Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ આરિફની રિવ્યુ પિટિશન ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા પર હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત રાખી છે. કોર્ટે મોહમ્મદ આરિફની રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લા પર આતંકી હુમલો કર્યો હતો.  આ હુમલામાં બે જવાનો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.  ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં લાલ કિલ્લામાં ઘૂસણખોરી કરનારા બે આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા.  31 ઓક્ટોબર 2005ના રોજ લાલ કિલ્લા હુમલાના કેસમાં આરિફને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.ઉલ્લેખનીય છે કે, 2013માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખતી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી.  આ પછી 2014માં સુપ્રીમ કોર્ટે આરિફની ક્યુરેટિવ પિટિશન પણ ફગાવી દીધી હતી.  જે બાદ હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે દોષિતોની સજાને લઈને દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને પણ ફગાવી દીધી છે.

2015માં સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણ અને આરિફની અરજી પર ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે ફાંસીની સજા પામેલા દોષિતોની સમીક્ષા અરજીની સુનાવણી ખુલ્લી અદાલતમાં થવી જોઈએ.  અગાઉ, ન્યાયાધીશ તેમની ચેમ્બરમાં સમીક્ષા અરજીની સુનાવણી કરતા હતા. નિષ્ણાતોના મતે, આ પહેલો કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષીની સમીક્ષા અરજી અને ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા પછી ફરીથી સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.