Abtak Media Google News

તમામ કેન્દ્રોના એન્ટ્રી ગેઇટ ઉપર જ હાઈ રિઝોલ્યુશન કેમેરા મૂકી તમામ ઉમેદવારોના ચહેરાનો રેકોર્ડ રખાશે: પરિવહન, પોલીસ

બંદોબસ્ત, સીસીટીવી કેમેરા સહિતની પૂરતી વ્યવસ્થા વચ્ચે જિલ્લામાં કુલ 197  કેન્દ્રો પર 57000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે

આવતીકાલે યોજાનારી તલાટી-કમ-મંત્રીની પરીક્ષા માટે તંત્ર સજ્જ છે : જિલ્લા કલેકટર પ્રભવ જોશી

આવતીકાલે યોજાનારી તલાટી-કમ-મંત્રીની પરીક્ષા માટે તંત્ર સજ્જ છે તેમ જણાવી જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઉમેર્યું કે પરિવહન, પોલીસ બંદોબસ્ત, સી.સી.ટી.વી કેમેરા સહિતની પૂરતી વ્યવસ્થા વચ્ચે જિલ્લામાં કુલ 197  કેન્દ્રો પર 57000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. જિલ્લામાં તમામ ઉમેદવારોનો ચેહેરો સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરાશે.

Advertisement

રાજકોટ જિલ્લામાં આવતીકાલે લેવાનારી તલાટી-કમ-મંત્રીની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ અંગે કલેકટર પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ તમામ વિભાગ સાથે સંકલમાં સુનિયોજિત વ્યવસ્થાપન કરવામાં આવ્યુ છે.

આ અંગે માહિતી આપતા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 197  કેન્દ્રો પર 1900 જેટલા વર્ગખંડોમાં 57000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની અડચણ ના રહે તેની પૂર્વ તૈયારી રૂપે તા 6/05/2023 ના રોજ સવારે પરીક્ષા કેન્દ્રો પર રીહર્ષલ તેમજ પરીક્ષામાં ડ્યુટી કરનાર સ્ટાફને  તાલીમ આપવામાં આવી છે.

પરીક્ષાના પેપરોની સુરક્ષા માટે દરેક રૂટમાં પોલીસ અને વિડિયોગ્રાફર સાથે સાહિત્ય રવાના કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાશે તેમ કલેકટરએ જણાવ્યું છે.

આ સાથે વિજપુરવઠો સતત જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ નો થાય તે માટે તમામ વર્ગખંડો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા પૂર્ણ થયે તમામ સી.સી.ટી.વી. રેકોર્ડીંગનું  નિરીક્ષણ કરવામાં આવશે .

આ ઉપરાંત દરેક કેન્દ્રના મુખ્ય ગેટ પર હાઇ રિજોલ્યુશન કેમેરા મૂકવામાં આવેલ છે, જેમાં ઉમેદવારનો ચહેરો કેપ્ચર કરવામાં આવશે. ઉમેદવારોને સ્થળ પર પહોંચવામાં સરળતા રહે તે માટે રાજકોટ જી.એસ.આર.ટી. દ્વારા વધારાની 200 બસ તેમજ દ્વારકા, ભાવનગર જિલ્લામાં ઉમેદવારો પહોંચી શકે તે માટે સ્પેશ્યિલ ટ્રેનો નું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રભવ જોશીએ જણાવ્યું છે.

11:45 બાદ ઉમેદવારોને નો એન્ટ્રી

પોતાના કોલ લેટરમાં જણાવેલ તમામ સુચનાઓ ધ્યાનથી વાંચી જવી તથા રીપોર્ટીંગ ટાઇમ 11:00 વાગ્યે છે અને 11:45  પછી કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. આમ ઉમેદવારોએ સમયસર હાજર રહેવું જરૂરી બનશે.

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક-2023ની જોગવાઇઓ

  • નવા કાયદાના પેપરલીંકના ગુનેગારને 10 વર્ષ સુધીની સજા અને રૂમ. એક કરોડ  સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • આયોજન પુર્વક પરીક્ષામાં ગેરરીતી એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી 7 વર્ષની કેદ અને વધુમાં વધુ 10 વર્ષની કેદની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • કોઇ પરીક્ષાર્થી ગેરરીતી કરતા પકડાય અને ગુનો સાબીત થાય તો તેને 2 વર્ષ માટે કોઇ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
  • પરીક્ષા સાથે સંકળાયેલ વ્યક્તિને પ્રવેશ કરવા ન દેવો, ધમકાવવું, વગેર ગુનાઓ માટે 3 વર્ષની જેલની સજા અને રૂમ.1,00,000/- ના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • તમામ ગુનાઓ બીન જામીનપાત્ર ગણાશે. જેની તપાસ પી.આઇ. થી નીચેની કક્ષાના અધિકારી નહી કરી શકે.

ડિજિટલ ઘડિયાળ પહેરવા ઉપર પ્રતિબંધ

પોતાનું એક અસલ આઇ.ડી.પ્રુફ,  કોલ લેટર, પેન, સાદી કાંડા ઘડીયાલ(ડીઝીટલ પ્રતિબંધિત)  સિવાયની વસ્તુઓ પરીક્ષા કેન્દ્રની અંદર લાવવા દેવામાં આવશે નહી જેમાં સહકાર આપવા જણાવાયું છે.  ઉમેદવાર ગેરરીતે કે ગેરશિષ્ત કરતા જણાશે તો બોર્ડ દ્રારા ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી તેમજ ફોજદારી પગલા સહિતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

કોઈપણ પ્રશ્ન હોય તો ઉમેદવારો કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી શકશે

ઉમેદવારોને કોઇપણ પ્રકારના લોભ લાલચ કે પ્રલોભનથી દુર રહેવા અપીલ કરવામાં આવે છે અને આ અંગે સતર્ક નાગરિક તરીકે જાણ કરવા અપીલ કરવામાં આવે છે.  ઉમેદવારોને પરીક્ષાલક્ષી કોઇપણ પ્રશ્ન હોય, તો જિલ્લા કક્ષાએ ઓફિસ સમય દરમ્યાન કાર્યરત હેલ્પ લાઇન નં. 0281 2441248 પર કોલ કરી માહિતી મેળવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.