Abtak Media Google News

યુવાનને રૂમમાં પૂરી કપડાં કાઢી લમધાર્યો: ત્રણ શખ્સોએ વાહનમાં બેસાડી જુદા જુદા સ્થળે લઈ જઈ માર માર્યાનો આક્ષેપ

રાજકોટમાં દિનપ્રતિદિન કાયદાની સ્થિતિ કથળતી દેખાઈ રહી છે. જેમાં લૂંટ, હત્યા અને અપહરણના અનેક બનાવો પોલીસ મથકમાં નોંધાઇ રહયા છે. ત્યારે વધુ એક વખત રાજકોટમાં આવારા તત્વોને જાણ ખાખીનો ખોફ જ ના રહ્યો હોય તેમ એક યુવાનનું અપહરણ કરી માર માર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મિત્રના ઝઘડામાં પડેલા યુવાનને ત્રણ શખ્સો ઉઠાવી જઇ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધાચીવાડ વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા સાહિલ ઇબ્રાહીમભાઇ પાયક નામના 21 વર્ષીય યુવાનને અભી સહિતના શખ્સોએ અપહરણ કરી માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસમાં જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સાહિલ પાયક ગઇ કાલે ઘરે હતો ત્યારે સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા તેના મિત્ર અરબાઝ રફિકભાઈ દાવદાણીના કારીગરનો ફોન આવ્યો હતો અને અરબાઝને અમુક શખ્સો માર મારતા હોવાનુ જણાવ્યું હતું. જેથી સાહિલ તુરંત બાઈક લઈને તેના મિત્રના કારખાને ગયો હતો. જ્યાં તેના મિત્રને પૈસાની લેતીદેતી મામલે ચાલતી માથાકૂટમાં વચ્ચે પડતા સામેવાળા ત્રણ શખ્સોએ સાહિલને કારખાનામાં રૂમમાં પૂરી કપડા કાઢી બેફામ માર માર્યો હતો.

એટલું જ નહિ સાહિલને કારખાનામાં માર માર્યા બાદ તેને આરોપીઓ વાહનમાં બેસાડી સોરઠીયા વાડી સર્કલ તરફ લઈ ગયા હતા. જ્યાં પણ જુદા જુદા સ્થળોએ સાહિલને માર માર્યો હતો અને તેનો મોબાઈલ તોડી નાખી યુવાનના બાઇકમાં પણ તોડફોડ કરી હોવાનુ સાહિલે જણાવ્યું હતું. આ ત્રણેય શખ્સો માંથી એક શખ્સે સાહિલને ’હું તારા પિતા અભી’ તેમ કહ્યું હતું. જેથી યુવાનને એક આરોપીનું નામ યાદ રહી ગયું હતું.

આ ત્રણેય શખ્સોએ મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને અપહરણ કરી બેફામ માર મારી સોરઠીયા વાડી સર્કલ પાસે જ મૂકીને નાસી ગયા હતા. જ્યાંથી સાહિલને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસે ઘટનાની નોંધ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.