Abtak Media Google News

૨૪ થી ૨૭ ઓગષ્ટ સુધી યોજાશે મેળો : દેશ -વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા ઉમટી પડશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણઆગામી ૨૪ થી ૨૭ મી ઓગષ્ટ દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથે દેશ  વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતે ધીરેધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોંચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.

એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે ? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.

સૌરાષ્ટ્રના ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે જો વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો છે એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો છે એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તી જાહેર કરતી, લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન છૂંટુ મુકીને મેળામાં મહાલે છે. આ મેળામાં આવતા લોકોની તેમના પહેરવેશ ઉપરથી જ્ઞાતિ ઓળખાઈ જતી, એમનો એક આગવો પોશાક હતો, એમની પાઘડીઓ હતી. એમના સાફા હતા.

એમની ચોરણીઓ, એમના ઘરેણામાં પણ વિવિધતા હતી. એ આખી જે પરંપરા હતી તે હવે માલધારી સમાજે થોડીઘણી ટકાવી રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.