Abtak Media Google News

સિનિયર ખેલાડીઓ દ્વારા ફાઈનલ પૂર્વે ટીમના ખેલાડીઓને પાઠવવામાં આવી રહી છે શુભેચ્છાઓ

આઈસીસી અંડર-૧૯ વિશ્ર્વકપનો ફાઈનલ આવતીકાલ ૯મી ફેબ્રુઆરીનાં રોજ રમાવવા જઈ રહ્યો છે જેમાં સૌપ્રથમ વખત બાંગ્લાદેશ તમામ ગ્રુપ સ્ટેજનાં મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ્યું છે જયારે બીજી તરફ ભારતીય ટીમે પણ ગ્રુપ સ્ટેજનાં તમામ મેચો જીતી પોતાનું મેચ્યોર્ડ પ્રદર્શન દેખાડયું હતું અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. ભારતીય ટીમ દ્વારા અંડર-૧૯ વિશ્ર્વકપનાં દરેક મેચો ખુબ જ સમજદારીપૂર્વક અને આત્મવિશ્ર્વાસથી રમ્યા હતા અને ફાઈનલમાં પહોંચ્યા હતા. યશસ્વી જયસ્વાલ કે રવિ બિસનોઈ જેવા યુવા ખેલાડીઓને મહેનત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમનાં સિનિયર ખેલાડીઓ દ્વારા અંડર-૧૯ વિશ્ર્વકપમાં રમી રહેલા ટેણીયાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની નેચરલ ગેમ રમવાનું સુચન પણ કર્યું હતું. એ વાતની પણ સ્પષ્ટતા થઈ ચુકી છે કે વિશ્ર્વકપ ફાઈનલ જીતવા માટે ભારતીય ટીમ સજજ છે પરંતુ જો ભારતીય ટીમ ફાઈનલ હારે તો પણ વિશ્ર્વકપ તો એશિયામાં જ રહેશે.

મહમુદૂલ હસન જોયની સદીની મદદથી બાંગ્લાદેશે ગુરૂવારે ન્યૂઝીલેન્ડને છ વિકેટે પરાજય આપીને અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે ફાઈનલમાં બાંગ્લાદેશનો મુકાબલો ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમ સામે થશે. ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં નિર્ધારીત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૧૧ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે ૪૪.૧ ઓવરમાં જ ટારગેટ ચેઝ કરી લીધો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવમી તારીખે ફાઈનલ રમાશે. ભારતીય ટીમ સળંગ ત્રીજી વખત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. અગાઉ ભારતે ચાર વખત વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે હાલમાં પણ તે વર્તમાન ચેમ્પિયન છે. જ્યારે બાંગ્લાદેશ પ્રથમ વખત આ વૈશ્વિક ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું છે. બાંગ્લાદેશ માટે મહમુદૂલે ૧૨૭ બોલમાં ૧૩ ચોગ્ગાની મદદથી ૧૦૦ રન નોંધાવ્યા હતા.  ભારતીય ક્રિકેટ ટીમમાં રમેલા ચેતેશ્ર્વર પુજારા, વિજય શંકર, ટેસ્ટ ટીમનાં વિકેટ કિપર રિદ્ધિમાન શહા, ટેસ્ટ ટીમનાં વાઈસ કેપ્ટન અજીકય રહાણે સહિતનાં ખેલાડીઓએ યુવા ખેલાડીઓનાં જોશમાં વધારો કર્યો હતો અને ફાઈનલ મેચને ફાઈનલ નહીં પરંતુ એક નોર્મલ મેચ તરીકે લેવાનું સુચવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.