Abtak Media Google News

વીજળીની વધતી માંગને ધ્યાને લઈને થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસો પૂરો પાડવા એનટીપીસી સજ્જ

વીજળીની વધતી માંગને ધ્યાને લઈને થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસો પૂરો પાડવા એનટીપીસી સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે એનટીપીસીએ 45 લાખ ટન કોલસો આયાત કરવા ટેન્ડરો જાહેર કર્યા છે.

રાજ્યની માલિકીની એનટીપીસીએ થર્મલ પાવર પ્લાન્ટ્સમાં સ્થાનિક કોલસા સાથે મિશ્રણ કરવા માટે 45 લાખ ટન આયાતી કોલસાની પ્રાપ્તિ માટે ટેન્ડર મંગાવ્યા છે. ટેન્ડર દસ્તાવેજો દર્શાવે છે કે એનટીપીસીએ આયાતી કોલસાની પ્રાપ્તિ માટે ગયા શનિવારે ત્રણ અલગ-અલગ ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડરો 15 લાખ ટન, 16 લાખ ટન અને 14.3 લાખ ટનના છે. આ મહિનાની શરૂઆતમાં, ઉર્જા મંત્રાલયે તમામ રાજ્યો અને વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને મિશ્રણ માટે જરૂરી કોલસાના ઓછામાં ઓછા 10 ટકા આયાત કરવા જણાવ્યું હતું.  થર્મલ પાવર પ્લાન્ટ્સમાં આયાતી કોલસો સ્થાનિક કોલસા સાથે ભેળવવામાં આવે છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં વધી રહેલી ગરમી વચ્ચે વીજળીની વર્તમાન અછતને ધ્યાનમાં રાખીને કોલસાની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ પાસે જરૂરી સ્ટોકના અભાવે વીજ ઉત્પાદનને અસર કરી છે.

ગયા મહિને 49.3 લાખ ટન આયાતી કોલસાની ખરીદી માટે ટેન્ડર મંગાવાયા હતા

ઉનાળાની શરૂઆતથી જ વીજળીની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે સરકારે બંધ પડેલા પાવર પ્લાન્ટ પણ શરૂ કરાવ્યા છે. એનટીપીસીએ ગયા મહિને પણ 49.3 લાખ ટન આયાતી કોલસાની ખરીદી માટે ટેન્ડર મંગાવ્યા હતા.

2022-2023માં 200 લાખ ટન આયાતી કોલસો મેળવવાની મંજૂરી મળી

વર્તમાન સમયમાં નિકાસને વેગ આપવા સરકાર ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ અપનાવી રહી છે. જેને કારણે ઉદ્યોગોનું ઉત્પાદન પણ પૂરબહારમાં ખીલ્યું છે. પરિણામે વીજળીની માંગ વધી છે. માટે સરકારે પાવર પ્લાન્ટમાં સ્થાનિક કોલસા સાથે મિશ્રણ કરવા માટે 2022-23માં 200 લાખ ટન આયાતી કોલસો મેળવવાની મંજુરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.