે ગણા વધી ગયાં!!!

વર્ષ 2021માં રાજકોટ શહેર ખાતેથી રૂ. 6,89,70,802ની રકમ ઓનલાઈન છેતરપીંડી હસ્તક પડાવી લીધાની ફરિયાદો નોંધાઇ છે જેની સામે રૂ. 1,56,64,631 જેવડી માતબર રકમ રિકવર કરી રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે કાબિલે દાદ કામગીરી કરી છે. બીજી બાજુ વર્ષ 2022ના ફક્ત શરૂઆતના 4 મહિનામાં જ રૂ. 4,19,12,522ની ઉચાપત થયાનું પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યું છે જે ગત વર્ષની સરખામણીમાં આ આંક લગભગ બમણો છે જેથી ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે તેવું ચોક્કસ કહીં શકાય છે. ચાલુ વર્ષે રાજકોટ સાયબર ક્રાઇમે રૂ. 21,39,002ની રકમ રિકવર કરી છે.

લોકો ઓળખ જાહેર થવાના ભયથી પર થઈ પોલીસનો નિ:સંકોચપણે સંપર્ક કરે: સાયબર ક્રાઇમ એસીપીની અપીલ

Vlcsnap 2022 05 27 13H21M04S650

સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ રાજકોટની પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, જો તમે કોઈ પણ જાતની ઓનલાઇન છેતરપિંડી કે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છો તો ઓળખ જાહેર થવાની ચિંતા કર્યા વિના પોલીસનો સંપર્ક કરી શકો છો. પોલીસ તમારી ઓળખ જાહેર કર્યા વિના તમામ સમસ્યામાંથી તમને ઉગારી લેવા બનતી કોશિશ કરશે તેમજ આર્થિક છેતરપિંડી થઈ હોય તો ચોક્કસથી નાણાં પરત મેળવવા માટે પણ પોલીસ બને તેટલી વધુ કોશિશ કરશે અને તમને ન્યાય અપાવશે. જેથી કોઇપણ જાતની ઘટના બનતાની સાથે જ પોલીસનો સંપર્ક કરવામાં આવે તો ચોક્કસથી સંતોષકારક પગલાં લઇ શકાય છે.

સોશિયલ મીડિયા પર બીભત્સ દ્રશ્યો બતાવી બ્લેકમેઇલ કરનારાથી સાવધાન!!

હાલ એક એવી ગેંગ પણ સક્રિય છે જે સોશિયલ મીડિયાના મારફતથી વિડીયોકોલ મારફત બીભત્સ દ્રશ્યો બતાવી, આ દ્રશ્યો વાયરલ કરી દેવાની ધમકી સાથે બ્લેકમેઈલિંગ કરતી હોય છે અને લાખો રૂપિયા પડાવી લેતી હોય છે.આ મામલે રાજકોટ સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ પણ અજાણી વ્યક્તિનો ફોન આવે તો જવાબ આપવો જ નહીં. જો ફોન ઉપર વાત થઈ હોય અને તમારી સાથે આ પ્રકારની ઘટના બની હોય તો પણ સહેજ માત્ર ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સંકોચ વિના પોલીસનો સંપર્ક કરવો જેથી અમે તમારી મદદ કરી શકીએ અને તમને નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકીએ. તેમજ અન્ય તમામ સમસ્યાઓથી પણ અમે તમને બચાવી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.