Abtak Media Google News
  • ઝવેરચંદ મેઘાણીના શાળાકીય જીવનના પ્રારંભ થયેલો, તે તાલુકા શાળા નંબર 8ને સ્મૃતિ સ્થળ તરીકે જાળવવામાં આવશે : પિનાકી મેઘાણી
  • ઝવેરચંદ મેઘાણીના શાળા પ્રવેશની નોંધણી દર્શાવતું પત્રક તેમજ તેમના સ્વરચિત પુસ્તકો આજ પર્યંત સુરક્ષિત સચવાયેલા રાખતી તાલુકા શાળા

રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. રાજકોટ જવું મને જેટલું ગમે છે, તેટલું કોઈ ઠેકાણે જવું નથી ગમતું. આવા આકર્ષણનું સબળ કારણ છે. રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી; કેમ કે રાજકોટ પૂર્વેનું એક પણ સ્મરણ મારી પાસે છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. બેથી આઠ વર્ષનો રાજકોટમાં થયેલો. શ્રીફળ લઈને સદરની તાલુકા શાળાએ હું પહેલવહેલો ભણવા બેઠેલો.” આ લાગણીસભર શબ્દો છે ઝવેરચંદ મેઘાણીના.

Zaveerr 5

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 126મી જન્મજયંતિ છે. તેમનો જન્મ ઈ.સ. 1896માં 28 ઓગસ્ટના રોજ ગુજરાતનાં ચોટીલામાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલિદાસ મેઘાણી. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી. પોલીસ ખાતામાં બદલીઓ થવાને કારણે તેઓને કુટુંબ સાથે ગુજરાતનાં અલગ-અલગ ગામોમાં રહેવાનું થતું હતું. આથી, તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં તેમજ માધ્યમિક શિક્ષણ સ્વજનોના ઘરે રહી વઢવાણ, બગસરા અને અમરેલીમાં મેળવ્યું હતું.

વ્યક્તિના ઘડતરમાં શાળાકીય જીવન અતિ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે જીવનમાં શિક્ષણનો પ્રારંભ એ પરિવાર સિવાયની દુનિયા સાથેના સંબંધનો પ્રારંભ પણ છે. ઝવેરચંદ મેઘાણી માટે રાજકોટમાં સદર બજાર સ્થિત સરકારી શાળા નંબર 8એ શાળાકીય જીવનની કેડી ઉપર પ્રથમ પગલું છે. ઝવેરચંદ મેઘાણીના પ્રતિભાશાળી વ્યક્તિત્વનો એકડો ઘૂંટવાનું ગૌરવ આ શાળાના ફાળે જાય છે. તેમણે આ શાળામાં ઈ.સ. 1901માં પ્રવેશ લઈને ધો. 1નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આમ, તેમણે આ શાળામાં પ્રારંભિક શિક્ષણ શરૂ કર્યું હતું. આથી વર્ષ 2002માં આ શાળાનું નામ શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. 8 કરવામાં આવ્યું હતું.

શાંત અને મનોરમ્ય વાતાવરણમાં આવેલી તાલુકા શાળા નં. 8ના પટાંગણમાં ઝવેરચંદ મેઘાણીનું પ્રતિમા મુકવામાં આવ્યું છે, જે જોઇને આપણને ઝવેરચંદ મેઘાણીની નીડરતા અને શુરવીરતા યાદ આવી જાય છે. આ શાળામાં ઝવેરચંદ મેઘાણીના શાળા પ્રવેશની નોંધણી દર્શાવતું ઈ.સ. 1883થી ઈ.સ. 1914 સુધીનું રજીસ્ટર આજ પર્યંત સચવાયેલું છે. શાળામાં ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, રઢિયાળી રાત, સિંધુડો, સોરઠી સંતો, સોરઠી બહારવટીયા, નિરંજન, લોકસાહિત્ય વાંચન યાત્રા શ્રેણી સહિતના પ્રચલિત આશરે 50 પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમજ તેઓના ફોટોગ્રાફ્સ, પેઇન્ટિંગસ, જીવનયાત્રાની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે.

Zaveerr 3

તાલુકા શાળા નં. 8ના આચાર્ય  રમેશભાઈ માંગરોલિયાએ જણાવ્યું છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. 8ની સ્થાપના ઈ.સ. 1868માં કરવામાં આવી હતી. આ શાળામાં ધો. 1થી 8માં હાલ 158 વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓને નિયમિત રૂપે ઝવેરચંદ મેઘાણી રચિત દેશભક્તિ ગીતો, વાર્તાઓ, લેખોનું અદ્યયન કરાવવામાં આવે છે. સાથેસાથે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ તથા પુણ્યતિથી નિમિત્તે ખાસ કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓ યોજીને વિદ્યાર્થીઓને તેમના જીવનકવન વિશે માહિતગાર કરવામાં આવે છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદના સ્થાપક પિનાકી મેઘાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટ અંતર્ગત રાજકોટ સ્થિત ઐતિહાસિક શાળા ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. 8નો સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. જેના માટે શાળાનો જીર્ણોદ્વાર કરવામાં આવશે તેમજ નીચે આવેલા ચાર કક્ષને સ્મૃતિ-કક્ષ તરીકે જાળવવામાં આવશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાસેથી ’રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પ્રાપ્ત કરેલા ઝવેરચંદ મેઘાણી ગુજરાતીઓનું ગૌરવ છે. ’કસુંબીનો રંગ’, ’કોઈનો લાડકવાયો’, ’ઝેરનો કટોરો’, ’ચારણ ક્ધયા’ જેવી લોકપ્રિય કૃતિઓ જેમની ઓળખ છે, તેવા ઝવેરચંદ મેઘાણી પ્રખ્યાત કવિ હોવાની સાથે સફળ નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક, પત્રકાર પણ છે. આઝાદીની લડત વખતે તેમની ધારદાર કલમ સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશ ખાતર બલિદાન આપવા માટેનો જુસ્સો પૂરો પાડતી હતી. આથી જ કવિ દુલા ભાયા ’કાગ’ ઝવેરચંદ મેઘાણી માટે દુહો લખે છે કે, હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા, કલમ વખાણં હોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.