Abtak Media Google News

બે થી ચાર ટકાના ભાવ વધારા માટે તમામ કંપનીઓની તૈયારી

મારુતિ , ટાટા મોટર્સ, ફોર્ડ, ટોયોટા, હોન્ડા કાર્સ, સ્કોડા, ઇસુઝુ, જિપ, મહિન્દ્રા અને ફોક્સવાગન દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી. કાર લોનમાં ૩૦ ટકા વધારો લોન અમાઉન્ટમાં પણ વધારો

જાન્યુઆરીથી કારના ભાવ વધારવાની જાહેરાતમાં જિપ, મહિન્દ્રા અને ફોક્સવાગન પણ સામેલ થઈ છે. ઓટોઉત્પાદક એફસીએ ઇન્ડિયાએ જણાવ્યું કે તે પ્રીમિયમ એસયુવી જિપ કમ્પાસના ભાવમાં જાન્યુઆરીથી ₹૮૦,૦૦૦નો વધારો કરશે.

જોકે, કંપની એન્ટ્રી લેવલના વેરિયન્ટના ભાવમાં વધારો નહીં કરે. એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કેવિન ફ્લિને જણાવ્યું કે, ગ્રાહકોએ જિપ કમ્પાસના સ્પર્ધાત્મક ભાવને બિરદાવ્યા છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કરવામાં આવશે. માત્ર એન્ટ્રી લેવલના વેરિયન્ટના ભાવ નહીં વધે.

એન્ટ્રી લેવલના વેરિયન્ટનો એક્સ-શોરૂમ ભાવ ₹૧૫.૧૬ લાખ છે જે યથાવત્ રાખવામાં આવશે. જુલાઈમાં લોન્ચ કરવામાં આવેલું મોડલ ત્રણ વેરિયન્ટમાં આવે છે જેમાં મહત્તમ ભાવ (એક્સ-શોરૂમ) ₹૨૧.૭૩ લાખ છે.

યુટિલિટી વાહન ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે તે જાન્યુઆરીથી પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ભાવમાં ત્રણ ટકાનો વધારો કરશે.

મહિન્દ્રાના પ્રેસિડન્ટ, ઓટોમોટિવ સેક્ટર, રાજન વાઢેરાએ કહ્યું કે, અમે ઘણા સમયથી ઈનપુટ ખર્ચમાં વધારો ભોગવી રહ્યા હતા. પરંતુ કોમોડિટીના ભાવમાં વધારાના કારણે ભાવ વધારવા પડશે.

કંપની જે વ્હિકલ્સ વેચે છે તેમાં એસયુવી સ્કોર્પિયો, એક્સયુવી ૫૦૦નો સમાવેશ થાય છે. ગઈકાલે મારુતિ ઇન્ડિયાએ કહ્યું કે તેનાં વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કરશે.

ટાટા મોટર્સ, ફોર્ડ, ટોયોટા, હોન્ડા કાર્સ, સ્કોડા, ઇસુઝુએ પણ જાન્યુઆરીથી ભાવ વધારવાની જાહેરાત કરી છે.

ફોક્સવાગને કહ્યું કે તેની કારના ભાવમાં જાન્યુઆરીથી ₹૨૦,૦૦૦નો વધારો કરશે. ફોક્સવાગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના ડિરેક્ટર સ્ટેફન નેપે જણાવ્યું કે કેટલાક બાહ્ય આર્થિક પરિબળો તથા વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ફેરફારના કારણે વાહનોના ભાવ વધારવા જરૂરી છે. ફોક્સવાગને તાજેતરમાં ટિગુઆન અને પસાત લોન્ચ કરી છે અને પોર્ટફોલિયો વૈવિધ્યકૃત બનાવ્યો છે.

ભારતીયોની વધતી જતી મહત્ત્વાકાંક્ષાના પરિણામે લોકો હવે વધુ ને વધુ પ્રમાણમાં લોન લઈ કાર ખરીદી રહ્યા છે અને તેના લીધે ધીમે ધીમે લોનની સાઇઝ પણ સ્થિર દરે વધી રહી છે, એમ તેમણે આ અહેવાલમાં જણાવ્યું હતું. પેસેન્જર કારનો આઉટસ્ટેન્ડિંગ લોન પોર્ટફોલિયો ૩૦ ટકા વધીને સપ્ટેમ્બર ૨૦૧૭ના અંત સુધીમાં ₹૩.૫૯ લાખ કરોડ થયો છે.

સ્થાનિક રેટિંગ એજન્સી જણાવ્યું હતું કે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને વધતાં જતાં વાહનોને પહોંચી વળવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સક્ષમ છે તે અંગે સવાલ પણ ઊઠવા લાગ્યા છે. લોનનું સરેરાશ કદ પણ છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦ ટકા વધીને ₹૫.૫ લાખ થયું છે, જે ત્રણ વર્ષ પહેલાં ₹૪.૫ લાખ હતું, એમ તેમણે જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૧ લાખ કારને ફાઇનાન્સ કરવામાં આવી હતી અને ૧૭ લાખ કારને એકલા સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં છ મહિનામાં જ ફાઇનાન્સ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. આજે પાંચથી દસ લાખની કારનો પોર્ટફોલિયો સૌથી વધુ લોકપ્રિય છે અને આ બ્રેકેટમાં લોનનો પોર્ટફોલિયો ૪૧ ટકા જેટલો થયો છે, આમ અગાઉ ₹૨થી ₹૫ લાખ સુધીનું જૂથ વધારે પ્રચલિત હતું. આમ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ૨થી ૫ લાખના ગ્રૂપનો હિસ્સો ૫૫ ટકા હતો, જે હવે ઘટીને ૪૦ ટકા થયો છે.

છેલ્લાં આઠ ક્વાર્ટરમાં ફાળવણી ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં સૌથી ઊંચી સપાટી ૮.૨૪ લાખે પહોંચી હતી અને હવે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં આ આંકડો ૭.૯૯ લાખને સ્પર્શ્યો છે. પણ આ સંદર્ભમાં જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે તેમાં લોનની સંખ્યા હોવા છતાં પણ કુલ મૂલ્ય ઘણું વધારે હતું.

તેમણે ઉમેર્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૬ના પૂરા થયેલા ક્વાર્ટરમાં તેમાં ₹૪૨,૦૩૪ કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૭ના ક્વાર્ટરમાં વધીને ₹૪૪,૧૧૦ કરોડ થઈ હતી. આ અંગે ભૌગોલિક પ્રસારના સંદર્ભમાં જોઈએ તો મહારાષ્ટ્ર સૌથી વધુ ફાળવણીની રકમ કરનારા સક્રિય લોન માર્કેટ તરીકે ઊભરી આવ્યું છે, જ્યારે તેલંગણા સરેરાશ ટિકિટ કદમાં આગેવાન છે.

મહારાષ્ટ્રમાં ૩.૭૭ લાખ લોનની ફાળવણી કરવામાં આવી હતી, તેનું સરેરાશ ટિકિટ કદ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૩૮ લાખનું હતું, જ્યારે તેલંગણામાં ૧.૨૯ લાખ લોન હતી અને તેનું સરેરાશ કદ ૬.૦૪ લાખ હતું. એસેટ ક્વોલિટીના ફાઇનાન્સિયરો નિષ્ફળ લોન ફાળવણી અંગે ખાસ ફરિયાદ કરતા નથી જે સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતે ૩.૭ ટકા હતી અને ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ચાર ટકા જેટલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.