Abtak Media Google News

જામનગરના એક રિક્ષાચાલકને મંગળવારની રાત્રે આઠ શખ્સોએ ઘેરી લઈ મોટરમાં નાખી અપહરણ કર્યા પછી ઓફિસમાં ગોંધી રાખી બેફામ માર માર્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે. પોતાના મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા આ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

Advertisement

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર રબ્બાની પાર્કમાં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા મહંમદઓસમાણ અબ્બાસ ચાવડા ઉર્ફે પુંગી પટ્ટણી મંગળવારની રાત્રે ત્રણેક વાગ્યા સનસિટી સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને મોહસીન ખફી, હબીબ ખફી, મોઈનુદ્દીન, હાજી ખફી, સોહિલ ગઢકાઈ, અવેશ યુનુસ ખફી તથા બે અન્ય શખ્સોએ રોકી લીધા હતા.

ઉપરોકત આઠેય શખ્સોએ મહંમદઓસમાણને બળજબરીપૂર્વકમાં મોટરમાં બેસાડી દઈ નજીકમાં આવેલી હબીબ ખફીની ઓફિસે લઈ જઈ ધોકા, તલવાર, પાઈપ, છરી વડે બેફામ માર માર્યો હતો. આ ઓફિસમાં પૂરી રાખી આઠેય શખ્સોએ ગુસ્સો કાઢયા પછી મહંમદઓસમાણને જવા દીધો હતા તે બાબતની ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ગયા સોમવારે સાંજે જ્યારે મહંમદઓસમાણ રિક્ષા લઈને દરબારગઢ સર્કલમાં ઉભો હતો ત્યારે તેના મિત્ર ઈમરાન શેખ અને હબીબ ખફીના વાહન વચ્ચે અકસ્માત થતા બન્ને વ્યક્તિઓ ઝઘડી પડયા હતા. આ વેળાએ મહંમદઓસમાણ વચ્ચે પડતા તે બાબતનો ખાર રાખી ઉપરોક્ત હુમલો કરાયાની કેફિયત આપવામાં આવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૪૨, ૩૬૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીઆઈ એમ.એન. રાઠોડે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.