Abtak Media Google News

મહાત્મા ગાંધીજીનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બહુ જ નજીકથી જોવાય છે. 1937માં વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયના સમારોહમાં ગાંધીજીએ નઇ તાલીમ (બુનિયાદી શિક્ષણ)ના વિચારો રજૂ કર્યા હતાં. જેમાં આના થકી હુન્નર કળા, ચિત્ર, સંગીત કે હસ્તકલા થકી માનવનું જીવન આત્મનિર્ભર બનાવાય તેવી શિક્ષણ પધ્ધતિ વ્યવસ્થા પર ભાર મુક્યો હતો. બાળકોના અનુભવ આધારિત હોય તેવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હોવી જરૂરી છે. ધો.4 સુધી માતૃભાષાના શિક્ષણ સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મહાવરો આપવો જરૂરી છે. માતૃભાષાનું શિક્ષણ મજબૂત હશે તો જ બાળક અન્ય હિન્દી, અંગ્રેજી ઝડપથી શીખી કે સમજી શકે છે.

સાડા ત્રણ વર્ષ બાદ નાના બાળકના નર્સરી, લોઅર અને હાયર કે.જી. બાદ ધો.1,2 અને 3,4ને નવી શિક્ષણ નિતીમાં પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ કે ફાઉન્ડેશન કોર્ષ કહેવાયો છે. આ કોર્ષનો જેટલો પાયો પાકો હશે તેટલો જ તેનો વિકાસ પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક કે હાઇસ્કૂલમાં જોવા મળશે. નાના બાળકોની ક્ષમતા વાઇઝ તેનું સતત મૂલ્યાંકન કરીને તેની કચાશ જાણીને શિક્ષકે તેને રસ સાથે જોડીને સફળતા સાથે સબળ બનાવવાનો છે. આજના યુગની માંગ પણ ‘પાયાનું શિક્ષણ’ મજબૂત બને તે છે. 2025 સુધીમાં દરેક બાળક વાંચન-ગણન-લેખનની ક્ષમતા 100 ટકા સિધ્ધ કરે તે જરૂરી છે.

હેન્ડ-હાર્ટ-હેડ અને હેલ્થ જેવા ફોર એચ શિક્ષણને મહત્વ અપાયું છે,
બાળક તેની આસપાસના વાતાવરણમાંથી, સ્વઅધ્યયનથી ઘણું શીખીને શાળાએ જાય છે

27 1

શાળાએ આવતા બાળકોનાં શારીરીક, માનસિક અને સામાજીક વિકાસ શિક્ષકો સામે જ થતો હોય ફોર ‘એચ’ શિક્ષણને મહત્વ અપાયું છે. જેમાં હેન્ડ, હાર્ટ, હેડ અને હેલ્થ થકી તેને શિક્ષણ આપવું જરૂરી છે. શાળા કે વર્ગખંડનું વાતાવરણ જ બાળકને આવવું, બેસવું, રમવું, ભણવું ગમે તેવું હોવું જરૂરી છે. તેના રસ રૂચિ વલણો આધારિત વિવિધ શિક્ષણ ટેકનિક અને શૈક્ષણિક રમકડાંના સહાયથી સરળતાથી સમજ આપવી જોઇએ. બાળકોને ચિત્રો, સંગીત, વાર્તા, બાળગીતો કે કલર ફૂલર રમકડાં વધુ ગમતા હોવાથી તે તમામને તમારી શિક્ષણ પધ્ધતીમાં શિક્ષકે જોડવા જરૂરી છે.

ઘરના વાતાવરણમાં સાડા 3 કે 4 વર્ષનું બાળક શાળા પ્રવેશ પહેલા પરિવારની ઓળખ, વિવિધ વસ્તુના નામ, વિવિધ રમતો, ગીતો, બોલચાલની ભાષા, શબ્દો, શિસ્ત, મુશ્કેલી રજૂ કરવા જેવી ઘણી વસ્તુ ઘર કે તેની આસપાસના વાતાવરણમાં શીખી જતો હોય છે. બાળકો, બાળકો સાથે રમતા હોય ત્યારે તેમનામાં ઘણા ગુણો વિકસતા જોવા મળે છે. બાલ મનોવિજ્ઞાપન પણ સૂર પુરાવે છે કે બાળકો દ્વારા બાળકો જ ઘણું બધું શીખતાં હોય છે. હવે વાત આવે પાયાના શિક્ષણની જે ઘરથી શિખેલું હોય તેની સાથે શાળાકિય વાતાવરણ ઉમેરાતા બાળક હવે ઝડપથી ઘણું શીખવા લાગે છે. નવા-નવા ગીતો બાળકને સાંભળીને યાદ રહી જાય છે.

નવી તાલિમને અને નવી શિક્ષણ નીતિમાં તેને વિશેષ મહત્વ અપાયું છે:
2025 સુધીમાં દરેક બાળક વાંચન-ગણન-લેખનની ક્ષમતા સિધ્ધ કરશે

Aanganwadi Angeles Very Good Morning Anganwadi Smiling Innocently Spreading Happiness 172008589

અગાઉ આપણે ભણતા ત્યારે આંકની ચોપડી કે દેશી હિસાબ આવતો તેમાં લગભગ પાયાના તમામ શિક્ષણની વાત આવી જતી હોવાથી આપણે તમામ બાબતે આંશિક જ્ઞાન ધરાવી છીએ. ઘણી બધી રમતો પાયાના શિક્ષણને વેગ આપતી હોવાથી બાળકોને નિયમિત રમાડવી જરૂરી છે. આજે બહુ ઓછી શાળા પાયાના શિક્ષણ પર ભાર મુકે છે. બાળકને કશું જ આવડતું ન હોવા છતાં તે બહાર ફરવા જાય ત્યારે ક્રમબધ્ધ વાત પરિવારને કે તેના જેવડા ભાઇબંધ બાળકને કરી શકે છે એજ એની મૌખિક અભિવ્યક્તિની ખીલવણી છે. પ્રારંભિક બાળ શિક્ષામાં કકાના શબ્દોની ઓળખ અને લેખન સાથેની સમજ પછી તે બોલતો પણ થાય તે જરૂરી છે.

બે-ત્રણ શબ્દો ભેગા કરીને શબ્દ બોલે તે પણ જરૂરી છે. ધીમેધીમે બારાક્ષરી શિખવાનું શરૂ કે તરત જ તેને કાનામાત્ર વાળા શબ્દો, વાક્યો, સાથે વાંચન તરફનો મહાવરો સતત આપવો જરૂરી છે. માતૃભાષામાં કડકડાટ વાંચન બાદ તેને હિન્દી વર્ણમાલા અને અંગ્રેજીની એબીસીડી સાથે સંખ્યા જ્ઞાન 1 થી 10 બાદ 100 સુધીનું લેખન-વાંચન કે ગણન કાર્યનું દ્રઢિકરણ કરાવવું જરૂરી છે. ધો.1-2 પહેલાના બે કે ત્રણ વર્ષ આ પાયાના જ્ઞાન થકી વાંચન-ગણન કે લેખન મજબૂત કરાવવું જરૂરી છે. ગણન પ્રક્રિયામાં સરવાળાને બાદબાકી પ્રારંભે કાઢવા અને નાંખવાની પ્રક્રિયા સમજાવીને તેની સાંકેતિક ચિન્હો પણ સમજાવવા જોઇએ. નાના બાળકોને આ તમામ વસ્તુ ખૂબ જ ધીરજથી પૂરાખંત ઉત્સાહ સાથે શિક્ષકે શીખવવું જરૂરી છે.

શાળા પૂર્ણના એકાદ કલાક વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિ રમતો, શૈક્ષણિક રમકડાંથી રમાડીને શિખવેલી વસ્તુનું દ્રઢિકરણ કરાવવું જરૂરી છે. સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર આ ચાર વસ્તુ ગણન પ્રક્રિયા માટે આવશ્યક છે. ન મગજ આ નવો કકો જેમાં એક સરખા વણાંક આવતા હોવાથી બાળકને ઝડપથી આવડે છે. પહેલા પાટીમાં લખીને અંકો ઘુંટાવતા જે આજે ડોટ ઉપર તેનો આકાર કરીને કરાવાય છે. આજે પાટી-પેનની જગ્યાએ નોટ-પેન્સિલ આવી છે. બાળકને વાંચતા આવડવાનો મતલબ તે કકાના તથા તેની બારાક્ષરીના તમામ શબ્દોને ઓળખે છે, બોલે છે, સાચો ઉચ્ચાર કરે છે ને સાથે તે પૂરા વાક્યો આરોહ-અવરોહ સાથે વાંચન કરે છે. 1 થી 100ની સંખ્યા બાદ તેને ઘડિયામાં 1 થી 10, 11 થી 20, 21 થી 30 કે 31 થી 40 તરફ વાળીને દરરોજ એક જ લાઇન ફોક્સ કરીને ગણિત વિષયમાં રસ લેતો કરવાનો છે.

બુનિયાદી શિક્ષણ દ્વારા હુન્નરકળા, ચિત્રકલા, સંગીતકલા કે હસ્તકલા
થકી માનવનું જીવન આત્મનિર્ભર બનાવે એવી શિક્ષણ વ્યવસ્થા હોવી જરૂરી

28

બાળકને જો વાંચન-લેખન અને ગણન જેવી પાયાની સંપૂર્ણ સમજ આવી જાય તો તે હિન્દી, અંગ્રેજીની વર્ણમાલા કે એબીસીડી જાતે લખવા માંડે છે. કારણ કે તે અન્ય બાળક કરતાં આગળ નિકળવાની તૈયારી સાથે તે વસ્તુ લખવા માંડે છે. જોડયા શબ્દો પણ વાંચતા બરોબર આવડવા જોઇએ કારણ કે ઘણી વાર બાળક વાંચતા-વાંચતા ત્યાં અટકતો કે મુશ્કેલી અનુભવતો જોવા મળે છે, ત્યારે શિક્ષકે આ બાબતે વિશેષ કાળજી સાથે સતત મહાવરો, દરરોજ વ્યક્તિ વાંચન સાથે શ્રૃત લેખન અવશ્ય કરાવવું જોઇએ. બાળકને નાનપણથી જ સારા અક્ષરોની ટેવ પડે તે માટે શિક્ષકે તેની નોટ જોતી વખતે તેને પ્રોત્સાહન કરવો કે સુચન કરવા જરૂરી છે.

અભ્યાસક્રમની સમજમાં વિવિધ શિક્ષણ પધ્ધતિમાં વાર્તા, નાટ્ય, ચિત્ર જેવી પધ્ધતિનો ઉપયોગ કરવો ને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં અચુક શૈક્ષણિક રમકડાં કે ટીચીંગ લર્નીંગ મટીરીયલ કે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરવો જરૂરી છે. આજે દરેક બુકમાં બારકોડ આપે છે જે મોબાઇલમાં સ્કેન કરવાથી પાઠની સમજ તેના વિડિયો પ્રવૃતિ વિગેરે તમોને મળી શકે છે. મા-બાપે પણ થોડો સમય કાઢીને બાળકોની સાથે તેના ગૃહકાર્યમાં મદદરૂપ થવું જરૂરી છે.

 

બાળકોના પાયાના શિક્ષણ માટે આટલું જરૂરી

તમારા કે તમામ બાળકોના બુનિયાદી-પાયાના શિક્ષણ માટે કેટલીક મહત્વની જરૂરીયાત, સમજ અને આવડત જરૂરી છે. બાળકને ભાર ન લાગે તેવી રીતે રસ-રૂચિ-વલણોને ધ્યાને શિક્ષણનો સતત મહાવરો આપવો જરૂરી છે. માતૃભાષાના શિક્ષણ સાથે કકો-બારાક્ષરી-કાના માત્ર વગરનાં શબ્દો-કાનાવાળા કે જોડયા શબ્દો, સ્વર અને વ્યંજનની માહિતી સાથે અઘરા શબ્દો- જોડ્યા શબ્દોમાં કુશળ કરવો જરૂરી છે. આટલું આવડ્યા બાદ બાળક જાતે હિન્દી, અંગ્રેજીની વર્ણમાલા કે એ.બી.સી.ડી. લખવા માંડશે. આજના યુગમાં તેને કોમ્પ્યૂટરના વિવિધ ભાગો તથા તેની પ્રારંભિક સમજ પણ જરૂરી છે. 1 થી 100 અવડાં-સવડાં સાથે વિવિધ આકારો, 1 થી 10, 11 થી 20, 21 થી 30 કે 31 થી 40ના ઘડિયા , દિશા-ઋતું સમય સાથે નાનકડી વાર્તા પણ શિખડાવવી, વિવિધ પ્રાણીઓના નામ, બાળગીતો, માપતોલ, વજન અને વિવિધ રમતોની જાણકારી આપવી જોઇએ. રસોડાની વસ્તુઓ, આભૂષણો, ઓજારો, ફરસાણ, શરીરનાં અંગો, જોડકણા પણ શીખડાવવા, અંગ્રેજી અને ગુજરાતી સ્વરોની ઓળખ, દેશના વિવિધ મહાનુભાવો, સમય, કલાક, સપ્તાહ, મિનિટ મહિના વર્ષની માહિતી અને તેના નામ, નિબંધ લેખન, દેશ ભક્તિગીતો, રાષ્ટ્રગીત, પ્રતિજ્ઞાપત્ર, વંદે માતરમ ગીત, ઐતિહાસિક સ્થળો, શહેર કે રાજ્યની માહિતી રાજ્યની વિશેષતામાં પર્વતો, નદી, પર્વતો, તીર્થધામો, મુખ્ય પાકો, ઉદ્યોગો, દેશનો ઇતિહાસ, ધર્મો-તહેવારો, ગણિત કોયડા, માનવ શરીર, નેતાઓ, રાષ્ટ્રીય પ્રતિકો, વિવિધ કારીગરો, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, આંગણાના પશુ-પક્ષી, વાહનો, ફૂલો, ફળો, શાકભાજી જેવી વિવિધ માહિતીની જાણકારી આપવી અને તેનું નિદર્શન કરાવવું, મૂલ્યાંકન પણ કરવું. આ પૈકી ઘણી વાતો તો તેને ઘરેથી શીખી લીધી હોય છે. બાળકના પિતા જે વ્યવસાય કે ધંધો કરતા હોય તેની માહિતી પણ તેને સારી રીતે સમજાઇ ગઇ હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.