‘ચાય-વાય & રંગમંચ’: જેમ ભાષાનું વ્યાકરણ હોય એમ લાઈટિંગનું પણ વ્યાકરણ હોય- કલાકાર ભૌતેશ વ્યાસ

છેલ્લા એક માસથી સતત ચાલતી કોકોનટ થિયેટર પ્રસ્તૃત  ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી દરરોજ  સાંજે 6 વાગે સોશિયલ મીડીયામાં  ધૂમ  મચાવી  રહી છે. નાટકો ફિલ્મોના વિવિધ જાણીતા કલાકારો લાઈવ આવીને   પોતાના અનુભવો દર્શકો સાથે શેર કરે છે. દેશ-વિદેશોમાં હજારો  કલારસીકો આ મનોરંજન કાર્યક્રમ માણી રહ્યા છે.

ગુજરાતી નાટકમાં જ્યારે પણ પ્રકાશ રચનાની લાઇટ ડિઝાઇનની વાત આવે ત્યારે એક જ નામ નિર્માતા-દિગ્દર્શક અને કલાકારોના મોઢે આવે એ છે ભૌતેશ વ્યાસ.   છેલ્લા 47 વર્ષથી ગુજરાતી રંગભૂમિ પર સક્રિય પ્રકાશ રચનાનો જાદુ પાથરતી  બીજી પેઢી એટલે સુરેશ વ્યાસના સુપુત્ર ભૌતેશ વ્યાસ આજે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય-વાય  એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3 માં પધાર્યા. એમના પિતાને બધા હાલોર જાદુગર એટલે કે પ્રકાશનાં જાદુગર કહીને બોલાવતા. જેમણે  300થી વધુ નાટકો અને 70થી વધુ નૃત્ય નાટિકા પ્રકાશ રચના કરી હતી. એમના જ પગલે ગુજરાતી તખ્તા પર ભૌતેશ ભાઈ એ લાઇટ ડિઝાઇન કરવાની શરૂઆત કરી.

499 નાટકોમાં પ્રકાશ રચના કરી ચુકેલા  ભૌતેશ ભાઈએ સબ્જેકટીવ લાઈટ્સ અને સ્પેશ્યલ ઈફેક્ટસ એ વિષય પર વાત કરતા જણાવ્યું કે ડિઝાઇન એ નવરસ અને નવરંગ કરતા અલગ હોય છે. લાઇટિંગની સ્ટાઈલ એની રજૂઆત જુદા જુદા પ્રકારની હોય છે. જેમ ભાષાનું વ્યાકરણ હોય એમ લાઇટિંગનું પણ વ્યાકરણ હોય છે, જે એકાદ બે દિવસમાં નથી શીખી શકાતું.  લાઇટિંગના પણ જુદા જુદા પ્રકાર હોય છે. પ્રથમ રિયાલિસ્ટિક લાઇટિંગ જેમાં સ્ટેજ ઉપર રિયલ લાઈટ્સનો પ્રકાશ હોય છે. એમાં બીજી કોઈ લાઈટ નથી ઉમેરાતી અને સ્ટેજની દરેકે દરેક વસ્તુ રીયલ લાગે છે. બીજો પ્રકાર છે મૂડ લાઈટ જેમાં મૂડ પ્રમાણે લાઇટિંગ થાય છે જેનો આધાર સ્ક્રીપ્ટ પ્રમાણે હોય છે. જે રોજિંદી લાઈટ્સ કરતા થોડી જુદી હોય છે. અને સીનને  મૂડ લાઈટ્સ ની મદદથી વધુ નિખારવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે સોફિસ્ટિકેટેડ લાઈટ્સ જેમાં અલગ અલગ કલર, રંગો દ્વારા માહોલ ઉભો કરવામાં આવે છે. ચોથો પ્રકાર છે સોર્સ લાઈટ્સ જે ફિલ્મોમાં પણ વપરાય છે. સ્ટેજ પર માત્ર ટેબલ લેમ્પ હોય એ લેમ્પને પણ બીજા પ્રકાશના સોર્સ દ્વારા વધુ ખુબસુરત બનાવવામાં આવે છે. પાંચમો પ્રકાર છે સ્ટાઈલાઈઝ લાઈટ્સ જે વધુ કરી ને મર્ડર મિસ્ટ્રી,સસ્પેન્સ,થ્રીલર નાટકોમાં કે મ્યુઝિકલ શો અથવા તો જે નાટકમાં વધુ લોકેશન બદલાતા હોય એવા નાટકો માં વપરાય છે.

લાઇટિંગ વિશે ઘણી ડિટેલમાં વાતો કરી ભૌતેશ ભાઈએ લાઈટ્સ ડિઝાઇન કેવી રીતે થાય ? એવા પ્રશ્ન દરેકને થાય, એનો જવાબ આપતા કહ્યું કે લાઈટ્સ ડીઝાઈનનો  આધાર પણ ઘણી વસ્તુઓ પર રહેલો છે, મારા પોતાના અનુભવ પ્રમાણે હું પોતે પ્રથમ સ્ક્રીપ્ટ ઉપર આધાર રાખું છું. ત્યારબાદ દિગ્દર્શક સાથે ચર્ચા કરું અને ડીટેઇલ માં વાર્તા સમજી લઉં એના પછી સેટસ ડિઝાઇનની કોપી જોઇ જાઉ છું. કેમકે લાઇટિંગ માટે મારે વાર્તાની સાથે સાથે સેટસ ડિઝાઇન પણ સમજવી પડે અને જરૂર હોય તો સેટસ ડીઝાઈનરની મંજુરીથી સેટસ માં થોડા ઘણા ફેરફાર સૂચવું જે નાટકના ફાયદા માટે હોય. ત્યારબાદ પેપર ઉપર લાઈટ સ્ટડી કરું છું. રિહર્સલમાં સતત હાજર રહું છું. સ્ટડી નોટ બનાવું છું. દરેક સીનનાં ટાઈમ પીરિયર્ડ સવાર,બપોર,સાંજ,રાત વગેરે દ્રશ્ય પ્રમાણે લાઈટ્સ ડીઝાઈન થાય. અને છેલ્લે ટેકનીકલ રીહર્સલ જેમાં નાટકના દરેક પાસાઓ સાથે લાઈટ્સનું સંયોજન થાય.

‘અબતક’ સોશિયલ મીડિયાના  ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ખુબ જ સરસ રીતે લાઈટ્સની વાતો સમજાવ્યા બાદ સ્પેશ્યલ ઈફેક્ટ પર વાતો શરુ કરી. ભૌતેશ ભાઈએ આજ સુધી ગુજરાતી રંગભૂમિના ઘણા દિગ્ગજો સાથે કામ કર્યું છે જેમાં શૈલેશ દવે, કાંતિ મડિયા, શફી ઈનામદાર, પરેશ રાવલ, એ સિવાય અનેક..આજના યુવાન દિગ્દર્શકો પ્રકાશ રચના માટે ભૌતેશ ભાઈને પ્રથમ પ્રાધાન્ય આપે છે. સ્પેશ્યલ ઈફેક્ટસ માં આજ સુધી સ્ટેજ પર લંકા દહન, સળગતી ચિતા, વાઘા બોર્ડર, ચાલતી ટ્રેનની બોગી અને સામેથી પસાર થતી બીજી ટ્રેન, સ્ટેજ પર ટ્રક, મારુતિ ગાડી અને નદીમાં પૂર જેવા અનેક દ્રશ્યો ઉભાર્યા છે. જેને જોઈ પ્રેક્ષકો આ..હ…અને વા..હ પોકારી ગયા છે. ખરેખર ચાયવાય એન્ડ રંગમંચનું ભૌતેશ ભાઈનું આ શેશન દરેક નાટ્યક્લા પ્રેમીએ ખાસ સાંભળવા જેવું છે. કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર આપ આ લાઈવ શેશન ફરી જોઈ અને સાંભળી શકશો. ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 નાં આગામી મહેમાનો છે વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, અનુરાગ પ્રપન્ન, ભૈરવી વૈદ્ય તો કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ ને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને રોજ સાંજે 6 વાગ્યે ગુજરાતી તખ્તાના મહેમાનને લાઈવ મળો માણી શકશો.

આજે ગુજરાતી નાટકો-ફિલ્મોના જાણિતા કલાકાર સુનિલ વિશ્રાણી

ગુજરાતી અને કચ્છી નાટકો સાથે સંકળાયેલા જાણીતા કલાકાર  સુનિલ વિશ્રાણી કોકોનટ થિયેટરની  ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે યુવાનો અને થિયેટર વિષય ઉપર પોતાના અનુભવો લાઈવ રજૂ કરશે. ચાર વર્ષની ઉંમરે પહેલીવાર સ્કૂલના કાર્યક્રમમાં નાટકમાં ભાગ લીધો. સ્કૂલ અને કોલેજ દરમિયાન નાટ્ય નૃત્ય અને સંગીતની ની તાલીમ બળવંત વ્યાસ, વસંત દેઢિયા*, વસંત મારુ, હેમાંશુ શાહ તથા વિજય ગાલા પાસેથી મેળવેલ. છેલ્લા 35 વર્ષથી નાટ્ય પ્રવૃત્તિમાં સક્રિય  સુનિલ વિશ્રાણીએ પેલું કોમર્શિયલકમ ગુજરાતી નાટક  સંભવામિ યુગે યુગે દિગ્દર્શિત હતું ત્યારબાદ સંજય ગોરડીયા, કૌસ્તુભ ત્રિવેદી, ભરત ઠક્કર જેવા નિર્માતાઓના ઘણા બધા નાટકો કર્યા જેવા કેલાગણી, પપ્પુ પાસ થઈ ગયો અને લાલી લીલા, કમલ પટેલ દ/ત ધમાલ પટેલ જેવા નાટકો કર્યા હતા. કચ્છી રંગભૂમિ પર વસંત મારુ અને વિજય ગાલા ના દિગ્દર્શન હેઠળ કચ્છ યુવક સંઘ ના બેનરમાં ઘરડા ગડા વારીએ, મેની મેની નોન્દ્રા, વર વગર જો વરઘોડો  જેવા નાટકો પણ કર્યા હતા. સાનિયા મિર્ઝા અમિતાભ બચ્ચન  જેવા પર્સનાલિટી સાથે જાહેર ખબરમાં કામ કર્યું તેમણે કુલ 26 જાહેર ખબર માં કામ કર્યુ છે. પાપડ પોલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અલક્ષ્મી હમારી સુપર બહુ,  તારી આંખનો અફીણી જેવી 35 ટીવી સીરીયલોમા કામ કર્યું છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ, આ તે કેવી દુનિયા, દાવ થઈ ગયો યાર, પોલમ પોલ જેવી 24 ગુજરાતી ફિલ્મોમા અભિનય કર્યો. બેનગીસ્થાન, ઘનચક્કર, સાહો, ઓલ ઈઝ વેલ, 102 નોટ આઉટ જેવી 22 હિન્દી અને એક એક મરાઠી, મલયાલમ અને તેલુગુ ભાષામાં ફિલ્મમાં એક્ટિંગ કરી છે. જેમાં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, રિશી કપૂર*, જોન અબ્રાહમ, સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી, વંદના પાઠક, મલ્હાર ઠાકર જેવા પ્રખ્યાત અભિનેતાઓ તથા દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. અભિનય સાથે લેખન, દિગ્દર્શન અને સંગીત નો પણ ખાસ્સો એવો અનુભવ છે. કમર્શિયલ ડિઝાઇનિંગ ,ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તથા ફોટોગ્રાફી નો સુનિલ વિશ્રાણીને શોખ છે.