Abtak Media Google News

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો નિર્ણય

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અનલોક-૧ની સરખામણીએ લોકો અનલોક-૨માં વધુ બેદરકાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટોનો ગેરઉપયોગ થઈ રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો આવતીકાલથી ચા અને પાનની દુકાનોએ લોકોના ટોળા વળેલા દેખાશે તો તાત્કાલિક અસરથી દુકાનો બંધ કરાવવામાં આવશે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે,  કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં નાગરિકો વધુ ને વધુ સતર્ક રહે અને સરકારશ્રીની માર્ગદર્શિકાનુ પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યકરીતે જાળવે તે ખુબ જ જરૂરી દેખાય છે. હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે આવતીકાલથી શહેરમાં જો ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ જોવા મળશે તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે.

તેમણે રાજકોટમાં સોશિયલ શિસ્તબદ્ધતા જળવાઈ રહે તે માટે સૌ નાગરિકો એલર્ટ બને તેવી અપીલ કરતા એમ જણાવ્યું હતું કે, ચા-પાનની દુકાનેથી લોકો ટેઈક અવે પધ્ધતિ એટલે કે પાર્સલ લઈ જવાનો જ આગ્રહ રાખે તે ઇચ્છનીય છે. દુકાનદારોએ પણ પોતાની દુકાન પાસે લોકોના ટોળા ભેગા ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે. કોરોના વાયરસના ચેપથી બચવાનો ઉપાય નાગરિકો વચ્ચે આવશ્યક અંતર બની રહે તે છે. આ બાબતમાં બેકાળજીથી બીમારીને આમંત્રણ આપ્યા જેવું બની રહેશે. હાલના સમયમાં કોરોના વાયરસના પ્રસારને રોકવામાં સૌ નાગરિકોની ભૂમિકા અત્યંત અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની છે. સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવવું, હાથ વારંવાર સાફ કરવા, એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે આવશ્યકરીતે નમસ્કારની મુદ્રાનો આશરો લેવો, માસ્ક પહેરવું, સહેજ પણ માંદગી જોવા મળે તો તુર્ત જ તબીબી સારવાર લેવી વગેરે જેવી બાબતોની કાળજી રાખવાથી કોરોનાને દુર રાખી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.