Abtak Media Google News

લેન્ડ યુટિલાઈઝેશન 228 હેક્ટરથી વધારીને 1494 હેક્ટર કરવામાં આવશે: કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી 84.1થી વધારીને 234 એમએમટીપીએ કરવામાં આવશે: એએચપીએલ પાણીની ખારાશ દૂર કરવા માટેનો એક પ્લાન્ટ પણ સ્થાપશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અદાણી જૂથ આક્રમક રીતે આગળ વધતું જાય છે. ખાસ કરીને પોર્ટના વિકાસમાં આ ગ્રૂપનો મોટો ફાળો છે અને તેણે અબજો ડોલરની સંપત્તિનું સર્જન કર્યું છે. અદાણી જૂથ હવે તેના એક મહત્ત્વના પોર્ટનું જંગી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ સુરત નજીક હજીરા પોર્ટને હાલની સરખામણીમાં છ ગણું મોટું કરવાનો નિર્ણય લીધો છે. અદાણી પોર્ટ એન્ડ સેઝની પેટાકંપની અદાણી હજીરા પોર્ટ લિ. હજીરા પોર્ટના એરિયાને વિસ્તારવા માટે લગભગ 19,000 કરોડનો ખર્ચ કરશે. કંપનીએ ગુજરાતના વહીવટીતંત્ર સમક્ષ આ વિસ્તરણ માટેની દરખાસ્ત મોકલી છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ દરખાસ્તમાં એમ પણ જણાવાયું છે કે એએચપીએલએ  કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને ત્રણ ગણી કરવા માંગે છે.

Advertisement

એએચપીએલએ હજીરા પોર્ટ ખાતે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વિસ્તારવાની દરખાસ્ત કરી છે. તેના માટે એક આઉટર હાર્બર પ્લાન તૈયાર કરવામાં આવશે. તેના ભાગરૂપે લેન્ડ યુટિલાઈઝેશન હાલના 228 હેક્ટરથી વધારીને 1494 હેક્ટર કરવામાં આવશે. કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી પણ 84.1 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 234 એમએમટીપીએ કરવામાં આવશે. એએચપીએલ પાણીની ખારાશ દૂર કરવા માટેનો એક પ્લાન્ટ પણ સ્થાપશે અને તેનાથી 37.5 મિલિયન લિટર પર ડે પાણીની જરૂરિયાત સંતોષશે. આ અંગે એપીસેઝને મોકલવામાં આવેલા પ્રશ્નોનો કોઈ જવાબ મળ્યો ન હતો.

સૂત્રોએ જણાવ્યું કે આઉટર હાર્બર પ્રોજેક્ટ દ્વારા 150 એમએમટીપીએ કેપેસિટીનો ઉમેરો કરવાની સાથે સાથે એક મલ્ટિપર્પઝ કાર્ગો હેન્ડલિંગ ફેસિલિટી પણ વિકસાવવામાં આવશે. તેનો ઉપયોગ ક્રાયોજેનિક લિક્વિડ/ગેસ/કાર્ગો અને મલ્ટિપર્પઝ કાર્ગો માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ રૂ. 14030 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. હજીરા પોર્ટ માટે આઉટર હાર્બર બનાવવાના કારણે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 19000 કરોડ થશે.કંપનીએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને બીજા ક્લિયરન્સ માટે અરજી કરી છે. એએચપીએલ એ લોકલ-લેવલ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં ગ્રાઉન્ડ લેવલ પર કામકાજ શરૂ થવાની શક્યતા છે. એએચપીએલ હાલમાં જુદા જુદા પ્રકારના કાર્ગોને હેન્ડલ કરે છે જેમાં બલ્ક, બ્રેક-બલ્ક, બલ્ક લિક્વિડ કેમિકલ, પેટ્રોલિયમ પ્રોડક્ટસ અને ખાદ્યતેલ, ક્ધટેનર્સ, ઓટોમોટિવ અને ક્રૂડનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.