Abtak Media Google News

ખેતી સાથે મધ ઉછેરની પ્રવૃતિઓ ખેડુતો માટે લાભનું ‘બેવડું’ બોનસ

સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતે મધની ખેતી દ્વારા મધ ઉછેર કેન્દ્રમાં 400 પેટીઓની મદદથી વાર્ષિક 1200 કિલો મધનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.15 લાખની કમાણી કરી છે. જેમણે સરસ મેળા-2023માં માત્ર 5 દિવસમાં જ રૂપિયા 35,000થી વધુના મધનું વેચાણ કર્યું છે. અમદાવાદ ખાદીગ્રામ ઉદ્યોગ ખાતેથી મધની ખેતી માટે તાલીમ લઈ સમૃદ્ધ બન્યા છે.  ધરતીપુત્ર સુખી અને સમૃદ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય આપતી સંખ્યાબંધ યોજનાઓ અમલમા મૂકવામાં આવી છે.

નાણાકીય સહાય ઉપરાંત કૃષિમાં નવા સંશોધનો અને તકનીકનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા માટે વિવિધ નવીન કૃષિ પદ્ધતિઓ અને સુધારાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે પણ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેના પરિણામે અનેક ખેડૂતો ઉત્પાદન વધારી પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે. એવા જ એક ખેડૂત છે. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરતભાઈ ડેડાણીયા કે જે સરકારની સહાયતાથી મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી પોતાની આવકમાં મોટો વધારો કરી શક્યા છે.

મધની ખેતીથી થતા ફાયદાઓ

મધની પેટી મુકવાથી ત્યાં મધમાખીની અવર જવર ખુબ વધે છે. આથી મધમાખીઓ પાકોના ફૂલો પર બેસે છે. તથા તે પાકોમાં પરાગરજનું વહન થવાના કારણોસર પાકનો વિકાસ વધુ થાય છે. ઓર્ગેનિક જમીન પર મધની પેટી રાખવામાં આવે છે. તથા અજમા,વરિયાળી તલ વગેરે ઋતુ પ્રમાણે મધનો ઉછેર કરવામાં આવે છે. તૈયાર કરેલા મધને સરસ મેળો તથા મિશન મંગલમ અંતર્ગત આયોજિત વિવિધ વેચાણ કેન્દ્રો પર ’રામ રસ હની’ નામક બ્રાન્ડથી વેચવામાં આવે છે. ભરતભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો સરકારની મદદથી ખેતીમાં નવા પ્રયોગો કરી ’સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ભારતનાં’ સપનાને સાકાર કરવામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ચૂક્યા છે.

સરસ મેળામાં 5 દિવસમાં રૂ.35,000થી વધુનુ મધ વેચ્યું

રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોનાં ઉત્પાદનોનું પ્રદર્શન સહ – વેચાણ થાય તે માટે “સરસ મેળો 2023″નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. “આત્મનિર્ભ મહિલા, આત્મનિર્ભર ગામ”ના ઉદેશને સાર્થક કરતાં આ મેળાને લોકોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે જનકબેને જણાવ્યું હતું કે, અમને સરસ મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. અમને જણાવતા આનંદ થાય છે કે, માત્ર 5 દિવસમાં રૂ. 35,000થી વધુ રૂપિયાનું રામ રસ-મધનું વેચાણ થઈ ગયું છે.

સરસ મેળો, મિશન મંગલમ યોજના દ્વારા આયોજિત વિવિધ વેચાણ સ્ટોલ દ્વારા સરળતાથી મધનું વેચાણ

ભરતભાઈના પત્ની જનકબેન પણ મધના વ્યવસાય સાથે જોડાયેલા છે. મિશન મંગલમ યોજના અંતર્ગત રામ રસ હની સ્વસહાય જૂથ નામથી સખી મંડળ શરૂ કરી જનકબેન પોતે તો આર્થિક ઉપાર્જન કરે છે. સાથે અન્ય મહિલાઓને પણ પગભેર થવામાં મદદરૂપ થઈ રહ્યા છે. સખી મંડળ સાથે જનકબેન પણ જોડાયેલા છે. જનકબેન ’સરસ મેળો’ ઉપરાંત સરકારી વેચાણ કેન્દ્રો પરથી મધનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે.

અલગ – અલગ ફ્લેવર્સનાં મધ

જમીનમાં ઋતુ પ્રમાણે અલગ-અલગ પાકો લેવામાં આવે છે, જેમનો રસ લેતી મધમાખીઓ દ્વારા તે અનુસાર અલગ-અલગ ફલેવરનાં મધ બનાવી શકાય છે. જેમકે, અજમાં, વરિયાળી, તલ વગેરે.

સામાન્યત: મધમાખીથી ભરેલી પેટી જમીન પર મૂકવામાં આવે છે. ઇટાલિયન મધમાખી દ્વારા અંદાજિત 20થી 22 દિવસમાં મધ તૈયાર થઈ જાય છે.

ખાદી ગ્રામ ઉદ્યોગ – અમદાવાદ ખાતેથી મધ ઉછેર કેન્દ્રની ટ્રેનિંગ લીધી

ભરતભાઈ પહેલા ખેતીમા વિવિધ પાકો દ્વારા આવક મેળવતા હતા. પરંતુ તેમને મળતી આવકથી તેઓને સંતોષ નહોતો અને મનમાં ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવાનો ઉત્સાહ હતો. ગામમાં મધની પેટીની અવર-જવર જોતા તેઓને મધની ખેતી કરવાનો વિચાર આવ્યો અને તેમને મધ ફાર્મની મુલાકાત લીધી. મધની ખેતી કરવા માટે તેમણે એક મિત્ર પાસેથી જ માહિતી મેળવી હતી. ત્યારબાદ ખાદી ગ્રામ ઉધોગ -અમદાવાદ ખાતેથી ભરતભાઈએ એક વર્ષ મધ ઉછેરની વિશદ તાલીમ લીધી હતી.તાલીમ લીધા બાદ ભરતભાઈએ શરૂઆતમાં જ 50 પેટી મધ ઉછેર કર્યું હતું. મધ ઉછેર કેન્દ્ર માટે સરકાર તરફથી 50 % સબસિડી મળવાપાત્ર છે. તેમણે આ માટે માહિતી બાગાયત વિભાગ પાસેથી મળી હતી. અરજી કરતાં તેમને રૂ.એક લાખ ત્રીસ હજારની સહાય આપવામાં આવી હતી. સતત પાંચ વર્ષની મહેનત બાદ ભરતભાઈ હાલમાં 400 પેટી મધ ઉછેર કરી રહ્યા છે.એક પેટીની બજાર કિંમત 5000 રૂપિયા છે. પ્રથમ વર્ષે 150 કિલો મધનું ઉત્પાદન મેળવ્યું હતું. હાલ વધીને વાર્ષિક 1200 કિલો કરતાં પણ વધુ થયું છે. જેના પગલે તેવો વાર્ષિક અંદાજિત રૂ. 15 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે.  ભરતભાઈ જણાવે છે કે, સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. મધની ખેતી માટે પણ સરકાર ખેડૂતોને સબસિડી આપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.