Abtak Media Google News

32 નાયબ મામલતદારો પ્રમોશનને પાત્ર, પણ 18 વયનિવૃત થઈ ગયા અને એક માસાંતે થશે

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લાના 13 નાયબ મામલતદારો વિધાનસભા ચૂંટણી પૂર્વે મામલતદાર બની જવાના છે. આ માટે ઉજળા સંકેતો દેખાતા નાયબ મામલતદારોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જો કે જિલ્લામાં 32 નાયબ મામલતદારો પ્રમોશનને પાત્ર ગણાય છે. પરંતુ તેમાંથી 18 નાયબ મામલતદારો તો વય નિવૃત થઈ ગયા છે. જ્યારે એક નાયબ મામલતદાર માસાંતે નિવૃત થઈ રહ્યા છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે મામલતદારોની ખાલી જગ્યા ભરવા માટે ગતિવિધિઓ તેજ બની છે. જે અંતર્ગત મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાંથી સીઆર મંગાવવામાં આવ્યા છે. 1581થી 1900 પ્રવર્તતા ક્રમાંક પૈકી રાજકોટ જિલ્લાના 32 નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે. એટલે કે હવેના પ્રમોશનમાં આ તમામ નાયબ મામલતદારો પાત્રતા ધરાવે છે. પણ કમનસીબે આ પૈકીના 18 નાયબ મામલતદાર વય નિવૃત થઈ ગયા છે. બીજી બાજુ આ યાદીમાં સામેલ તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વી.વી.વસાણી પણ આગામી 31 ડીસેમ્બરના રોજ નિવૃત થવાના હોય તેઓને પણ પ્રમોશનનો લાભ નહીં મળે.

પ્રમોશન મેળવનાર 13 નાયબ મામલતદારોની યાદીમાં એચ.પી. કોરાટ, જી. ડી.નંદાણીયા, ડી.એન. લુવા, એચ.આર. સાંચલા, પી.ડી. ચૌહાણ, એન.જી. રાદડિયા એ.જી. મહેતા, એસ.આર. ગીનોયા, પી.એમ. ભેસાણીયા, વી.પી. રાદડિયા, આર.જી. લુણાગરિયા બી.પી. કવાડિયા, એમ.વી. દઢાનીયાનો સમાવેશ થાય છે.

આ 13 નાયબ મામલતદારોના સીઆર મહેસુલ વિભાગને મોકલી દેવા સહિતની પ્રક્રિયા હાલ કલેકટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ તમામ નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન મળે તેવી પ્રબળ શકયતા હોવાનું ગાંધીનગરથી પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.