Abtak Media Google News

ફ્લડ વિભાગ કીમ નદી કિનારાના ગામો સાથે સતત સંપર્કમાં

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસતા આજે માંગરોળ-તડકેશ્વર વચ્ચે શાહ પાટીયા પાસે ટોકડી નદી ઉપર બાંધેલો ચેકડેમનો એક સાઇટનો ભાગ તુટી ગયો હતો જેને પગલે કીમ નદીમાં પાણીની સપાટી વધી હતી. ચેકડેમ તૂટયો અને અફવા ઉડી કે ઉપરવાસના ઉમરપાડાનો આમલી ડેમ તુટી ગયો. જેને પગલે અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી, તો પ્રજાજનોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. માંગરોળ પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મનમૂકીને મેઘરાજા વરસી રહ્યા છે.

જેને પરિણામે સીઝનનો ૭૦ ટકા વરસાદ આજદિન સુધીમાં પડી ગયો છે. આજે માંગરોળમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. સતત વરસાદને પગલે નદી-નાળા-કોતરો ભયજનક સપાટીની નજીકથી વહેવા લાગ્યા છે. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અફવા ફેલાઈ કે ઉમરપાડાનો આમલી ડેમ તૂટતાં ટોકડી અને કીમ નદીમાં પાણી વધી રહ્યા છે.

ખરેખર માંગરોળથી તડકેશ્વર જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર શાહ-નવાપરા પાટીયા પાસેથી પસાર થતી ટોકડી નદી ઉપર બાંધેલા ચેકડેમનો એક સાઈડનો ભાગ પાણીનાં પ્રવાહનાં જોશથી તૂટી જતાં ચેકડેમમાં રોકાયેલો પાણીનો પ્રવાહ ટોકડી અને કીમ નદીમાં જતા કાંઠા વિસ્તારનાં રહીશો ભયભીત થયા હતા. સાથે જ માંગરોળ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનાં ફોન સાચી માહિતી જાણવા માટે રણકી ઉઠયા હતા.

જો કે તાલુકા વહીવટી તંત્રએ તાલુકાનાં તલાટી કમ મંત્રીઓને હેડ કવાટર્સ ન છોડવા અને પુર પરિસ્થિતિ ઉપર નજર રાખવાની સૂચનાઓ આપી છે સાથે તાલુકા ફલ્ડ કંટ્રોલ રૃમ કીમ નદીનાં કિનારે આવેલા ગામો સાથે સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ચેકડેમના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.

આ ચેકડેમો ઉભા કરાયા બાદ થોડા જ સમયમાં ચેકડેમોમાં મોટી-મોટી તિરાડો પડી હતી. પરંતુ ચેકડેમો ઉભા કર્યા બાદ આવેલી ચોમાસાની ઋતુમાં નહીંવત્ વરસાદ પડતા ચેકડેમનાં બાંધકામની પોલ ખુલી ન હતી પરંતુ ચાલુ વર્ષનાં ચોમાસા પ્રારંભમાં જ વ્યાપક વરસાદ પડતાં તકલાદી ચેકડેમો તૂટી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.