Abtak Media Google News

ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ અને જયમીન ઠાકર 16મીથી શરૂ કરશે ઉત્તરપ્રદેશનો પ્રવાસ: ગુજરાત ભાજપને યુ.પી.ના 13 જિલ્લાની 71 બેઠકોની જવાબદારી સોંપાઇ

 

અબતક-રાજકોટ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફરી તોતીંગ બહુમતી સાથે જીત હાંસલ કરવા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી લક્ષી તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત ભાજપને યુપીના 4 જિલ્લાની 71 વિધાનસભા બેઠકો માટે જવાબદારી સોપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપના 4 ધુરંધરોને ઉત્તર પ્રદેશ ચુંટણી માટે ખાસ જવાબદારી સોંપાઇ હોય તેઓ આગામી 16મીથી યુપીનો પ્રવાસ શરૂ કરશે અને સતત 3 મહિના સુધી ધામા નાંખી ચુંટણી લક્ષી વ્યૂરચના ઘડશે.

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ જનકભાઇ પટેલની ચુંટણી ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા યુપી ચુંટણી માટે ગુજરાતના ચુનીંદા 165 કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. કુલ 400થી વધુ કાર્યકરોને યુપીમાં ચુંટણી પ્રચાર માટે જવા પુછાણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 300 કાર્યકરોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ 300માંથી ચારણો મારી 165 કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાંથી ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ભાવનગરના ભાજપના પ્રભારી કશ્યપભાઇ શુક્લ અને શહેરના વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકરની પસંદગી કરવામાં આવી છે.

આગામી 16મી ડિસેમ્બરથી ગુજરાત ભાજપ કાર્યકરો ઉત્તર પ્રદેશનો પ્રવાસ શરૂ કરી દેશે. ગુજરાત કાર્યકરોને અલગ-અલગ 13 જિલ્લાની 31 વિધાનસભા ચુંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર ભાજપના ચારેય ધુરંધરોને અલગ-અલગ જિલ્લાઓ સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ માર્ચ મહિના સુધી સતત ઉત્તર પ્રદેશનો પ્રવાસ ખેડતા રહેશે અને તેઓને વિધાનસભાની જે બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં ફરી કમળ ખીલે તે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવે છે કે દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તરપ્રદેશમાંથી પસાર થાય છે. જો દિલ્હીની ગાદી સર કરવી હોય તો યુપી જીતવું ફરજીયાત છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થયું હતું. ફરી એક વખત સવાયા પરિણામો પ્રાપ્ત થાય તે માટે હાઇકમાન્ડ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપના કસાયેલા 165 કાર્યકરો યુપીમાં ચુંટણી પૂર્વે હરીફોને હંફાવવા માટે વ્યૂરચના ઘડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.