Abtak Media Google News

Table of Contents

ઘરનું અસ્તિત્વ એટલે પિતા

એક બાળક તેના જીવનયાત્રામાં પિતા, દાદા સાથે પરિવારનો મોભી બને છે, પણ મોટી વયે તેની વ્યથા સંતાનોને કહી શકતો નથી: બાળકના ઉછેર અને તેના સંર્વાગી વિકાસ મા-બાપનો ફાળો સૌથી વિશેષ: સંતાનોની તમામ માંગણી ગમે તે ભોગે પૂર્ણ કરે તે ‘બાપ’, અને પોતે બધુ જ ચલાવી લે એ પણ ‘બાપ’

ભારતીય સંસ્કૃતિમાં માતૃ-પિતૃ પૂજનનું મહત્વ છે ત્યારે સવારે ઉઠતાવેંત તેને પગે લાગવું એજ સાચો ધર્મ છે: પરિવાર માટે મમતા અને અથાગ મહેનતનો સંગમ એટલે મા-બાપ: પોતે દુ:ખ સહન કરશે પણ સંતાનોને હરહમેંશ સુખનો છાંયડો આપીને હૂંફનું સરોવર પુરૂ પાડે છે

ર્માં તે ર્માં એ બરાબર પણ પિતાનો વિકલ્પ ન હોય શકે: આપણી સમાજ વ્યવસ્થામાં અને પુરૂષ પ્રધાન દેશ હોવાથી તે પરિવારનો મોભી ગણાય છે: એમની વૃધ્ધાવસ્થામાં એમને એકલા ન પડવા દઇએ એ જ સાચો ફાધર્સ ડે

પ્રાચિનકાળથી આપણાં દેશની સંસ્કૃતિમાં મા-બાપનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કાળથી માતા-પિતાના વચન ખાતર સંપૂર્ણ ત્યાગ કરીને ચાલ્યા ગયાના દાખલા છે. આપણી સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થામાં ર્માંની સાથે પિતાનું મહત્વ વિશેષ હોય છે. આપણો દેશ પુરૂષ પ્રધાન દેશ હોવાથી સમગ્ર સંસાર યાત્રામાં પુરૂષનું મહત્વ વિશેષ જોવા મળે છે. સંયુક્ત પરિવાર પ્રથાથી વિભક્ત પરિવારોની આજની સ્થિતિ સુધી પિતાનો સંઘર્ષ હમેંશા મોખરે હોય છે. માતાની મમતાનું અને પિતાના પરસેવાનું ઋણ ક્યારેય માનવી ચુકવી ના શકે. માં તે મા એ વાત સાચી પણ પિતાનો વિકલ્પ ન હોય શકે, વંશ વેલો સતત આગળ વધારવા તથા પરિવારના લાલન પાલન તે જીવન ખર્ચી નાંખે છે, તેથી તે બાપનો બાપ છે. એક બાળક તેની સમગ્ર જીવન યાત્રામાં પિતા-દાદા સાથે પરિવારનો મોભી બને છે. આપણે તેને એમની વૃધ્ધાવસ્થામાં એકલા પડવા ન દઇએ, એજ સાચો ‘ફાધર્સ ડે’. આપણાં દેશમાં રોજ ફાધર્સ ડે અને મધર્સ ડે ઉજવાય છે. વિદેશોમાં સંતાનો મોટા થયા બાદ જુદા રહેતા હોવાથી તે માત્ર તેના મા-બાપને ફક્ત આજ દિવસે મળતા હોવાથી તેઓ આવા દિવસો ઉજવતા હોય છે. આજના યુગમાં આપણે પણ આપણા મા-બાપોને વૃધ્ધાશ્રમમાં મૂકી આવી જ છીએ, એ એટલું જ નગ્ન સત્ય છે. સંયુક્ત પરિવારમાં મા-બાપને ચાર-પાંચ કે છ સંતાનો હોવા છતાં તેને ક્યારેય તકલીફ પડતી ન હતી, આજે તો એક સંતાનનો ઉછેર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પપ્પા લગભગ સરખા જ હોય છે, કારણ કે તેને જીવનમાં એક સરખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પહેલાના જમાનામાં મા-બાપ પછી માતા-પિતાને બાદમાં નવા યુગમાં મમ્મી-પપ્પા, મોમ-ડેડ શબ્દો આવતાં હવે આપણે વિદેશી કલ્ચરના પગલે આપણી સંસ્કૃતિ ભૂલીને આંધળું અનુકરણ કરવા લાગ્યા છીએ. પહેલા અને આજે એક વાત કોમન છે કે સંતાનોની તમામ માંગણીઓ ત્યારે કે આજે એક બાપ ગમે તે ભોગે પુરી કરે જ છે, તેથી જ તે બાપનો ‘બાપ’ છે.

પોતાના સપનાઓ સાથે સંતાનોના સપનાઓ પુરા કરવામાં એક ‘પિતા’ આખી જીંદગી સખ્ત મજૂરી કરતો હોય છે, ક્યારેક તો જીવનની અંતિમ ક્ષણ સુધી પોતાના સંતાનોના વિકાસ માટે કાળી મજૂરી કરતો જોવા મળે છે. “પાપા કહેતા હે બડા નામ કરેંગા” જેવા ગીતોમાં પિતાની વાત વણી લેવાય છે. ‘તારે જે કરવું હોય તે કરવા મંડ, હું ફોડી લઇશ, તું ચિંતા ન કર’ આવા શબ્દો એક બાપ જ બોલતો જોવા મળે છે. પિતા કે માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય જ ન શકે કારણ કે તે દરરોજ વંદન અને પૂજન કરવા યોગ્ય છે.

પિતાની હયાતીમાં આપણને ક્યારેય મુશ્કેલી પડતી નથી, કારણ કે તે તમામ માંગણી પૂર્ણ કરવા માટે ‘માંગ્યા પહેલા જ આપી દે’ છે. પિતા એટલે પાલક, પોષક, રક્ષક, સંરક્ષક, માર્ગદર્શક છે. તેની લાગણી, પ્રેમ, સંવેદના હમેંશા અદ્રશ્ય રહેતી હોય છે. ભગવાનનો અંશ દરેક પિતામાં જોવા મળે છે. આજના દરેક સંતાનોએ પિતાની વાત માનવી જોઇએ કારણ કે તે તેના અનુભવ ઉપરથી સંતાનોને ચેતવતા હોય છે. આજના સંતાનો તો તેના માતા-પિતા સામે જેમ તેમ બોલે, તુકારો આપે, વાત ન માને ત્યારે એને કેટલું દુ:ખ લાગતું હશે એ કોઇએ ક્યારેય વિચાર્યું જ નથી. પિતાનો એક જ સંકલ્પ હોય કે તેનો બાળક તેના જીવનમાં સુખી થાય. આજે તો એકમાત્ર સંતાન પણ મા-બાપને એકલા મૂકીને જુદો રહેવા ચાલ્યા જાય છે. પુત્રો પિતા સામે કોર્ટે પણ ચડ્યાના દાખલા જોવા મળે છે, ત્યારે એક દુ:ખની લાગણી અચુક થાય છે.

જન્મથી પુખ્ત વય સુધી મા-બાપની છત્રછાયાને કારણે જ તમો મોટા થયા છો, એ વાત ક્યારેય ભૂલવી ન જોઇએ. દિવસ-રાતની કાળી મજૂરી તે ફક્ત તમને તકલીફ ન પડે એટલા માટે જ કરે છે. પોતે કપડા, શોખ વગર બધુ જ ચલાવી લેશે, પણ તમારી માંગણી પૂર્ણ કરે એ જ તમારો ‘પિતા’ તમારે માટે ભગવાન છે, એ ભૂલતા નહીં. પોતે ભીનામાં સૂઇને તમને કોરામાં સુવડાવીને સાથે તમને પ્રથમવાર ડગલા પણ ભરાવ્યા છે. પિતા સંતાનોને ખંભે તેડીને દુનિયાની સેર પણ કરાવે છે. જીવનના ગણિતમાં સત્ય પોતાને માટે, પ્રેમ બીજા માટે અને કરૂણા બધા માટે રાખનાર ‘પિતા’ સિવાય બીજું કોઇ દુનિયામાં ન મળી શકે.

આપણને દુનિયા બતાવનાર પિતા જ છે. દુનિયાના તમામ સાહિત્યમાં મા વિશે ઘણું બધું લખાયું છે, પણ કોઇએ પિતા માટે લખ્યું જ નથી. પિતા આપણાં ઘરનું અસ્તિત્વ હોય છે. તેના કડક સ્વભાવ પાછળ પ્રેમનું સરોવર હોય છે. ઘરનો આધારસ્તંભસમા પિતા તેના સંતાનો માટે આદર્શ હોય છે. સંતાનોની મુશ્કેલીમાં સતત સાથે ઉભા રહીને, બધી ભૂલો ઢાંકીને પણ બીજા સાથે લડે તે ‘પિતા’ પિતા પરિવારનો પ્રાણ છે. આપણી આંગળી પકડીને ચાલતા શિખવાડી દીધા બાદ પણ દુનિયામાં કેમ ચાલવું તે શિખવે તે પિતા જ છે. દુનિયાના ગમે તે છેડે રડીને પણ સંતાનો માટે હમેંશા પ્રેમ વરસાવતો પિતા સંતાનોની ખુશી માટે પોતાની ખુશી કુરબાન કરી દે છે. પોતાના જીવન દરમ્યાન પોતાનું દુ:ખ કોઇને કહી શકતો ન હોવાથી જ કદાચ તે ‘હાર્ટએટેક’ આવતો હશે.

પપ્પા એટલે વ્હાલનો દરિયો

તમે આજે જે કંઇ છો, જ્યાં રહો છો જેવી તમામ વસ્તુઓ પાછળ એકમાત્ર ‘પિતા’ જ છે. તમારા જીવનની ઇમારતો અને સંસ્કારીતાની પાયામાં તમારા પિતા છે, જે ક્યારેય ભૂલતા નહી. તમને દુનિયાભરનું સુખ આપવા દિવસ-રાત કાળી મજૂરી કરનાર પિતા તડકો-ઠંડી જેવી તમામ મુશ્કેલીઓ વચ્ચે માત્રને માત્ર તમારો જ વિચાર કરતા હોય માટે તમે તેના વૃધ્ધાવસ્થામાં સાથ આપશો. બચપણ યાદ કરજો, તમે બધી જ માંગણી પપ્પાને કરી હશે ને બધી જ પૂર્ણ થઇ હશે. પિપળાના વૃક્ષની જેમ સંતાનોને સતત ઓક્સિજન આપતાં જ રહે છે. તમારી એક રીંગે જે ગાડી પાછી વાળે તે જ તમારો ‘બાપ’ જ હોય.

“પપ્પા એટલે એક કપ ‘ચા’ અને સવારનું છાપુ જ નહી,
પણ છાપાના બીલ અને ચાની કિંમત ચુકવતી ‘હાલતી-ચાલતી’ બેંક”
“બાળપણમાં સંતાનોનું ‘ATM’ એટલે પિતા’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.