Abtak Media Google News

કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 5.43 ટકા ઘટી, ઓર્ડર ઘટવાથી એકમો 60થી 70 ટકા ક્ષમતા પર કામ કરી રહ્યા છે

હીરા માટે સૌથી મોટા બજાર અમેરિકા અને ચીન, એક દેશમાં આર્થિક સમસ્યા અને બીજામાં કોરોનાનો કહેર હોવાથી હીરા ઉદ્યોગની માઠી બેઠી

ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ભારતની હીરાની નિકાસમાં ઘટાડો થવા લાગ્યો છે.   જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022 ના એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 5.43% ઘટી હતી.  પશ્ચિમ દેશો અને ચીનમાં કટ અને પોલિશ્ડ હીરાની ઘટતી માંગને કારણે સુરતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20,000 કામદારોની છટણી કરવામાં આવી છે.

ભારતના હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર સુરત, તેના 4,000 થી વધુ કટીંગ અને પોલિશિંગ એકમોમાં લગભગ 8,00,000 કામદારોને રોજગારી આપે છે.  પરંતુ કામ ઘટવાથી, એકમોને 60-70% ક્ષમતા પર કામ કરવાની ફરજ પડી, સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું કે તેમને ઓછા મજૂરોની જરૂર છે.  કારણ કે નિકાસ ઘટવાને કારણે બહુ કામ નથી.

ડાયમંડ વર્કર્સ યુનિયન અને ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાની નગરી સુરતમાં 2008ની મંદીનું પુનરાવર્તન આ વર્ષે પણ થશે કે કેમ તેવો ભય છે. ઓર્ડર ઓછા છે અને તેથી કામનું ભારણ ઓછું છે.  આથી એકમો કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે.  કેટલાક એકમો કામકાજના દિવસોમાં કાપ મૂકી રહ્યા છે જેથી તેઓને કામકાજ સિવાયના દિવસોમાં કામદારોને ચૂકવણી ન કરવી પડે.  ટાંકના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં સુરતમાં આશરે 20,000 હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી છે.  કટ અને પોલિશ્ડ હીરા માટે અમેરિકા સૌથી મોટું બજાર છે, ત્યારબાદ ચીન આવે છે. જ્યાંથી ઓર્ડર ઓછા આવવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

છુટા કરાયેલ અન્ય કર્મચારીઓને બીજી ફેક્ટરીઓમાં કામે લગાડાશે

એસડીએના માવાણીએ કહ્યું કે જે કામદારોએ તેમની નોકરી ગુમાવી છે તેમને અન્ય ક્ષેત્રોમાં કામ અપાવવામાં આવશે. મોટાભાગની ફેક્ટરીઓમાં 30 ટકા જગ્યા ખાલી છે.  જોકે અમેરિકા, યુરોપ અને ચીનમાં મંદીના ભયને કારણે સુરતમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.  એસડીએ સેક્રેટરીએ કહ્યું કે તેમને ખબર નથી કે પરિસ્થિતિ ક્યારે સુધરશે.  વિદેશી બજારોમાંથી માંગમાં જોરદાર વધારો થવામાં એક વર્ષ લાગી શકે છે.

પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થવાને કારણે વેપારીઓનો નફો ઘટી રહ્યો છે

જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે ચીનમાં રોગચાળો પાછો ફર્યો છે અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી રાહતના કોઈ સંકેતો નથી, વિશ્વના કેટલાક ભાગોમાં મોંઘવારી વધી રહી છે, આ નાણાકીય વર્ષનો છેલ્લો ક્વાર્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાહે જણાવ્યું હતું કે પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થવાને કારણે વેપારીઓનો નફો ઘટી રહ્યો છે.  વેપારીઓએ જણાવ્યું હતું કે ચીનમાં મોસમી સુસ્તી, આર્થિક અનિશ્ચિતતા અને મંદીના કારણે પોલિશ્ડ હીરાનો કારોબાર પણ સુસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.