Abtak Media Google News
  • અનામતની રાહમાં ચૂંટણીઓ પાછી ન ઠેલી શકાય !!
  • ટ્રિપલ ટેસ્ટ પ્રક્રિયાની ઔપચારિકતા નક્કી થાય ત્યારબાદની ચૂંટણીમાં અમલીકરણ કરશો પરંતુ હાલ તેના વાંકે ચૂંટણીમાં વિલંબ નહીં કરવા આદેશો છૂટ્યા 
મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૧૯ થી હાલ સુધીમાં ૨૩,૨૬૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની ચૂંટણી પ્રક્રિયા ઓરંભે ચડી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ બાબત ખૂબ જ ગંભીરતાથી લેતા મધ્યપ્રદેશ ચૂંટણી પંચને આદેશ આપ્યા છે કે, બે સપ્તાહમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ચૂંટણીઓ યોજવામાં આવે.
મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સમય માંગતા કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં જરૂરી ઓબીસી અનામતને અમલી બનાવવા માટે ટ્રિપલ ટેસ્ટ પ્રક્રિયા તેમજ  સીમાંકન પ્રક્રિયા માટે હજુ વધુ સમયની જરૂરિયાત છે જેથી નામદાર અદાલત રાજ્ય સરકારને વધુ સમયની ફાળવણી કરે પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવતા કહ્યું હતું કે, ટ્રિપલ ટેસ્ટ પ્રક્રિયા માટે વધુ સમય આપી શકાય નહીં, તાત્કાલિક અસરથી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરી બે સપ્તાહમાં ચૂંટણી અંગે કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવે. સુપ્રીમે આદેશ આપતા પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થાય તે પૂર્વે જ ચૂંટણી યોજવા અંગેના બાંધરણીય આદેશનો ઉલ્લેખ પણ કર્યો હતો.
જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, અભય એસ. ઓકા અને સી. ટી. રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે, ઓબીસી આરક્ષણ આપવા માટે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે નહીં અને એમપી ચૂંટણી પંચને બે અઠવાડિયામાં નોટિફિકેશન જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ટ્રિપલ ટેસ્ટની ઔપચારિકતા પૂર્ણ થાય ત્યારે આગામી ચૂંટણીઓ માટે ટ્રીપલ ટેસ્ટ પ્રક્રિયા અમલી બનાવવામાં આવશે પરંતુ જે ચૂંટણીઓ અગાઉ યોજવાની હતી તેને ફક્ત ટ્રીપલ ટેસ્ટ પ્રક્રિયા અધુરી હોવાના બહાના તળે વધુ ઔરંભે ચઢાવી શકાય નહીં જેથી તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા અંગે નોટિફિકેશન જાહેર કરી ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.