Abtak Media Google News

ગુજરાતમાં  મહિલા સંમેલન માટે પ્રિયંકા ગાંધીને આમંત્રણ પાઠવાયું

ભાજપના રાજમાં ગુજરાતની જનતા વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે   જનતા આપણી સામે મોટી અપેક્ષા રાખીને વિશ્ર્વાસ મૂકી રહી છે. કોઈપણ જાતનો ડર રાખ્યા વિના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચાર સામે સતત લડતા રહેવા કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ  રાહુલ ગાંધીએ ટકોર કરી છે.

ગઈકાલે દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યો સાથેની બેઠકમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓ દાહોદ ખાતે ઐતિહાસીક આદિવાસી સત્યાગ્રહ રેલીને મળેલી સફળતા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દાહોદ ખાતેની આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનસંખ્યામાં ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજ માટે ન્યાય અને અધિકારની લડત, જળ, જંગલ અને જમીન અંગે કોંગ્રેસ પક્ષની લડત માટે તમામ ધારાસભ્યઓએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. સાથોસાથ આદિવાસી સમાજને પણ કોંગ્રેસ પક્ષમાં મોટા પાયે વિશ્વાસ વ્યક્ત કરીને રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર અંબાજી થી ઉમરગામ સુધીમાં 10 લાખ અદિવાસી પરિવારોમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક અભિયાન કરશે.

અસહ્ય મોંઘવારી મુદ્દે વાવના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ  પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં મોટાપાયે ગેરરીતિ, વારંવાર પેપર ફૂટવાની ઘટના અને ભ્રષ્ટાચાર સામે યુવાનોના જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ફરી ગુજરાત આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ધારાસભ્યોના વિવિધ મંતવ્યો સાંભળ્યા બાદ  રાહુલ ગાંધીજીએ ધારાસભ્યે જણાવ્યું હતું કે કોઈએ ડર્યા વગર બધા સાથે મળીને ભાજપના કુશાસન, ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડત આપીશું.જનતા આપણી સામે મોટી અપેક્ષા લઈને વિશ્વાસ મૂકી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.