Abtak Media Google News

જામનગરમાં ૭, જામજોધપુરમાં ૪, હડિયાણામાં ૧, ચેલા એસઆરપી કેમ્પમાં ૧ કેસ નોંધાયો, ધ્રોલના ખારવા ગામના ૧૧ માસના બાળકનો ભોગ લેવાયો

જિલ્લાની તમામ બોર્ડરો સીલ કરાઇ:  સંક્રમિત કોરોના દર્દીઓના વિસ્તારો સીઝ કરાયા

જામનગર શહેર-જિલ્લામાં શુક્રવારે કોરોના વિસ્ફોટ થતાં એક જ દિવસમાં ૧૪ પોઝીટીવ કેસ નોંધાતા અને ૧૧ મહીનાના બાળકનું મોત નિપજતાં હડકંપ મચી ગયો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી ૧૭ મે સુધી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય જિલ્લામાંથી પ્રવેશબંધીનો નિર્ણય કરવામાં આવતા ધોડાં છૂટી ગયા બાદ તબેલાંને તાળાં જેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ખાસ ફરજ માટે ગયેલા વધુ બે તબીબનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જામનગરમાં ગુરૂવારે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. બંને મહીલા પૈકી એક અમદાવાદ અને બીજી ખંભાળિયાથી મંજૂરી વગર પ્રવેશી હતી. આ દરમ્યાન શુક્રવારે એક જ દિવસમાં જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝીટીવ ૧૪ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. શુક્રવારે સવારે અમદાવાદથી આવેલી જામનગરની ૨૫,૫૨ અને ૭૨ વર્ષની ૩ , જામજોધપુરની ૫૨, ૨૦ અને ૪૨ વર્ષની ૩ અને મેવાસા આંબરડીની ૨૭ વર્ષની ૧ મહીલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે બપોર બાદ વધુ ૭ દર્દી કોરોના સંક્રમીત હોવાનું જાહેર થયું હતું. જેમાં ધ્રોલ તાલુકાના ખારવા ગામના ૧૧ મહીનાના બાળકનું મૃત્યુ નિપજયું હતું. આ બાળકને અગાઉથી શારીરિક તકલીફ હતી અને તેનો જન્મ નિયત સમય પહેલાં થયો હતો તથા તેનું હીમોગ્લોબીન લેવલ પણ ખૂબ ઓછું હતું. ગુરૂવારે રાત્રીના સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયાલા બાળકનું રિપોર્ટ આવતા પહેલા મૃત્યુ નિપજયું હતું. જો કે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તદઉપરાંત હડીયાણામાં ૧ પુરૂષ, સત્યસાંઇનગર ગુલાબનગરમાં ૧ પુરૂષ, રણજીત રોડ વિસ્તારમાં ૭૦ વર્ષના પુરૂષ, દિગ્જામ સર્કલ વિસ્તારમાં ૨૭ વર્ષની મહીલા તથા અન્ય એક વિસ્તારનું ૪ વર્ષનું બાળક તથા ચેલા એસઆરપી કેમ્પમાં ૫૫ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરાયા હતાં. જામનગર શહેર-જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ૧૪ પોઝીટીવ કેસ નોંધાતા કોરોનાનું સંક્રમણ અટકાવવા ૯ થી ૧૭ મે સુધી લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યાનું જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું છે. આટલું જ નહીં શુક્રવારે કચેરીના સમય બાદ જામનગર જિલ્લામાં આવવા માટે ડીજીટલ ગુજરાત અથવા અન્ય જિલ્લામાં રજૂ થતી અરજીઓમાં મંજૂરી ન આપવા સૂચના આપી છે. અનિવાર્ય સંજોગોમાં કે આવશ્યક સેવા માટે પાસ ઇસ્યુ કરવા પ્રથમ જામનગર કલેકટર કચેરીને મેઇલ પર જાણ કરવા જણાવાયું છે.

કોરોના સંક્રમીત જામજોધપુરની ૪ અને જામનગરની ત્રણ મહીલા અમદાવાદ તથા અન્ય મોટાભાગના પોઝીટીવ દર્દી બહારથી આવ્યા હતાં.

૧૧ મહીનાનું બાળક, ૪ વર્ષનું બાળક, ૨૦ થી ૩૦ વર્ષની ૪ મહીલા, ૪૦ થી ૫૫ વર્ષની ૩ મહીલા, ૭૦ વર્ષથી ઉપરની ૧ મહીલા, ૨૫ થી ૪૦ વર્ષના ૩ પુરૂષ, ૭૦ વર્ષથી ઉપરના ૧ પુરૂષ, ૪ દર્દીમાં કોરોનાના લક્ષણો દેખાયા ન હતા છતાં પોઝીટીવ અને જામજોધપુરના ચાર પૈકી ૩ મહીલા મંજૂરી વગર આવી હોય ગુનો નોંધાયો છે

જામનગરમાં શરૂ સેકશન રોડ, નાવાગામ ઘેડ , ગાંધીનગર , સત્યસાંઇનગર ગુલાબનગર, રણજીત રોડ, દિગ્જામ સર્કલ વિસ્તાર, જામજોધપુરમાં ૩ , મેવાસા આંબરડીમાં ૧, હડીયાણામાં ૧, ધ્રોલના ખારવા ગામે ૧ કેસ નોંધાયો છે.

શરૂ સેકશન રોડ, સનરાઇઝ એપાર્ટમેન્ટ, દૂધની ડેરી સામેથી શરૂ કરી ગીતા વિધાલય પહેલાના આડા રસ્તા સુધીમાં સમાવિષ્ટ થતાં મયુર એપાર્ટમેન્ટ, સિધ્ધાર્થ-૧, સિધ્ધાર્થ-૨, સોના, એસન્ટ, ગોડ ગીફટ, રિધ્ધી, માટેલધામ, ક્રેસ્ટ, શરૂ સેકશન રોડ પર આવેલ આશાપુરા હોટલથી અંદર તરફ જતાં આડા રોડ, બજરંગમીલ, નવાગામ ઘેડ, હર્ષદ ડેરી, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, હનુમાન મંદિર, આધાશકિત માતાજીના મંદિશ્ર ક્ધયા શાળા નવાગામ ઘેડ, નિલકંઠ મહાદેવ મંદિર, ઇન્દીરા સોસાયટી, મધુવન સોસાયટી, શિવદર્શન પાર્ક, સ્મશાન રોડ, શિવધારા ટેનામેન્ટ, શિવસાંઇ ટેનામેન્ટ, મેહુલનગર ટેનામેન્ટ, નદંનપાર્ક અને પુનિતનગર વિસ્તાર.

હાલ જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લોકોનની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં. ૨)ની કલમ-૧૪૪, ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની કલમ-૨, ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૪૩ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ની કલમ-૩૪ની રૂઇએ ૯ મે ૨૦૨૦ થી ૧૭ મે ૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી જામનગર જિલ્લાની તમામ બોર્ડર સીલ કરવા અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર અન્ય રાજ્યો કે જિલ્લામાંથી અવર-જવર માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને ખાસ કિસ્સામાં સક્ષમ અધિકારીની પરવાનગી મળ્યા બાદ જ પ્રવેશ મળી શકશે. સમગ્ર જામનગર જિલ્લા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ૪ કે તેનાથી વધારે વ્યક્તિઓ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહીં તેમજ જામનગર જિલ્લાના વિસ્તારમાં કોરોનાવાયરસ સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે ધી એપેડેમીક એક્ટ-૧૮૯૭ની  કલમ-૩, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮, ૨૭૦ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ઘાંચીવાડમાં ૭૦૦૦ ઘરનો સર્વે અને સેનિટાઇઝેશન શરૂ કરાયું

શહેરમાં ગુરૂવારના ઇબાચોક, જાબુડી મસ્જીદ પાસે ઘાંચીવાડ વિસ્તારમાં અમદાવાદથી મંજૂરી વગર આવેલી ૪૨ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આ વિસ્તારને ક્ધટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જામ્યુકો દ્વારા ૭૦ ટીમો મૂકી ૭૦૦૦ ધરનો સર્વે શરૂ કરી ૩૦૦૦૦ જેટલા લોકોની ડોર ટુ ડોર તપાસ શરૂ કરાઇ છે. જેમાં જે વ્યકિતઓને તાવ, શરદી, ઉધરસ જણાતા મેડીકલ ઓફીસર દેખરેખ હેઠળ જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. ક્ધટેઇનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારોને સેનેટાઇઝ કરાયા હતાં.

જામનગરમાં ૭, જામજોધપુરમાં ૪, હડિયાણા ૧, ચેલા એસઆરપી કેમ્પના ૧ કેસનો સમાવેશ, ધ્રોલના ખારવા ગામના ૧૧ માસના બાળકનો ભોગ લેવાયો

દુધ-શાક-કરિયાણા માટે સમય નકકી કરાયો

* મેડિકલ સ્ટોર, ફાર્મસી, હોસ્પિટલ અને આનુસંગિક સેવાઓ – ૨૪ કલાક

*દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ – સવારે ૬ થી ૯, સાંજે ૭થી ૯

*શાકભાજી, ફળ, અનાજ કરિયાણાની દુકાનો – સવારે ૬ થી ૯ તથા ૭ થી ૯

*અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ – બપોરે ૨થી ૪

શહેરમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવાશે: ફળદુ

જામનગરમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, આજરોજ જામનગરમાં ૭ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે ત્યારે પોઝિટિવ આવનાર કેસો અન્ય સંક્રમિત જિલ્લાઓમાંથી આવતા હોય અને ગેરકાયદેસર રીતે જામનગરમાં પ્રવેશ કરે છે તેવા લોકોથી સંક્રમણના કેસ હાલ જામનગરમાં વધી રહ્યા છે તેને નિયંત્રણમાં લાવવા કેબીનેટ મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજ્પ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા વગેરે મહાનુભાવો તેમજ વહિવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટેની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કેબીનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જામનગર શહેરને  આગામી દિવસોમાં કોરોના મહામારીના કારણે વધુ પ્રશ્નોના સર્જાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમુક નિર્ણેયો લેવાયા છે. સતત વધતા કેસને ધ્યાને લઇ સંક્રમણ ન વધે તે માટે થોડા કડક પગલાંની આવશ્યકતા છે ત્યારે લોકોને થોડી તકલીફ પડશે પણ આગામી દિવસોમાં એક અઠવાડિયા માટે જામનગરવાસીઓ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરી કોરોનાની મહામારીને રોકવા માટે સહયોગ આપે તેમ મંત્રીએ અનુરોધ કર્યો હતો.  આ બેઠકમાં કલેકટર રવિશંકર, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, વગેરે અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકડાઉનમાં પણ મેળા જેવો માહોલ!!

Meter 13 5

જામનગરમાં મોટી હવેલી ચોક વિસ્તારમાં કોરોના નું લોકડાઉન નું ઉલાળિયો કરી ને ખરીદી કરવા માટે નિકડી પડેલ વ્યક્તિઑએ  શરમ જેવી વસ્તુ ને નેવે મૂકીને ઘરબહાર નિકડી પડેલ છે. આ મહામારી થી બચવા માટે દરેકે સાથ આપવો જરૂરી હોય ત્યારે પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આવા વિસ્તારો માં સઘન ચેકિંગ હોવાથી પણ માણસો ઘર બહાર નિકળીવાનું બંધ કરવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.