Abtak Media Google News

શહેરના 18 વોર્ડમાં આવેલા 164 ન્યુસન્સ પોઈન્ટનું દુષણ કાયમી ધોરણે દૂર કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડવાઈઝ કોર્પોરેટરોને ન્યુસન્સ પોઈન્ટની યાદી સાથેનો પત્ર લખવામાં આવ્યા બાદ આજે સાંજે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી અને ડીએમસી સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આવતીકાલથી ન્યુસન્સ પોઈન્ટ હટાવવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરાશે. જરૂર જણાશે તો લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે.

164 ન્યુ સન્સ પોઈન્ટ પર બેનરો મુકાશે: ડોર ટુ ડોર પત્રીકાનું વિતરણ કરાશે, જરૂર જણાશે તો સિક્યુરીટી તૈનાત કરવાની અને દંડ ફટકારવાની પણ વિચારણા

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આજે સાંજે સેનિટેશન સમીતીના ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરને સાથે રાખીને સોલીડ વેસ્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર, નાયબ પર્યાવરણ ઈજનેર, ડીએમસી, તમામ વોર્ડના એસઆઈ અને એસએસઆઈ સાથે એક બેઠક બોલાવવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણું રાજકોટ વધુ ચોખ્ખુ ચણાક બને તે દિશામાં કામગીરી હાથ પર લેવામાં આવશે.

આવતીકાલથી શહેરના 18 વોર્ડમાં આવેલા 164 ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં ન્યુસન્સ સોઈન્ટ પર કચરો ફેંકનાર લોકોને સમજાવવામાં આવશે કે, રાજકોટને સ્વચ્છ બનાવવા માટે અહીં કચરો ફેંકવો નહીં, ન્યુસન્સ પોઈન્ટ પર બેનરો મુકવામાં આવશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં જનજાગૃતિ ફેલાય તે માટે પત્રીકાઓનું પણ વિતરણ કરાશે. છતાં ન્યુસન્સ પોઈન્ટનો પ્રશ્ર્ન હલ નહીં થાય તો સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે અને જરૂર પડશે તો વિજીલન્સ શાખાને સાથે રાખી કચરો ફેંકનાર પાસે દંડ પણ વસુલ કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, શહેરને સ્વચ્છતામાં નંબર-1 બનાવવાના લક્ષ્યાંક સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ન્યુસન્સ પોઈન્ટનું દૂષણ દૂર થાય તે માટે નગરસેવકોને ખાસ જવાબદારી સોંપાશે. જ્યારે અધિકારીઓની જવાબદારી કાયમી ધોરણે ફીક્સ કરવામાં આવશે. દિવસ દરમિયાન ન્યુસન્સ પોઈન્ટ સ્વચ્છ રહે છે પરંતુ રાત્રીના સમયે અહીં લોકો કચરો ફેંકતા હોવાના કારણે સમસ્યા સર્જાય છે.

ગઈકાલે તમામ વોર્ડના સિટી એન્જીનીયર અને ડે.એન્જીનીયર સાથે બાંધકામને લગત જુદા જુદા કામો માટે મીટીંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રોડ રસ્તા પરના ખાડાઓની યાદી બનાવી સમય મર્યાદામાં મેટલીંગ અને પેચવર્ક પૂરું કરવા માટે સુચના આપવામાં આવી છે. વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્ર્નના લોકેશન જાણી કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે. ઘણા લોકેનેશન પર વોકળાના દબાણના કારણે પાણીનો નિકાલ થતો નથી.

એવી જગ્યાએ ટાઉન પ્લાનીંગ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવા જણાવાયું છે. કોર્પોરેશનમાં જે કામો ચાલતા હોય અથવા પૂર્ણ થયા હોય ત્યાંથી બાંધકામ વેસ્ટનો માલ ઉપાડી ડ્રેનેજની કુંડી સાફ કરવા સુચના અપાઈ છે. કામમાં વેઠ વાડતા કોન્ટ્રાકટરો કે એજન્સીને નોટિસ આપવાના બદલે બ્લેકલીસ્ટ કરવા સહિતની કામગીરી કરવા સુચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.