Abtak Media Google News

જીએસટી સામે કાપડના વેપારીઓ ભારે રોષમાં: મહારેલી માટે તડામાર તૈયારીઓ: કાપડ બજાર બંધ થતાં જ અગ્રણીઓને ગાંધીનગર ખાતે મિટિંગ માટે તત્કાલ બોલાવાયા

ઘણા સમયથી GSTના મુદ્દે કાપડ બજારના વેપારીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. કાપડ મહાજનની અવગણના કરી સરકાર દ્વારા GSTના મુદ્દે કોઇ જ સમાધાન નહિ કરતાં વેપારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઇ છે. કાપડ મહાજનના હોદ્દેદારોએ હવે જ્યાં સુધી GSTના મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય લે નહિ ત્યાં સુધી કાપડ બજાર બંધ રાખવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગ રૂપે સોમવારથી તમામ કાપડ બજારો બંધ રહ્યા હતા. હજારો હોલસેલના વેપારીઓ બંધમાં જોડાઇ જતાં જે કાપડ બજાર સવારથી જ ધમધમતા હોય તે ખાલીખમ જોવા મળતા હતા. અગ્રણીઓની ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે મિટિંગ મળી હતી. મિટિંગ બાદ હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. GSTઅને સુરતમાં કાપડના વેપારીઓ પર થયેલા દમનના વિરોધમાં અમદાવાદ ખાતે બુધવારે યોજાનારી વિરાટ વિરોધ રેલી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સામી ચૂંટણીએ સુરત બાદ અમદાવાદમાં જો વેપારીઓની વરોધ રેલી યોજાય તો તે સરકાર માટે ચોક્કસ જોખમી બની શકે છે.

GSTના અમલ સાથે જ કાપડ બજારના વેપારીઓ માલ સપ્લાય કરી શકતા નથી કે નવો માલ મંગાવી શકતા નથી. વેપારીઓએ GSTનંબર લીધો નથી અને હવે ટ્રાન્સપોર્ટરો GSTવગર માલની હેરાફેરી કરતા નથી. જેને પરિણામે વેપારીઓની મુશ્કેલી વધી ગઇ છે. રવિવારે સુરતમાં ગણપત વસાવા, નાનુ વાનાણી અને આત્મારામ પરમારે કાપડ બજારના હોદ્દેદારો સાથે મિટિંગ કરી તેમની લાગણી GSTકાઉન્સિલ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

દરમિયાન કાપડ બજારો સોમવારથી બંધ થઇ જતાં સરકાર ચિંતીત બની છે. સવારથી જ માણેકચોક માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, ડીસી ક્લોથ, હીરાભાઇ માર્કેટ, નુતન ક્લોથ માર્કેટ, પાંચકુવા મહાજન, સીંધી માર્કેટ, સારંગપુર સીંધી માર્કેટ, બોમ્બે માર્કેટ, શ્રીરામ માર્કેટ, હરિદાસ માર્કેટ, એચએ માર્કેટ, બીબીસી માર્કેટ, જેકોર માર્કેટ, પારસીની ચાલ, મસ્કતી માર્કેટ, સુમેલ-૧-૨-૩-૪, સિટી સેન્ટર, સીજી માર્કેટ બંધ રહ્યા હતા. હોદ્દેદારોની મળેલી મિટિંગમાં પણ વેપારીઓ લડી લેવાના મુડમાં હોવાનું ફલિત થયું હતું. સાથે સાથે વેપારીઓએ GSTનંબર પણ નહિ લેવાનો નિર્ધાર કર્યો છે. બુધવારે અમદાવાદ ખાતે યોજાનારી વિરાટ રેલીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે વેપારીઓ સાથે મિટિંગ કરવા માટે હોદ્દેદોરોને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. હોદ્દેદારો સાથે ડે.સીએમ-નાણાં મંત્રી નીતિન પટેલે મિટિંગ કરી તેમની રજૂઆતો સાંભળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.