Abtak Media Google News

સર્કલ ઈન્સ્પેકટર વર્ગ-૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં અપગ્રેડ કરવા મામલે પંચાયત, ગામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો પરીપત્ર: તલાટી મહામંડળની વધુ એક માંગ સ્વીકારાઈ

સર્કલ ઈન્સ્પેકટર વર્ગ-૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં અપગ્રેડ કરવા મામલે પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે. જેથી હવે તલાટી વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન મેળવી શકશે. અગાઉ તલાટી મહામંડળે આંદોલનના માર્ગે ચાલીને સરકાર સમક્ષ જે માંગણીઓ મુકી હતી. તેમાની એક માંગણી આ પણ હતી જે સરકારે સ્વિકારી છે.

પરીપત્રમાં જણાવાયું છે કે, પંચાયત વિભાગ હસ્તકના સર્કલ ઈન્સ્પેકટરની જગ્યાઓ અપગ્રેડ કરી વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ગણવા હુકમો કરેલ છે તથા આ હુકમમાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અમુક શરતો રાખવામાં આવેલ છે. તા.૧/૧/૨૦૧૬ પહેલા જે કર્મચારીઓને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે. તેમના કિસ્સામાં હવે ઉચ્ચતર પગાર ધોરણ સુધારણાના કેસો ઉખેળવાના રહેશે નહીં.

મંડળ પાસેથી તેમજ વ્યકિતગત આ પ્રકારની બાંહેધરી લેવાની રહેશે. તા.૧/૧/૨૦૧૬ બાદ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ જો કોઈ કર્મચારીને મળવાપાત્ર થતું હોય તેવા કિસ્સામાં આ રીતે ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરતા જુનીયર કર્મચારીઓનો પગાર તેમના સીનીયર કર્મચારીઓના પગાર કરતા વધી ન જાય તે ધ્યાને રાખીને જ મંજુર કરવાનું રહેશે.

આ પાછળનું કારણ એ છે કે જુનીયર કર્મચારીઓ કે જેઓને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૧૯૦૦/- ગ્રેડ પે માંથી રૂ૪૦૦/- ગ્રેડ પે મળે છે અને મર્જર બાદ તેઓને તેમની દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની જગ્યાનું પગાર ધોરણ તેમની પાત્રતાની તારીખ પહેલા મળી જાય છે.

આમ તેઓના કિસ્સામાં મર્જરને કારણે રૂ.૨૮૦૦/-નો ગ્રેડ પે નો લાભ વહેલો મળતા હોય દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ બાબતે આવી શરત રાખવી યોગ્ય બનશે જેથી કરીને સીનીયર તલાટી કરતાં તેઓને વધુ ઉચ્ચુ પગાર ધોરણ ન મળે અને પગાર વિસંગતતાના પ્રશ્ર્નો ઉપસ્થિત ન થાય.

સર્કલ ઈન્સ્પેકટર તથા વિસ્તરણ અધિકારી (પંચાયત)ની જગ્યાઓ તા.૧/૧/૨૦૧૬થી મર્જ થતા પગાર બાંધણી સંદર્ભે જો કોઈ જુનિયર કર્મચારીનો પગાર સીનીયર કર્મચારી કરતા વધુ થાય તો સ્ટેપીંગ અપનો લાભ મળવાપાત્ર થશે નહીં. આ શરતો રદ કરવા અંગે ગુજરાત રાજય તલાટી મહામંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવેલ હતી.

તે અન્વયે સરકાર કક્ષાએ પુખ્ય વિચારણાના અંતે ઠરાવ રજુ કર્યા છે. સર્કલ ઈન્સ્પેકટર વર્ગ-૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ કરવા બાબતના વિભાગના તા.૨૪/૧૦/૨૦૧૭ના ઠરાવની શરત નં.(૪)(૫) અને (૬) રદ કરવામાં આવે છે તથા આ મુજબ ઠરાવવામાં આવે છે.

તા.૧/૧/૨૦૧૬ની સ્થિતિએ પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે તેવા કર્મચારીઓના કિસ્સામાં તા.૧/૧/૨૦૧૬ની સ્થિતિએ રૂ.૪૨૦૦ ગ્રેડ પે વાળા પગાર ધોરણમાં પગાર બાંધણી કર્યા બાદ સાતમા પગાર પંચ મુજબનો પગાર નકકી કરવાનો રહેશે. તા.૧/૧/૨૦૧૬ની સ્થિતિએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં તા.૧/૧/૨૦૧૬ની સ્થિતિએ રૂ.૨૮૦૦ ગ્રેડ પે વાળા પગાર ધોરણમાં પગાર બાંધણી કર્યા બાદ સાતમા પગાર પંચ મુજબનો પગાર નકકી કરવાનો રહેશે.

પગાર બાંધણીના કારણે જો કોઈ કિસ્સામાં જુનિયર કર્મચારીનો પગાર સીનીયર કર્મચારી કરતા વધી જતો હોય તેવા કિસ્સામાં નાણા વિભાગની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર સ્ટેપીંગ અપનો લાભ મળવાપાત્ર થશે. તા.૨૪/૧૦/૨૦૧૭ના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણા વિભાગ તથા સરકારની તા.૩/૧૧/૨૦૧૮ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.