વિદ્યાર્થીઓના રસ, રૂચી, વલણો તાસ પધ્ધતિમાં શ્રેષ્ઠ રીતે જળવાય

પહેલાના જમાનામાં શાળા શરૂ થાય રિશેષ પડે કે પુરી થાયને છેલ્લે શાળા છૂટતી વખતે શાળાનો બેલનો રણકાર આસપાસ ગુંજી ઉઠતો, આજે તો પિરિયડ પધ્ધતિ હોવાથી દર ચાલિસ મિનિટે ડોર બેલ કે ડંકો વાગતો શાળામાં જોવા મળે છે. અગાઉના છાત્રોને તથા શિક્ષકોને વગર પિરિયડે ઉત્સાહ રહેતો હતો. કોઇપણ બાળક એક વિષય, ચર્ચા કે પ્રવૃતિ, પ્રોજેક્ટમાં કલાકથી વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકતો નથી એમ મનોવિજ્ઞાન કહે છે ત્યારે તાસ પધ્ધતિ તેના વિકાસ માટે અતિ આવશ્યક છે. વિદ્યાર્થીના રસ, રૂચિ, વલણો તાસ પધ્ધતિમાં જળવાઇ રહે છે.

કોલેજમાં પાંચ, હાઇસ્કૂલને ઉચ્ચતરમાં આઠ સાથે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક પણ આઠ પિરિયડની સિસ્ટમ હાલ કાર્યરત છે, અડધી કલાકની રિશેષ બધા આયોજનમાં સામેલ છે 

આજની શિક્ષણ વ્યવસ્થામાં કોલેજમાં પાંચ પિરિયડને હાઇસ્કૂલ-પ્રાથમિકમાં 8 પિરિયડની સિસ્ટમ અમલમાં છે. 2018થી તો ધો.3 થી 5માં પણ તાસ પધ્ધતિ અમલમાં આવી ગઇ છે. ધો.1-2માં પ્રજ્ઞાવર્ગમાં પ્રવૃતિ સાથે જ્ઞાન યોજના અમલમાં હોવાથી બાળકો એક્ટીવીટીબેઝ લર્નીંગ આનંદોત્સવ સાથે ભણે છે. ગણિત, ગુજરાતી, પર્યાવરણ ધો.1 થી 3માં ધો.4 થી 5 હિન્દી, અંગ્રેજી વિષય અમલમાં આવે છે તેથી વર્ગ વાઇઝ વિષયો સાથેનું તાસ આયોજન અને વાર્ષિક પાઠોનું આયોજન જોવા મળે છે. ધો.6 થી 8માં સામાજીક વિજ્ઞાન, સંસ્કૃતને વિજ્ઞાન વિષયો ઉમેરાય છે.

વિષય વસ્તુના તાસ આયોજનમાં મધ્યમાં અડધી કલાક રિશેષનો ગાળો હોય છે. જેથી બાળક અભ્યાસના ભારણમાંથી મુક્ત થઇને નાસ્તોને અન્ય ક્રિયાઓ કરી હળવો થઇને ભાઇબંધો સાથે મોજ મસ્તી કરતો તાજો માજો થઇને ફરી શિક્ષણકાર્યમાં જોડાય છે. વિષયની સાથે વીકમાં એકાદ કે બેવાર સંગીત-ચિત્રને રમતગમત અને કોમ્પ્યુટર જેવા ઇત્તર વિષયોને સહઅભ્યાસિક પ્રવૃતિના ભાગરૂપે પિરિયડ પધ્ધતિમાં સામેલ કરાય છે. દરેક વિષય તેના નિષ્ણાંત ટીચરો દ્વારા છાત્રોને ભણાવાય છે. અલગ-અલગ શિક્ષણ પધ્ધતિને વિષય તાસમાં અમલ કરી સાથે ટીચીંગ-લર્નીંગ મટીરીયલ્સ અર્થાત શૈક્ષણિક રમકડાનો પણ શિક્ષક સહારો લઇને સઘન શિક્ષણ છાત્રને આપે છે.

તાસ પધ્ધતિમાં સંગીત, ચિત્ર, રમત ગમત, કોમ્પ્યુટર જેવા ઇત્તર
વિષયોને પણ સ્થાન આપીને વિદ્યાર્થીઓમાં રહેલી છુપીકલાને પ્રોત્સાહિત કરાય છે 

જીસીઇઆરટી દ્વારા દરેક શાળા તાસ પધ્ધતિનો અમલ કરે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે પણ ઘણા જીલ્લાની કે શિક્ષણ સમિતિમાં પૂરતા શિક્ષકો ન હોવાથી તાસ પધ્ધતિનો અમલ યોગ્ય રીતે થઇ શકતો નથી. પરિપત્ર મુજબ ધો.3 થી 5માં વર્ષ દરમ્યાન 800 શૈક્ષણિક કલાકો પૈકી જે તે વિષય માટે તાસ (પિરિયડ)ની ચોક્કસ સંખ્યા નક્કી કરાય છે. જેમાં પ્રથમ સત્ર અને બીજા સત્ર માટે 45-45 તાસ રાખવાને પ્રાર્થના બાદ સળંગ 70 મિનિટ તો એક તાસ પછી રિશેષ પાડવામાં આવે છે. રિશેષ ગાળામાં પણ પોતાના વર્ગખંડના બાળકોનું ધ્યાન રાખવાનું છે. બાળકોના સંર્વાંગી વિકાસમાં તેના કૌશલ્યોનો વિકાસ સૌથી મહત્વનો છે. તાસ પધ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી કંટાળતા નથી. કારણ કે 45 મિનિટ બાદ બીજો શિક્ષક ભણાવવા આવી જાય છે. બાળકો રસ સાથે ભણે છે. તેને શિક્ષણનો ભાર લાગતો નથી. પહેલા આવુ હતું જ નહીં એક જ શિક્ષક જ તમામ વિષયો ભણાવતો હતો. આજે તો સ્કૂલ બેગમાં પણ જે વિષયોના પિરિયડ હોય તેના પુસ્તકો બાળકો લઇને જાય છે.

વર્ગખંડની શૈક્ષણિક પ્રક્રિયામાં વર્ગખંડનું શૈક્ષણિક કાર્ય સમૃધ્ધ હોય તો વિદ્યાર્થીને તાસ પધ્ધતિમાં જ ભણાવવો પડે. આમ કરવાથી ભણનાર અને ભણાવનાર ખૂબ જ સારૂં પડે છે ને ખાસ તો છાત્રોના રસ, રૂચિ જળવાય રહે છે. શિક્ષણની પ્રક્રિયામાં અનેક રીતે અભ્યાસક્રમના હેતું અને તેની અધ્યયન નિષ્પતિઓ સમજાવી શકાય છે. પરંતુ બાળ મનોવિજ્ઞાન દ્રષ્ટિએ જોઇએ તો બાળક સતત એક કલાક એક વિષય અંગેનું જ્ઞાન પિરસતો તે નિરસ પણ બની જાય છે. એટલે કે વિદ્યાર્થીને એકને એક વાત વારંવાર કરવાથી તેને ટોર્ચર થતું હોય એવું લાગે છે.

તાસ પધ્ધતિને બદલે એક જ વિષય લાંબો સમય સુધી ભણાવો તો વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, તેને નુકશાન પણ થાય છે. કારણ કે વિષય વસ્તુને છાત્ર લાંબો સમય યાદ રાખી શકતો નથી. લાંબો સમય એક જ વિષય ભણ-ભણ કરવાથી તેના બાળ માનસ પર અસર થાય છે. આવું શિક્ષણ તેને બોરીંગ કે વજનદાર લાગવા માંડે છે. જેને કારણે તે વિષય વસ્તુને જ ભૂલી જાય છે. અસરકારક વર્ગ વ્યવસ્થા માટે તાસ પધ્ધતિ ઘણી સફળ થઇ છે. કારણ કે આમાં થોડા-થોડા સમયે વિષયો બદલાય એટલે છાત્રોના રસ, રૂચી અનુસાર શિક્ષણ કાર્ય થતું હોય એમ લાગે છે.

જેવો તાસ બદલાય એટલે છાત્રોનું બીજા વિષય ઉપર ધ્યાન કેન્દ્રીત થાય છે ને તે તેની તૈયારી પણ કરવા લાગે છે, કારણ કે તેને નવીન વસ્તુ શિખવા મળે છે ને તેમાં તેને રસ જાગે છે. આ બધાને કારણ છાત્રોમાં એકાગ્રતા વધે છે. જે લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતાને વધારે છે. એક ઉદાહરણ જોઇએ તો ગુજરાતી વિષય પછી વિજ્ઞાન પછી ગણિત, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન, ચિત્રકલા વિગેરે વિષયોનો સમન્વય જુદી-જુદી રીતે થતો હોવાથી છાત્રોને તે શિખવામાં રસ પડે છે. તાસ બદલે ત્યારે તેને વિચારવાનો થોડો સમય મળે છે, રેસ્ટ મળે છે જે ગાળામાં તે શિખવાના વિષય પરત્વે જાગૃત થઇ જાય છે. છાત્ર તેની તમામ ઇન્દ્રિયોને કામે લગાડવા તૈયાર થઇ જાય છે.

ક્લાસરૂમ ક્લાઇમેટ અસરકારક બનાવવા તાસ પધ્ધતિ બેસ્ટ છે. એકધારૂ ભણાવવા કરતા તુટક તુટકને થોડું-થોડું અપાતું શિક્ષણ છાત્રોને ભારરૂપ લાગતું નથી. આજે સૌ ભાર વગરના ભણતરની વાત કરે છે જેનો સાચો ઉકેલ તાસ પધ્ધતિનો શ્રેષ્ઠ ઉપયોગ કે જેમાં તેની ગોઠવણ જ એવી હોય કે ક્રમશ: રીતે બદલાતા વિષયોમાં પણ છાત્રોનો રસ જળવાય રહે તે ખૂબ જ જરૂરી છે. શિક્ષક સજ્જતાની જેમ અસરકારક વર્ગ વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આજે તો ધો.3 થી એટલે નવ વર્ષના બાળકને આ સિસ્ટમથી શિક્ષણ અપાય છે. ઇત્તર પ્રવૃતિના વિષયોને કારણે છાત્રોમાં પડેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહિત કરીને તેમાં નિપુણ બનાવવાનો પ્રયાસ શિક્ષક, શાળા, સંકુલો, માં-બાપો સાથે વિવિધ સંસ્થાઓ પણ પ્રયાસ કરી રહી છે જે સારી બાબત છે.

તાસ પધ્ધતિનું આયોજન બાળક રસપૂર્વક જાતે ભણતો થાય તે માટે પણ અમલમાં મુકાયો છે. ઘરના વાતાવરણમાં પણ સ્વઅધ્યયન બાળક પોતે અલગ-અલગ વિષયનું ટાઇમ-ટેબલ વાઇઝ દરરોજ જાતે કરે જ છે. જરૂર છે માત્ર થોડા સહકારની વિજ્ઞાનના તાસમાં પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો કરવાની છાત્રોને ખૂબ જ મઝા પડે છે. બાળકોના રસ મુજબનું ટાઇમ-ટેબલ જ તેનો સોળે કલાએ વિકાસ કરે છે.