Abtak Media Google News

યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ

આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રનાં ચોથા અધ્યાયની ચોથી નીતિમાં સ્વસ્થ શરીરનું મહત્વ સમજાવ્યું છે.ચાણક્ય કહે છે કે,’જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ.આપણું શરીર નિયંત્રણમાં છે,ત્યાં સુધી આત્મકલ્યાણ માટે પુણ્ય કાર્ય કરી લેવું જોઈએ.ધર્મ,અર્થ,કામ અને મોક્ષ – આ ચારેય પુરુષાર્થ ત્યારે જ મળી શકે,જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય.સ્વસ્થ શરીર માટે સારું ભોજન,યોગ, પ્રાણાયામ,સંતુલિત દિનચર્યાનું પાલન કરવાથી આપણે રોગથી બચી શકીએ છીએ.’

શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના 28મા શ્લોકમાં કહ્યું છે કે,’યોગા અભ્યાસમાં હમેશાં પરોવાયેલા રહીને આત્મસંયમ યોગી સર્વ ભૌતિક મલીન તત્વોથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમ ભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે.’

યોગ એવી પ્રક્રિયા છે કે જેના વડે આપણે આપણી ચેતના શુદ્ધ કરી શકીએ છીએ.દૂષણોને અટકાવી શકીએ છીએ.તેમજ પૂર્ણતા,પૂર્ણ જ્ઞાન તથા આનંદના સ્તરને પ્રાપ્ત કરી શકીએ છીએ.

આ બધું કરતાં પહેલાં શરીર સારું હોવું જરૂરી છે.શરીર અને મન સારું રાખવા માટે ઉત્તમ ઉપાય છે, યોગ.એટલે એવું કહેવાય છે કે યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ.

પ્રાણાયામનો શાબ્દિક અર્થ ’પ્રાણનો આયામ અર્થાત્ વિસ્તાર કરવો,એવો થાય છે.’ મહર્ષિ પતંજલિએ પ્રાણાયામની વ્યાખ્યા આપતાં પાતંજલ યોગસૂત્રના સાધનપાદના 49મા સૂત્ર માં લખ્યું છે: શ્વાસોશ્વાસની ગતિનો વિચ્છેદ કરી પ્રાણને રોકવો તેનું નામ પ્રાણાયમ.

આહારની જો વાત કરવામાં આવે તો આજના લોકો ખાસ કરીને યુવાન વર્ગ જંક ફૂડના રવાડે ચડયા છે.પોતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.નાની ઉંમરમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને લીધે તેના ગેરફાયદા તાત્કાલિક કદાચ જોવા નહીં મળે,પરંતુ લાંબા ગાળે આવા ખોરાકને લીધે શરીરમાં અનેક પ્રકારના રોગ જન્મે છે.જ્યારે સમજાય છે,ત્યારે મોડું થઈ ગયું હોય છે.વિકસિત દેશના લોકોમાં જાગૃતિ આવવાની સાથે આજે તેઓ ભારતીય પ્રણાલિકા અને ભારતીય ખોરાક તરફ વળી રહ્યા છે.ભારતીય ફૂડના રેસ્ટોરન્ટ ખોલવા માંડ્યા છે.આપણી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રણાલીકાનું અનુકરણ કરવા લાગ્યા છે.જ્યારે આપણે એનાથી ઉલટું કરવામાં ગૌરવ માનીએ છીએ.તેમણે ફેંકેલી સંસ્કૃતિ આપણે અપનાવવાનું શરૂ કર્યું.કોરોના કાળમાં થોડો સમય પૂરતી લોકોમાં જાગૃતિ જોવા મળી હતી.

પરંતુ સ્મશાન વૈરાગ્યની જેમ બધું જ ભુલાઈ ગયું.અત્યારે મોટાભાગનો યુવા વર્ગ પોતાની તંદુરસ્તી માટે બિલકુલ બેદરકાર જોવા મળે છે.ખાસ કરીને મોબાઈલના એડિક્સ થવાથી પોતાનું કામકાજ કરતા કરતા નવરાશના સમયમાં મોબાઈલ સાથે સમય પસાર કરે છે.આવા યુવાનો નથી તો કસરત કરતા,નથી ચાલવા જતા કે નથી કોઈ જીમમાં જતા.વિશ્વના દેશોમાં ભારત સૌથી યુવાન દેશ છે.અર્થાત્ ભારતમાં યુવાનોની વસ્તી વધુ છે.આ એક રાજી થવા જેવા સમાચાર છે.આજનો યુવાન  આવતીકાલના દેશનું ભવિષ્ય છે,ત્યારે યુવાનોની પલાયન વૃત્તિ ચિંતા પ્રેરક ગણી શકાય.જોકે આજે આંશિક રીતે લોકો તંદુરસ્તી માટે જાગૃત પણ થયા છે,તેમ છતાં એ આંકડો વસ્તીના પ્રમાણનો એક ટકો પણ નહીં હોય.

આ તમામ બાબતનો એક જ ઉપાય છે:નિયમિત જરૂરી કસરત,યોગ અને પ્રાણાયામ.આજે શરીરના દરેક દર્દોની સારવાર વખતે દરેક ડોક્ટરોનું એક જ સજેશન હોય છે કે,હળવી કસરત કરો.ચાલવાનું રાખો.યોગ પ્રાણાયામ કરો.કટાક્ષમાં એમ પણ કહેવામાં આવે છે કે, ’જો તું ચાલીસ પછી ચાલીશ નહીં,તો ચાલીશ નહીં !’

દુનિયાભરના લાખો લોકોની સવાર જોગિંગ ટ્રેક ઉપર અથવા જીમમાં પરસેવો પાડીને થતી હોય છે.પ્રાચીન કાળથી જ કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને કારગત ઉપાય માનવામાં આવે છે.કસરત કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે,આપણી શ્વાસ લેવાની અને શ્વાસ રોકવાની શક્તિમાં વધારો થાય છે.વધુ પડતા લોકો દર એક મિનિટમાં બારથી પંદર વખત શ્વાસ લેતા હોય છે.પરંતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાની આ માત્રામાં બે ત્રણ ગણો વધારો થાય છે.શ્વાસ લેવામાં થયેલો આ વધારો આપણા ફેફસાંને સ્વસ્થ રાખે છે અને આપણું લોહી શુદ્ધ કરે છે.આખરે સ્વાસ્થ્ય માટે આજ તો છે જરૂરી.આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળમાં મોટાભાગના દર્દીઓનાં ફેફસાં જ સંક્રમિત થયા હતાં.શ્વાસોશ્વાસની તકલીફને લીધે ઈંઈઞ માં રાખવામાં આવતા હતા.તેમ છતાં શ્વાસની પ્રક્રિયા નિયમિત ન થવાથી દર્દી મોતના મુખમાં ધકેલાઈ જતા હતા.

યોગ એક પ્રાચીન શારીરિક,માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે.યોગ એ સંસ્કૃત શબ્દ છે.’યુજ’ ધાતુ પરથી બનેલો છે.જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું એવો થાય છે.યોગ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ આધ્યાત્મિક શિસ્ત છે.આજે સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે યોગ કરાવવામાં આવે છે.તેની લોકપ્રિયતા પણ દિન – પ્રતિદિન વધી રહી છે.યોગ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

વિશ્વ યોગ દિવસ અંતર્ગત એક પ્રેરક થીમ નક્કી કરવામાં આવતી હોય છે.2015ના રોજ દિલ્હીના રાજપથ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જુદા જુદા દેશના રાજકીય પ્રતિનિધિઓ સહિત 36,000 લોકોએ 35 મિનિટ સુધી વિવિધ આસનો કર્યાં હતાં.પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી,’સદભાવના અને શાંતિ માટે યોગ.’ ત્યાર પછીના વર્ષોમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમની વાત કરવામાં આવે તો,2016માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી,’યુવાઓને યોગ સાથે જોડવા.’ 2017માં થીમ હતી,’આરોગ્ય માટે યોગ.’ 2018માં થીમ હતી,’શાંતિ માટે યોગ.’ 2019માં થીમ હતી,’પર્યાવરણ સાથે યોગ.’ અને ગયા વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી,’યોગ ફોર હ્યુમીનિટી.’

આ વર્ષે 21મી જૂનના રોજ યોજાનાર નવમા વિશ્વ યોગ દિવસની થીમ છે,’એક પૃથ્વી,એક સ્વાસ્થ્ય માટે યોગ.’

રાજ્યકક્ષાનો નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં દોઢ લાખથી વધુ લોકો જોડાશે.આ સમયે ગુજરાતના સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં સહભાગી થશે.

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં ભવ્ય અને વિશાળ સંખ્યામાં થાય એ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.તેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ અને યોગનું મહત્વ,યોગને વૈશ્વિક ફલક પર લાવવા અંગેનું વડાપ્રધાનનું યોગદાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગેની માહિતી અપાશે.યોગની જાગૃતિ માટે પ્રભાત ફેરી,યોગ અંગેની ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.બાયસેગ (ઇઈંજઅૠ)ના માધ્યમથી વિદ્યાર્થીઓને કોમન યોગ પ્રોટોકોલની તાલીમ અપાશે.

યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે.વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે.જેમાં અમેરિકા, ચીન,જાપાન,અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે.વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. જેમાં યોગ તાલીમ કેન્દ્રો,યોગ સ્પર્ધાઓ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.જેના દ્વારા લોકોને શારીરિક,માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે.યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કામ કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બંને લગભગ એક સાથે ચાલ્યા આવે છે.આયુર્વેદ એ ભારતીય ઉપચાર પદ્ધતિ છે.વર્તમાન સમયમાં કસરત અને નિયમિતતા વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે.જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે.આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે.યોગથી વ્યક્તિ આજના તનાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે.જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઊર્જાવાન બનાવે છે.યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ.સમય જતા તમારા શરીરની પ્રકૃતિ,કામનો પ્રકાર,કોઈ શારીરિક મર્યાદા હોય તો એ અને ઉંમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરિયાત અને રુચિ પ્રમાણેના આસનો કરી શકે છે.

માણસના શરીરમાં કુલ 650 કરતા પણ વધુ સ્નાયુઓ હોય છે.ઘણા માણસ એવું માને છે કે સ્નાયુ અને ચરબી બંને એકસાથે જોડાયેલા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી.સ્નાયુ અને ચરબીને હકીકતમાં કોઈ લેવા દેવા નથી.તે બંનેની રચનાથી લઈને કામ સુધી દરેક વસ્તુ અલગ અલગ હોય છે.માણસના શરીરમાં રહેલા સ્નાયુના તંતુ માથાના વાળ કરતાં પણ પાતળા હોય છે.આ તંતુઓ પાતળા હોવા છતાં પોતાના વજન કરતાં  હજાર ગણો વજન ખમી શકે છે.માણસને ચાલવા માટે એક સાથે બસો સ્નાયુઓનો ઉપયોગ કરવો પડે છે.દરેક વ્યક્તિએ દરરોજ સાતથી આઠ હજાર પગલાં ચાલવું જોઈએ. જો આવું કરવામાં આપ સફળ રહ્યા તો 80 વર્ષની ઉંમર સુધીમાં આપ 1,77,024 કિલોમીટર અંતર કાપી ચૂકયા હશો.આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ તો તેનું અંતર આશરે ચાલીસ હજાર કિલોમીટર થાય,માટે જો આપણે રોજ સાતથી આઠ હજાર પગલાં ચાલવામાં સફળ થયા તો 80 વર્ષની ઉંમરે આપણે પૃથ્વી ફરતે ચાર વખત પ્રદક્ષિણા કરી હોવા જેટલું ચાલી ગયા હોઈએ.

આજકાલ સૌથી વધુ પસંદ કરવામાં આવતી કસરત ચાલવું અને દોડવું છે.એવી માન્યતા છે કે જેટલું વધુ ચાલશું તેટલું વજન ઓછું થશે અને બીજી એક માન્યતા તે પણ છે કે ચાલવા કરતાં વધુ ઝડપે દોડવાથી વજન ઓછું થાય છે.આ બંને માન્યતામાં વધુ તથ્ય નથી.કારણ કે ચાલવા અને દોડવા બંનેથી સરખું જ વજન ઓછું થાય છે.જોકે ચાલવાની રીતમાં ફેરફાર હોય તો ફરક અવશ્ય પડે છે.માટે જ ચાલવાની ઝડપ કેટલી હોવી જોઈએ તે સૌ પ્રથમ જાણી લેવું જરૂરી છે.કોઈપણ માણસ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે જોગિંગ કરવા જેટલું ફાયદાકારક નીવડે છે.તેના માટે ભાગવું જરૂરી નથી.બીજી વાત તે છે કે ચાલવા ને દોડવા બંનેનો સમય મહત્વનો છે,અંતર નહીં.

કસરત વિશેની એક વ્યાપક માન્યતા છે કે આપણે કસરત કરવાનું શરૂ કરીએ એટલે અમુક દિવસોમાં જ આપણા શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે.હકીકતમાં આ માન્યતા ખોટી છે.આપણું શરીર કોઈ પણ પ્રકારની ગતિવિધિને તરત અપનાવી લેવા માટે નથી બન્યું.જેના કારણે કસરત દ્વારા થતા ફેરફારને પણ આપણું શરીર તરત નથી અપનાવતું. હવે સવાલ ઊભો થાય કે કેટલા સમય સુધી કસરત કરવાથી શરીરમાં ફેરફાર શરૂ થાય છે ? તેનો જવાબ છે,બાર અઠવાડિયાં.બાર અઠવાડિયાં પછી જ આપણું શરીર કસરત દ્વારા થતા ફેરફારને અપનાવે છે.જેના કારણે ઘણીવાર આપણા શરીરમાં નવી શક્તિ જાગૃત થઈ હોવાની અનુભૂતિ પણ થાય છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં એક ’જલસા પરિવાર’ના નામે સવાસો જેટલા ભાઈ – બહેનોનું એક ગ્રુપ છે.જે 2013થી આવી પ્રવૃત્તિ કરી રહ્યું છે.આ જલસા પરિવારમાં 25 વર્ષથી માંડીને 75 વર્ષ સુધીના અર્થાત્ આબાલ – વૃદ્ધ ભાઈ – બહેનો દરરોજ વહેલી સવારે છથી સાત કલાક દરમિયાન એકઠા થાય છે.જેમાં ચારથી પાંચ જુદી જુદી ફેકલ્ટીના ડોક્ટર પણ આવે છે.જુદા જુદા ક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓ પણ આવે છે,તો વળી મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન પણ આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે.કોઈપણ જાતની ફી વગર નિ:શુલ્ક ચલાવવામાં આવતું આ સંગઠન છે.આ પરિવારમાં કોઈપણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે.આ ગ્રુપનું સંચાલન નિવૃત્ત ડીવાયએસપી(ઉુજઙ)રામભાઈ ઓડેદરા કરે છે.તેમની મદદમાં બીજા ત્રણ ચાર ભાઈ બહેનો કોચ તરીકેની સેવા આપે છે.

જલસા પરિવારના એક કલાકના કાર્યક્રમમાં વીસ – વીસ મિનિટના ત્રણ સેટ પાડવામાં આવ્યા છે. પ્રથમ વીસ મિનિટના સેટમાં બોડી એક્સરસાઇઝ કરાવવામાં આવે છે.જેમાં પગના પંજાથી માંડીને ગરદન સુધીના તમામ બાહ્ય અવયવોની કસરત આવી જાય છે.છેલ્લે સૂર્ય નમસ્કાર બાદ બે મિનિટનો વિરામ આપવામાં આવે છે.વિરામના સમયમાં કોઈ પણ એક ભાઈ કે બહેન દરરોજનું ચિંતન આપે છે.બીજા વીસ મિનિટના સેટમાં આસનો કરાવવામાં આવે છે.આસનના ત્રણ પ્રકારના સેટ કરવામાં આવ્યા છે,અર્થાત દરરોજ આસનો બદલાઈ જાય છે.ત્યારબાદ ત્રીજા વીસ મિનિટના સેટમાં મહત્વના પ્રાણાયામ કરાવવામાં આવે છે.પ્રાણાયામ બાદ ધ્યાન અને ઓમકારના નાદ કરવામાં આવે છે.છેલ્લે પ્રાર્થના બાદ આ કાર્યક્રમ પૂરો થાય છે.

આ જલસા પરિવારના સભ્ય ભાઈ – બહેનોનો જે તે મહિનામાં આવતો જન્મ દિવસ મહિનાના છેલ્લા  રવિવારે સામુહિક રીતે ઉજવવામાં આવે છે.આ ઉજવણી દરમિયાન જે ભાઈ – બહેનોનો જન્મદિવસ હોય તેમનો પરિવાર પણ આ ઉજવણીમાં જોડાય છે.સૌ પ્રથમ જુદા જુદા પ્રકારની ફન્ની રમતો રમાડવામાં આવે છે.આબાલ – વૃદ્ધ સૌ કોઈ આ રમતોમાં જોડાય છે,અને નિર્દોષ આનંદ મેળવે છે.વિજેતાઓને ગિફ્ટ હેમ્પર દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે.આ ઉજવણીમાં જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞ મહાનુભાવોને નિમંત્રિત કરી,તેઓનું મનનીય ઉદ્બોધન પણ રાખવામાં આવે છે.

ત્યારબાદ જન્મ દિવસ હોય તેવા ભાઈ – બહેનોને ’હેપી બર્થ ડે’ નો ખેસ અને માથામાં તાજ પહેરાવવામાં આવે છે.તમામને ખુરશી પર બેસાડી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે.સાથે સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવામાં આવે છે.અંતે ભોજન પ્રસાદ લીધા બાદ આ ઉજવણી સંપન્ન થાય છે.

આવી રીતે આ જલસા પરિવાર ખરા અર્થમાં તન તંદુરસ્તી,મન તંદુરસ્તી અને વિચાર તંદુરસ્તીની જાળવણી સાથે એક પારિવારિક કાર્ય કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.