Abtak Media Google News

દેશમાં કોરોના વાયરસના ફેલાવવાનું પ્રમાણ વધ્યું : કોરોનાનો ડબલીંગ રેટ ૧૩ દિવસમાંથી ઘટીને ૧૦ દિવસ થઈ ગયો : દિવસમાં કોરોનાના ૨૦ હજાર નવા કેસો નોંધાયા

ઝડપભેર ફેલાતા કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર વિશ્ર્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને તેના કારણે થતા મૃત્યુની શંકામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ભારતમાં હાહાકાર મચાવે તે પહેલા કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. આ લોકડાઉનથી આપણા દેશમાં કોરોનાના ફેલાવવાની ઝડપઘટી જવા પામી હતી. એક સમયે દેશમાં કોરોના વાયરસનો ડબલીંગ રેટ ૧૩ દિવસે પહોચી જવા પામ્યો હતો. લોકડાઉન ૩માં સ્થળાંતરીતોને તેમના વતનમાં જવાની છૂટછાટ અપાતા છેલ્લા છ દિવસથી દેશમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સ્થિતિમાં દેશમાં કોરોનાને ડબલીંગ રેટ ૧૦ દિવસે પહોચી જવા પામ્યું છે. જેથી કોરોનાના વધતા કેસોનાં પ્રમાણને કાબુમાં કેવી રીતે લેવા તે મુદે સરકાર મથામણમાં પડી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના કેસોનાં આંકડાઓ મુજબ દેશમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫૯,૬૬૨ એ પહોચી જવા પામી છે. દેશમાં કોરોના સંક્રમિત ૧૯૮૧ દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩,૩૨૦ કેસો નોંધાયા છે. ઉપરાંત નવ સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે સ્થળાંતરીતોને વતનમાં પરત ફરવાની છૂટછાટ અપાયા બાદ છેલ્લા છ દિવસોથી દરરોજ દેશમાં કોરોના ત્રણ હજાર કરતા વધારે કેસો નોંધાયા રહ્યા છે.જેથી લોકડાઉનનાં પ્રથમ ૪૦ દિવસમાં દેશમાં કોરોનાના ૪૦ હજાર કેસો હતા જે છેલ્લા છ દિવસમાં દરરોજ ત્રણ હજાર કરતા વધુ કેસોની ચિંતાજનક પ્રમાણ સાથે ૬૦ હજારની નજીક પહોચી જવા પામ્યું છે.

કોરોના વાયરસના ફેલાવવાનું પ્રમાણ તેના કેસો કેટલાદિવસમાં ડબલ થાય છે તે ડબલીંગ રેટ પર ગણવામાં આવે છે સજજડ લોકડાઉનના કારણે દેશમાં કોરોનાનું ડબલીંગ રેટ ૧૩ દિવસ સુધી પહોચી જવા પામ્યું હતુ જેથી કોરોનાનો ફેલાવાનું પ્રમાણ ઘટી ગયું હતુ પરંતુ, હાલમાં આ ડબલીંગ રેટ ૧૦ દિવસે પહોચી જવા પામ્યો છે. જેથી દેશભરમાં કોરોનાના ફેલાવવાનું પ્રમાણ વધી જવા પામ્યું છે. એકતરફ દેશના ૨૫ ટકા સ્થળાંતરીતો પોતાના વતનમાંજવા બેબાકળા બન્યા છે. ઉપરાંત સરકારને લોકડાઉનમાં બિમારીના બછિને પડેલા અર્થતંત્રને ધબકતું રાખવાની પણ જરૂર છે. જેથી આ તમામ જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન-૩માં આપેલી વિવિધ છૂટછાટો સરકાર માટે માથાના દુ:ખાવા રૂપ સાબીત થઈ રહી છે. હવે દેશમાં વધતા કોરોનાના કેસોની સ્થિતિને કાબુમાં કેવી રીતે લેવી તેની મથામણમાં સરકાર પડી જવા પામી છે.

  • ગુજરાતમાં સતત દસમાં દિવસે ૩૦૦થી વધુ પોઝિટીવ કેસ

ગુજરાતમાં સતત દસમા દિવસે કોરોનાના ૩૦૦થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલે રાજ્યમાં વધુ ૩૯૦ કોરોના પોઝિટિવ મેસ અને ૨૪ લોકોના મોત નિપજ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં કુલ ૭૪૦૩ પોઝિટિવ કેસ અને ૪૪૯ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં પરિસ્થિતિ બેકાબુ બની હોય તેમ ૪૪૯માંથી ૨૬૮ મોત નિપજ્યાં છે.

રાજ્યમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના કેસમાં અમદાવાદમાં ચિંતા જનક પરિસ્થિતિ બની રહી છે. ગઈ કાલે અમદાવાદમાં વધુ ૨૬૯ પોઝિટિવ કેસ અને રાજયના ૨૪ મોત માંથી ૨૨ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં કુલ ૫૨૬૦ પોઝિટિવ કેસ અને ૩૪૩ મૃત્યુ નિપજ્યા છે.જ્યારે સુરત અને વડોદરામાં પણ કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુઆંક વધતા રહ્યા છે.

સુરતમાં ગઈ કાલે વધુ ૨૫ પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮૦૦ને પાર પહોંચી છે. અને વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીએ જીવ ગુમાવતા સુરતમાં મૃત્યુઆંક ૩૮ પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં પણ વધુ ૨૫ પોઝિટિવ કેસ સાથે કુલ ૪૬૫ કોરોનાગ્રસ્ત કેસ અને ૩૧ મૃત્યુઆંક નોંધાયા છે. સાથે ગુજરાતમાં અન્ય ૧૦ જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો વ્યાપ વધતા ચિંતાનો વિષય બની રહ્યો છે.

  • સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં વધુ ૧૪ કોરોના પોઝિટીવ કેસ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા બે દંપતી કે જેઓ અમદાવાદ થી પરત આવ્યા હોય જેમને કોરોનાના લક્ષણ જણાતા સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા બન્ને કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ ૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદથી પરત ફરતા લોકો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોરોનાનો વ્યાપ વધારી રહ્યા હોય તેમ ગોંડલ ના એસઆરપી જવાન બાદ ગઈ કાલે વૃદ્ધ દંપતીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. છેલ્લા એક માસથી અમદાવાદ લોકડાઉનમાં ફસાયા બાદ પરત ગોંડલ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી બહારગામથી કુલ ૭૦૦૦જેટલા લોકો પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે જામનગરમાં પણ ગઈ કાલે એક સાથે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.અને એક કોરોનાગ્રસ્ત બાળકનું મોત નિપજ્યું છે. જામનગર જિલ્લામાં એક માસ સુધી કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ લોકોને વતન પરત આવવાની મંજૂરી મળ્યા બાદ જામનગર પરત આવતા લોકોના ચેકઉપ બાદ ગઈ કાલે એક સાથે સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક બાળકનું મોત નિપજ્યું છે. જામનગરમાં એક સાથે સાત પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લો ગ્રીન ઝોનમાં હોવા છતાં તા.૧૭મી સુધી કડક લોકડાઉનનો અમલ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનવર સિવાય અન્ય ત્રણ જિલ્લામાં વધુ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં મુંબઇથી ખાનગી બસ મારફતે આવેલા ૨૮ તબલિકોના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા વધુ ૭ તબલિકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી ભાવનગરમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૯૦ને પાર પહોંચી છે. આ સાથે બોટાદમાં પણ ગઈ કાલે વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫૦ને પાર પહોંચી છે. અને ગીર સોમનાથમાં પણ વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૪ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.