Abtak Media Google News

સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે સુનાવણી હાથ ધરશે વડી અદાલત રાજસ્થાનમાં ગુર્જર કવોટા રદ્દ કરવાનો સુપ્રીમનો નિર્ણય

આઝાદીકાળથી દેશમાં અનામતનો મુદ્દો હંમેશા સળગતો રહ્યો છે. ચૂંટણીઓ નજીક આવતા સામાજિક અને રાજકીય નેતાઓ આગમાં ઘી હોંમવાનું કામ કરતા હોય છે. હાલ પણ અનામતના મુદ્દે ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજયોમાં મોટાપાયે આંદોલનો ચાલી રહ્યાં છે ત્યારે અનામતના ગુંચવાયેલા મુદ્દાનો ઉકેલ લાવવા વડી અદાલતના પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ પ્રયત્ન કરશે. આ ખંડપીઠ સરકારી નોકરીઓમાં એસ.સી.એસ.ટી.ની અનામત મુદ્દે નિર્ણય લેશે.

તાજેતરમાં કર્ણાટક સરકારે પ્રમોશનમાં અનામત મુદ્દે કરેલા નિર્ણયને વડી અદાલતને રદ્દ કર્યો હતો. આ મુદ્દે પહેલા પોલીસી ઘડવા ત્યારબાદ જ નિર્ણયો લેવાની સલાહ આપવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં સીનીયોરીટી અને મેરીટના આધારે નિર્ણયો લેવાવા જોઈએ તેવી દલીલ પણ થઈ હતી.

બીજી તરફ રાજસ્થાનમાં ગુર્જર અનામતને વડી અદાલતે રદ્દ કરી છે. રાજસ્થાન સરકારે ૫૦ ટકાથી વધુ અનામત મુકી હતી અને ગુર્જરોને નોકરી અને શિક્ષણમાં અનામત આપી હતી. જયાં સુધી રાજસ્થાન હાઈકોર્ટ નિર્ણય નહીં લે ત્યાં સુધી આ મુદ્દે કાર્યવાહી રોકી રાખવામાં આવે તેવો આદેશ વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.

ઓગષ્ટ મહિનામાં રાજસ્થાન સરકારે ગુર્જરોને ૫ ટકા અનામત કવોટા આપવાનું વચન આપ્યું હતું અને ઓબીસીનો કવોટા ૨૧ ટકાથી વધારી ૨૬ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. હાલ ૪૯ ટકા અનામતનો નિયમ છે. જો કે, રાજસ્થાન સરકારના નિર્ણયના પરિણામે આ નિયમ તૂટી ગયો હતો. સરકારે ચોમાસુ સત્રમાં આ બીલ મુકયું હતું. જો કે, રાજસ્થાન હાઈકોર્ટમાં આ મામલો સલવાઈ ગયો હતો.

અલબત હવે વડી અદાલતે ચુકાદો આપ્યો છે અને રાજસ્થાનમાં ગુર્જરોની અનામતને રદ્દ કરી નાખી છે. જયાં સુધી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ મુદ્દે કાર્યવાહી ન કરવા હુકમ આપવામાં આવ્યો છે. વડી અદાલતના નિર્ણયના ઘેરા પડઘા ગુજરાતમાં પણ પડી શકે છે. અનામત આપવા બાબતે કાયદેસરની કાર્યવાહી અતિ જટીલ હોય ચૂંટણી નજીક છે ત્યારે શું પરિણામ આવશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.