Abtak Media Google News

તાપમાનનો પારો ઉચકાતા દર્દીઓમાં ઘટાડો: સ્વાઈનફલુ વોર્ડમાં એક દર્દી સારવાર હેઠળ

સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં સ્વાઈનફલુએ માથુ ઉંચકતા આરોગ્યતંત્ર અને તબીબોમાં દોડધામ મચી ગઈ છે. સ્વાઈન ફલુએ આંશિક વિરામ બાદ સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં ૬૩ વર્ષના વૃદ્ધ અને ખાનગી હોસ્પિટલમાં ૫૦ વર્ષના પ્રૌઢનો ભોગ લીધો હતો. રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફલુથી ૧૪૭ લોકોના મોત નિપજયા છે. સિવિલના સ્વાઈનફલુ વોર્ડમાં ફકત એક મહિલા જ સ્વાઈનફલુની સારવાર હેઠળ છે અને તેણીનો રીપોર્ટ પણ બાકી છે.

માળીયા-મિંયાણા તાલુકા વેજલપર ગામે રહેતા હિરાભાઈ મંગાભાઈ જીજુંવાડીયા નામના ૬૩ વર્ષના ઠાકોર વૃદ્ધને સ્વાઈનફલુની સારવાર અર્થે ગત તા.૨૭ના રોજ સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબોએ સઘન સારવાર આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ૧૦ દિવસની લાંબી સારવાર બાદ આજે સવારે ૮ વાગ્યે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો. જયારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુની સારવાર લઈ રહેલા જેતપુરના ૫૦ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ગત જાન્યુઆરીથી આજદિન સુધી સ્વાઈનફલુથી ૧૪૭ લોકોના મોત નિપજયા છે. હાલ સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં રાજકોટ શહેરની એક મહિલા જ સારવાર લઈ રહી છે અને તેણીનો રીપોર્ટ પણ હજુ બાકી છે. સ્વાઈન ફલુ વોર્ડમાં દર્દીઓમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી આરોગ્ય તંત્ર, તબીબો અને શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.