Abtak Media Google News
બધા મોદી અટકવાળા ચોર હોવાનું નિવેદન આપનાર
રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ૨૦૧૯માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી છે.
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, એઆઈસીસી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર રહયા હતા. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?
જે બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
હાલ સુધી ત્રણ વાર સુરત કોર્ટમાં હાજર રહી ચુક્યા છે રાહુલ ગાંધી
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કર્ણાટકમાં મોદી અટક પર વિવાદિત ટિપ્પણીના મામલામાં ગયા શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ હતી. આ પછી સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવવા માટે ૨૩ માર્ચની તારીખ નક્કી કરી હતી. કોર્ટના ચુકાદાની સુનાવણી સમયે રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ પૂર્વે પણ રાહુલ ગાંધી 3 વખત કોર્ટમાં હાજરી આપી ચુક્યા છે.
બોક્સ
શુ હતો મામલો ?
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભામાં કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી છે? જેમાં ભારતના ભાગેડુ નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. ૧૩ એપ્રિલે કર્ણાટકના કોલારમાં એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોરની સરનેમ સરખી છે.
આઈપીસીની કલમ ૪૯૯, ૫૦૦ અને ૫૦૪ શું છે ? કેટલી છે સજાની જોગવાઈ ?
રાહુલ ગાંધીને આઇપીસીની કલમ ૪૯૯, ૫૦૦ અને ૫૦૪ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે કાયદાની આ કલમો તરફ ધ્યાન કરવામાં આવે તો કલમ ૪૯૯ હેઠળ કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિને અપમાનિત કરવા બદલ દોષિત જાહેર કરી શકાય છે જ્યારે કલમ ૫૦૪ હેઠળ જાણી જોઈને સાર્વજનિક અપમાન થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી સુલેહ શાંતિ ભંગ કરવા બદલ આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બંને કલમો હેઠળ જયારે આરોપીને દોષિત જાહેર કરવામાં આવે તો આઇપીસીની કલમ ૫૦૦ હેઠળ માનહાની બદલ બે વર્ષ સુધીના જેલવાસની અને આર્થિક દંડ અથવા તો સજા અને દંડ બંનેની જોગવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.