મુખ્યમંત્રીએ હોમટાઉનમાં દિવ્યાંગ બાળકો સાથે ભોજન ગ્રહણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી

અબતક, રાજકોટ

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે તેમના જન્મદિવસે દિવ્યાંગ બાળકોની મુલાકાત લઇ ખબર અંતર પૂછીને તેમની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવ્યા  હતા. આ વેળા દિવ્યાંગ બાળકોએ સામૂહિક રીતે હેપી બર્થ ડેની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભાવ વિભોર બન્યા હતા. તેમજ દિવ્યાંગ શંકરભાઇએ બાર બાર યે દિલ કરે, તુમ જીઓ હજારો સાલ, દિલ મે હે યે આરઝુ, હેપી બર્થ ડે ટુ યુ ગીત ગાઇને વ્યકિતગત રીતે પણ મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ તેમના આ જન્મદિને આ સંસ્થા ખાતેના દિવ્યાંગ બાળકો સાથે ભોજન પણ કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 64માં જન્મદિને તથા સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં પ્રારંભ થયેલ પાંચ વર્ષ, આપણી સરકારના-સૌના સાથ, સૌના વિકાસના કાર્યક્રમની શૃંખલા અન્વયે  સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટના કાલાવડ રોડ સ્થિત રૂ.26.61 કરોડના ખર્ચે બનનારા માનસિક ક્ષતિવાળા બાળકો, ભાઈઓ અને બહેનોના  ગૃહનું ભૂમિપૂજન મુખ્યમંત્રી રૂપાણીએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ,  સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના અધિક અગ્ર સચિવ  સુનયના તોમર, કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કાર્યપાલક ઇજનેર એન.કે.કામદાર તથા સંસ્થામાં રહેતા આ દિવ્યાંગ ભાઈઓ-બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.