Abtak Media Google News

અમરેલી એલસીબી પીઆઇ પટેલ સહિતના પોલીસ સ્ટાફનો રૂ.૩૨ કરોડની ખંડણી વસુલ કરવાનો કારસો સામે આવ્યો: સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાની ટીમે અમરેલીમાં દરોડા એલસીબી પીઆઇ ભૂગર્ભમાં: નવ સામે નોંધાતો ગુનો: અમરેલીના ઉચ્ચ અધિકારીને રેલો આવશે?

સુરતના બિલ્ડર સહિત ત્રણ સામે બીટ કોઇન ટ્રેડીંગનો કેસ ન કરવા કોબા સર્કલ પાસેથી અપહરણ કરી ગાંધીનગરના કેશવ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી અમરેલી એલસીપી પીઆઇ સહિત નવ શખ્સોએ રૂ.૧૨ કરોડના ૨૦૦ બીટ કોઇન ટ્રાન્સફર કરી રૂ.૩૨ કરોડની ખંડણી માગવા અંગેનો સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બીટ કોઇન પ્રકરણની સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝીટવટભરી તપાસ કરતા અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારી સુધી તપાસનો રેલો આવે તેવી ચર્ચા સાથે ચકચાર જાગી છે ત્યારે સીઆઇડી ક્રાઇમના સ્ટાફે અમરેલીમાં દરોડા પાડી બે પોલીસમેન અને સુરતના જમીન મકાનના દલાલની ધરપકડ કરી છે. અમરેલી એલસીબીના પી.આઇ. સહિતનો સંડોવાયેલો પોલીસ સ્ટાફ ફરાર થઇ ગયા છે.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ તેમના ભાગીદાર કિરીટ પાલરીયા ડ્રાઇવર મહિપાલ અંબાજી માતાજીના દર્શન કરવા જતા હતા ત્યારે ત્રણેયને કોબા સર્કલ પાસે અટકાવી રૂ.૧૨ કરોડના ૨૦૦ બીટ કોઇનનો કેસ ન કરવાના બદલામાં અમરેલી એલસીબીના પી.આઇ. અનંત પટેલ ત્રણ પોલીસની ગાડીમાં અપહરણ કરી દેહગામ પાસે આવેલા કેશવ ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા હતા.

પી.આઇ. અનંત પટેલ સહિતના પોલીસ સ્ટાફે ગેર કાયદે બીટ કોઇન ટ્રેડીંગ કરો છો કહી કેસ કરવા ન કરવાના બદલામોં બિલ્ડર શૈલેષ ભટ્ટના મોબાઇલની મદદથી રૂ.૧૨ કરોડના ૨૦૦ બીટ કોઇન ટ્રાન્સફર કરી લીધા હતા અને રૂ.૩૨ કરોડની ખંડણી માગી હતી. ખંડણી ચુકવવા શૈલેષ ભટ્ટે સુરતની પી.ઉમેશ આંગડીયા પેઢીના માલિક ભરતભાઇ મારફત આપવાનું જણાવતા પાંચ કલાકના અંતે ત્રણેયને મુકત કરાયા હતા.

આ સમગ્ર પ્રકરણ રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રૂબરૂ રજુઆત કરવામાં આવતા સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી. એકાદ માસની તપાસના અંતે પુરાવા મળતા અમરેલી એલસીબી પી.આઇ. અનંત પટેલ, એએસઆઇ સંજય પદમાણી, હેડ કોન્સ્ટેબલ બાબુ ડેર, ઉમેદ મહેતા, સુરેશ ખુમાણ, નુરભાઇ મહંમદભાઇ, વિજય વાઢેર, કોન્સ્ટેબલ જગદીશ જનકાણી, લોકરક્ષક મયુર માંગરોલીયા અને પ્રતાપ ડેર તેમજ સુરતના જમીન મકાનના ધંધાર્થી કેતન પટેલ સામે અપહરણ કરી બળજબરીથી ખંડણી વસુલ કરવા તેમજ લાંચ અંગેનો ગુનો નોંધ્યો છે.

શૈલેષ ભટ્ટના ભાગીદાર રાજેશ દેસાઇ અને દિલીપ કાનાણી દ્વારા સમાધાન પેટે મધ્યસ્થી થઇ રૂ.૭૮.૫૦ લાખ અમરેલી એલસીબીના પી.આઇ. અનંત પટેલને પહોચડવા અંગેના પણ પુરાવા સીઆઇડી ક્રાઇમને મળતા સરકાર દ્વારા એસઆઇટીની રચના કરી તેમાં સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદી અને એસપી સુજાતા મજમુદારની નિમણુંક કરી છે. તેઓના સુપરવિઝન હેઠળ સીઆઇડી ક્રાઇમના સ્ટાફે અમરેલી એલસીબી અને પી.આઇ. અનંત પટેલ સહિતના આરોપીઓના ઘરે દરોડા પાડયા હતા. પી.આઇ. અનંત પટેલ ફરાર થઇ ગયા હતા જ્યારે હેડ કોન્સ્ટેબલ બાબુ વાજસુર ડેર અને કોન્સ્ટેબલ વિજય મુળજી વાઢેર તેમજ સુરતના જમીન મકાનના ધંધાર્થી કેતન પટેલની ધરપકડ કરી છે.

અમરેલી એલસીબી સ્ટાફ અને ત્રણ વાહન અમરેલી જિલ્લા બહાર ગયા તે અંગે જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ બહાર કેમ ગઇ તે અંગે અને અપહરણની ઘટના સમયે જિલ્લા પોલીસ વડા પટેલ અને પી.આઇ. અનંત પટેલ વચ્ચે ટેલિફોનીક વાતચીત થયાના પુરાવા સીઆઇડી ક્રાઇમને મળી આવતા તપાસનો રેલો એસપી જગદીશ પટેલ સુધી આવે તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.