રાજકોટ જિલ્લામાં જુદા જુદા ત્રણ માર્ગ અકસ્માત: ત્રણના મોત

લોધિકા પાસે રસ્તો ઓળંગતા રાહદારીનું કારની ઠોકરે, પડધરી પાસે કાર અને બાઇક અથડાતા યુવક અને વાસાવડ પાસે બોલેરોની હડફેટે પતિની નજર સામે પત્નીનું મોત

રાજકોટ જિલ્લાના જુદા જુદા હાઇવે પર યમદુતની સવારી નીકળી હોય તેમ લોધિકા, પડધરી અને ગોંડલ નજીક સર્જાયેલા ત્રણ માર્ગ અકસ્માતમાં મહિલા સહિત ત્રણના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

કણકોટ નજીક સરકારી એન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતા નિખીલ પ્રકાશભાઇ ભોજાણી નામના યુવાન રાતૈયા નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે જી.જે.3કેપી. 1000 નંબરની કારની હડફેટે ચડી જતા ગંભીર રીતે ઘવાતા તેનું મોત નીપજયાની પ્રકાશભાઇ મંગાભાઇ ભોજાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ધ્રોલ તાલુકાના દેડકદડ ગામના વિશાલ વિક્રમભાઇ મકવાણા નામના યુવાન જી.જે.10સીઆર. 3826 નંબરના બાઇક પર પડધરી નજીકના વણપરી પાસે પસાર થઇ રહ્યો હતો ત્યારે જી.જે.3ડીએન. 3017 નંબરની કારે સાથે અથડાતા તેનું મોત નીપજ્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે વાસાવડના ખોડીયારપરામાં રહેતા ઠાકરશીભાઇ મેર પોતાના પત્ની હંસાબેન સાથે જી.જે.5ડીપી. 4540 નંબરના બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે જી.જે.18જીએ. 753 નંબરની બોલેરો સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હંસાબેનનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.