Abtak Media Google News

17 વર્ષ પહેલા સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા નિઠારી કાંડના બન્ને દોષીતો સુરેંદ્ર કોલી અને મોનિંદર પંઢેરને સોમવારે હાઇકોર્ટે ફાંસીની સજાથી મૂક્તી આપી દીધી છે. ઉત્તર પ્રદેશની ઇલાહાબાદ હાઇકોર્ટે કોલીને 12 જ્યારે પંઢેરને બે મામલામાં થયેલી ફાંસીની સજાને રદ કરી દીધી હતી. આ બન્ને અપરાધીઓએ નોઇડામાં અનેક બાળકીઓની હત્યા કરી હતી. યોગ્ય પુરાવાના અભાવે હાલ આ બન્ને અપરાધીઓને આટલા જઘન્ય અપરાધમાં ફાંસીની સજાથી મૂક્ત કરી દેવા પડયા હતા. આ સમગ્ર મામલામાં સીબીઆઇની તપાસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

હત્યા, દુષ્કર્મ સહિતના 16 મામલામાં ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડ આપ્યા બાદ હાઇકોર્ટે છોડી મુકવાનો આદેશ આપ્યો

અપરાધી પંઢેર સામે કુલ છ કેસો હતા, જેમાં બેમાં ફાંસીની સજા થઇ હતી જેને રદ કરી દેવાઇ છે. જ્યારે સુરેન્દ્ર કોલીની સામે 12 કેસો દાખલ કરાયા હતા. સીબીઆઇએ આ સમગ્ર મામલામાં આશરે 16 જેટલા કેસો દાખલ કર્યા હતા. જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કેટલાક મામલાઓમાં બન્નેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના ચુકાદાને બન્ને અપરાધીઓેએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જે 16 કેસો દાખલ કરવામાં આવ્યા હતા તેમાં કોલી પર હત્યા, અપહરણ અને બળાત્કાર, પુરાવાનો નાશ કરવા સહિતના ગુનાની કલમો લગાવવામાં આવી હતી. જ્યારે પંઢેર સામે અનૈતિક તસ્કરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નિઠારી હત્યાકાંડ ભારતના ઈતિહાસમાં સૌથી ધૃણાસ્પદ અને આઘાતજનક હત્યાકાંડ છે. કોલી-પાંધેરે છોકરીઓની સાથે નાના છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવેલા. કોલી-પાંધેરે મોતને ઘાટ ઉતારેલી છોકરીઓમાંથી એક માત્ર પાયલ 20 વર્ષની હતી જ્યારે બાકીનાં 15 છોકરા-છોકરીઓ તો સગીર હતાં.

કોલી અને પંઢેરે હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ સમગ્ર ઘટનાનો કોઇ જ સાક્ષી નથી, માત્ર વૈજ્ઞાાનિક અને પરિસ્થિતિજન્ય સાક્ષીઓના આધારે ફાંસીની સજા આપવામાં આવી છે. બન્નેની અરજીઓ પર લાંબા સમય સુધી સુનાવણી થઇ હતી. અંતે સોમવારે હાઇકોર્ટે બન્નેને ફાંસીની સજાથી મૂક્ત કરી દીધા હતા. હાઇકોર્ટના ન્યાયાધીશ અશ્વની કુમાર મિશ્ર અને ન્યાયાધીશ એસએ હુસૈન રિઝવીની બેંચે અરજીનો સ્વીકાર કરીને આ ચુકાદો આપ્યો હતો. જોકે કોલીને એક કેસમાં આજીવન કેદની સજા મળી હતી તેને રદ નથી કરવામાં આવી તેથી તે હાલ જેલમાં રહેશે. જ્યારે હાલમાં પંઢેર સામે કોઇ જ કેસ દાખલ નથી, તમામ કેસોમાં તે છુટી ગયો છે. વકીલ મનીષા ભંડારીએ આરોપીઓ વતી દલિલો કરી હતી, તેમણે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં સીબીઆઇની તપાસ પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે.

વર્ષ 2006માં નોઇડામાં પંઢેરના ઘર પાસેથી ગટરમાંથી આઠ બાળકીના હાડપિંજર મળ્યા હતા, જે બાદ તપાસ કરતા અન્ય બીજા હાડપિંજર આસપાસના વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. જેમાં મોટા ભાગના પીડિતો ગરીબ બાળકી અને યુવતી હતી. પંઢેર અને કોલીએ તેમને લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવીને બાદમાં બળાત્કાર ગુઝાર્યો હતો. જે બાદ તેમની હત્યા કરી નાખી હતી અને મૃતદેહોના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા હતા. જ્યારે કેટલાકને દાટી દીધા હતા. બીજી તરફ હાઇકોર્ટે પુરાવાના અભાવે બન્ને અપરાધીને છોડી મુક્યા હતા જેને કારણે પીડિતોના પરિવારજનોએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમને ન્યાય નથી મળ્યો. જબ્બુલાલ અને સુનિતા દેવી કે જેમની પુત્રીઓની હત્યાનો કોલી અને પંઢેર પર આરોપ હતો તેઓએ જણાવ્યું હતું કે અમે વકીલોને ન્યાય માટે ચાર લાખ રૂપિયાની ફી આપી, અમારે પ્લોટ પણ વેચવો પડયો. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા બાળકોના હત્યારાઓને ફાંસીની સજા અપાવી અમને ન્યાય અપાવે.

તપાસ એજન્સીઓએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો: અલ્લાહાબાદ હાઇકોર્ટ

હાઇકોર્ટે નિઠારી કાંડના અપરાધીઓને ફાંસીની સજામાંથી મૂક્ત કરી દીધા હતા. આ દરમિયાન હાઇકોર્ટે પોલીસ અને સીબીઆઇની તપાસને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં પુરાવાને એકઠા કરવાના નિયમોનો ભંગ થયો છે. તપાસમાં નિષ્ફળતા એ એજન્સીઓ દ્વારા લોકો સાથે વિશ્વાઘાત સમાન છે. માત્ર શંકાઓ સિવાય આ સમગ્ર કેસને મજબુત બનાવવા માટે એજન્સીઓ અને પોલીસ દ્વારા અન્ય કોઇ જ પુરાવા એકઠા નથી કર્યા. માત્ર આરોપીઓ દ્વારા જે અપરાધનો સ્વીકાર કરાયો તેના આધારે જ કેસ તૈયાર કરવામાં આવ્યો.

શું હતો એ નિઠારી હત્યાકાંડ?

વર્ષ 2006માં જ્યારે નોઈડાના નિથારી ગામમાં કોઠી નંબર ડી-5ની બાજુમાં આવેલી ગટરમાંથી હાડપિંજર મળવાનું શરૂ થયું અને આખી ઘટના બહાર આવી. આ ઘર મોનિન્દર સિંહ પંઢેરનું હતું. તેની સાથે સુરેન્દ્ર કોલી નામનો નોકર રહેતો હતો. કોલી પર હવેલીમાં છોકરીઓ લાવવાનો આરોપ છે. તેમની સાથે બળાત્કાર કરતો હતો. ત્યારબાદ હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી દેતો હતો. નિથારી ગામની ડઝનેક છોકરીઓ ગુમ થયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.