ગુજરાતની આ ચાર મહિલા પોલીસ ઓફિસર પર બનશે ફિલ્મ, નામ સાંભળતા જ ગુનેગારો થરથર કાંપે

મહિલા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સમાજમાં આગવું કામ કરનારી અનેક મહિલાઓ પર ચર્ચા થશે. આજના યુગમાં મહિલા પુરુષ સમોવડી બની ગઇ છે. દરેક ક્ષેત્રમાં મહિલા પોતાની આવડતથી આગવું સ્થાન મેળવી રહી છે. બોર્ડર પર દેશની રક્ષા કરવાનું હોય કે પછી દેશની અંદર આવારાતત્વોને કાયદાનું ભાન કરાવવાનું હોય. ગુજરાત પોલીસમાં આવી જ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર કાર્યરત છે જેની વિરતા દૂર દૂર સુધી પથરાયેલી છે. વાત કરી રહ્યાં છીએ ગુજરાત ATSના PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલેની, આ ચારેય મર્દાનીએ જંગલમાં જઇને એક કુખ્યાત શખ્સને દબોચી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. હવે આ ચારેય મહિલા ઓફિસર પર બોલીવૂડમાં ફિલ્મ બની રહી છે.

બોલીવૂડમાં ખેલાડી 786 અને ગોલમાલ રિટર્ન જેવી બ્લોકબ્લસ્ટર ફિલ્મો બનાવનાર આશિષ મોહન ગુજરાત ATSના PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.

કુખ્યાતને જંગલમાં જઇને દબોચી લીધો

ગુજરાતના ક્રાઇમ ઇતિહાસમાં કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાનું નામ ખુબ જ જાણીતું છે. અલારખા વિરુદ્ધ રાજ્યમાં જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત મોટાભાગના શહેરોમાં લૂંટ, મર્ડર, પોલીસ પર હુમલો વગેરે જેવા 23 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપી અલારખા ગુનો કરી જંગલોમાં દુર્ગમ વિસ્તારમાં છૂપાઇ જતો, તેને પકડવા માટે અનેક પોલીસ ઓફિસરો માટે માથાનો દુખાવો બની ગયો હતો. જો કે ATSની બહાદુર અને નિડર ચાર મહિલા PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલેએ આરોપીને દબોચી લેવાનું બીડું ઝડપ્યું.

આરોપી અલારખા પોલીસ પર હુમલો કરી ફરાર થઇ જતો અને જંગલોમાં છૂપાઇ જતો, જેવા પોલીસકર્મીઓ તેને પકડવા જતા તો ઘાતક હથિયારોથી હુમલો કરતો પરંતુ ચાર નિડર મહિલા પોલીસ ઓફિસરોએ આયોજન બદ્ધ રીતે ઓપરેશન હાથ ધરી વહેલી સવારે સિવિલ ડ્રેસ પહેરી આરોપીના અડ્ડા પર દરોડા પાડ્યા, આરોપી ઉંઘમાંથી જાગી કાંઇ સમજે એ પહેલા જ મહિલા ઓફિસરોએ તેને દબોચી લીધો હતો.