Abtak Media Google News

ભારતની ખેતીને સમય સાથેના પરિવર્તનનો પવન ન ફૂંકાયો, એટલે ખેતી ત્યાંની ત્યાં જ રહી, પણ હવે ફેરફારો થશે

2030 સુધીમાં હાઈટેક ખેતીથી 15 કરોડ જેટલી રોજગારીનું સર્જન થવાના ઉજળા સંજોગો

ભારત ખેતીપ્રધાન દેશ છે અહી ખેતીને ધંધો નહીં પણ ધર્મ માનવામાં આવે છે પણ સમય સાથે જરૂરી પરિવર્તનનો પવન ખેતીને ન ફૂંકાતા તેનો વિકાસ રૂંધાયો હતો પણ હવે સરકારે ખેતી ઉપર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. ખેતીને ટેકનોલોજી સાથે ભેળવીને સરકાર ક્રાંતિ સર્જવા ઈચ્છે છે આવનાર દિવસોમાં હવે આ ક્રાંતિથી શું શું ચમત્કાર થશે તે જોવું રહ્યુ.

એક તરફ ભારતનો કિસાન અને બીજી તરફ અમેરિકાનો કિસાન, આ બંનેમાં જમીન-આસમાનનો ફરક છે. વિકસિત દેશોમાં કિસાનો આધુનિક ઢબથી ખેતી કરતા હોય છે તેઓ ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી જાણતા હોય છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં જાણે એવું લેબલ લગાવી દેવામાં આવ્યું કે ખેડૂત એટલે અભણ. હકીકતમાં વિકસિત દેશોમાં આવુ લેબલ નથી. ત્યાંનો ખેડૂત પણ લેપટોપમાં કામ કરતો હોય છે. પણ ભારતમાં હવે સમય બદલાઈ રહ્યો છે. યુવાનો પણ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

આ ઉપરાંત ઘણા ઉત્સુક વિદ્યાર્થીઓ પણ ખેતીને લગતો અભ્યાસક્રમ પસંદ કરીને ખેતી ક્ષેત્રે ઝંપલાવવા આગેકૂચ કરી રહ્યા છે.એટલે હવે ખેતી હાઇટેક બને તેવા ઉજળા સંજોગો છે. બીજી તરફ સરકારે પણ એગ્રોટેક ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક અહેવાલ મુજબ ૨૦૩૦ સુધીમાં એગ્રોટેક ક્ષેત્ર 60 લાખ કરોડની આવક ઉત્પન્ન કરતું થઈ જશે. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે આ ક્ષેત્ર 15 કરોડ જેટલી નોકરીઓની તકનું સર્જન પણ કરવાનું છે એટલે હવે ખેતી અને ટેકનોલોજીનો સંગમ નવી ક્રાંતિ સર્જે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.