Abtak Media Google News

બોર્ડ દ્વારા 2023માં એક જ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ કરવાનું નક્કી કરાયું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન સીબીએસઇ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાનું આયોજન કરાયું છે. જેમાં શરૂઆતમાં ઓપ્શનલ વિયષોની પરીક્ષા લેવામાં આવશે અને માર્ચ માસમાં મુખ્ય વિષયોની પરીક્ષાનું આયોજન કરાશે.

આ વખતે બોર્ડ દ્વારા એક જ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. ગત વર્ષે બોર્ડ દ્વારા બે પરીક્ષા લેવામાં આવી હતી અને તેના આધારે અંતિમ પરીણામ તૈયાર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સીબીએસઇ બોર્ડ દ્વારા આગામી વર્ષે 15 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 અને ધો.12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આગામી વર્ષની પરીક્ષા અંગેની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં કોરોનાના કારણે 2021-22માં બોર્ડની પરીક્ષાને બે-ટર્મમાં વહેંચી દેવામાં આવી હતી. જો કે, હવે વર્ષ-2022-23માં બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા પહેલાની જેમ જ માત્ર એક જ વખત લેવાશે. ગત વર્ષે 50-50 ટકા સિલેબસ અને બંને ટર્મ પરીક્ષામાં વહેંચી તેના આધારે પરીક્ષા લેવામાં આવી હતી. જો કે આગામી પરીક્ષા અગાઉના વર્ષોથી જેમ જ લેવાનું નક્કી કરાયું છે.

ગત વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12માં વિદ્યાર્થીઓ માટે બે ટર્મમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ બંને ટર્મની પરીક્ષા બાદ બોર્ડ દ્વારા ટર્મ-1ની થિયેરી, પેપરોના 30 ટકા અને ટર્મ-2ની થિયેરી પેપરના 70 ટકા વેઇટેજ અનુસાર પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બંને ટર્મની પરીક્ષામાં પ્રેક્ટીકલને સરખું મહત્વ આપવામાં આવ્યું હતું. જો કે હવે ચાલુ વર્ષે આ વ્યવસ્થા અમલમાં રહેશે નહીં.

સીબીએસઇ બોર્ડ દ્વારા 2023માં લેવામાં આવનારી પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓને સ્ટર્ડી મટિરિયલ્સ, માર્કિંગ સ્કિમ, નમૂનાના પ્રશ્ર્નોપત્ર, પ્રશ્ર્ન બેંક સહિતની વિગતો મળી રહે તે માટે બોર્ડની વેબસાઇટ પર આ તમામ વિગતો મુકવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા ખૂબ જ વહેલી તકે આ તમામ વિગતો વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની પરીક્ષામાં કંઇ રીતે પ્રશ્ર્નો પૂછાશે અને તેની તૈયારી કંઇ રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.