Abtak Media Google News

જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં ગઈકાલે એક બાળક અકસ્માતે માલવાહક લીફટમાં ચડી ગયો હતો. તેણે રમત રમતમાં બટન દબાવી દેતા લીફટ ઉપર ચડી હતી તે દરમ્યાન આ બાળકનું છત તથા લીફટની વચ્ચે આવી જવાથી ગળું કપાઈ જતાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં પ્લોટ નંબર- ૩ર૬માં આવેલા કારખાનામાં ગઈકાલે મજૂરીકામ પર રહેલા મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના બટકા ગામના સંતોષભાઈ જાટબ નામના શ્રમિકનો તેર વર્ષનો પુત્ર વિક્રમ પણ સાથે આવ્યો હતો. મધ્યપ્રદેશથી મજૂરી માટે આવેલા સંતોષભાઈ જીઆઈડીસી ફેસ-રમાં ૧૭૨ નંબરના પ્લોટમાં વસવાટ કરે છે.

તેઓ ગઈકાલે જ્યારે નોકરી પર ગયા ત્યારે તેઓની સાથે વિક્રમ પણ ગયો હતો. આ બાળક તે કારખાનામાં રહેલી માલવાહક લીફટમાં રમતા રમતા ચડી ગયો હતો. તેણે લીફટમાં જઈ બટન દબાવી દેતા લીફટ ઉપર ચડવા લાગી હતી. આ વેળાએ પૂરી રીતે લીફટમાં ન રહેલા વિક્રમનું માથું ઉપર રહેલી છત તથા લીફટ વચ્ચે અકસ્માતે આવી જતાં આ બાળકે કાળજગરી ચીસ પાડી હતી જેને સાંભળીને તે કારખાનામાં હાજર લોકો દોડી આવ્યા હતા. કેટલાક શ્રમિકો પગથિયા મારફત ઉપર દોડયા હતા અને તેઓએ લીફટની નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન વિક્રમનું ગળું કપાઈ ગયું હતું.

આ બાળકને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ તેનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું હતું. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એ.આર. જાડેજા દોડી ગયા હતા. તેઓએ આ કારખાનામાં શ્રમિક તરીકે રહેલા મલખાનસિંગ અજુદીપ્રસાદ જાટબનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે. ઉપરોક્ત ગમખ્વાર બનાવે સંતોષભાઈના પરિવારને હતપ્રભ બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.