Abtak Media Google News

આંખમાં કાજલ ન કરવું, કાનમાં તેલ ન નાખવું, અને બાળકને ૧૫ દિવસ સુધી માલીસ ન કરવું હિતાવહ

હૃદયરોગના હુમલામાં કે કોઈ પણ પ્રકારનાં ગંભીર અકસ્માતનાં કેસમાં જો પ્રથમ કલાકમાં સારવાર મળી જાય તો દર્દીને બચવાની શકયતા ૯૦% વધી જતી હોય છે જેને તબીબી ભાષામાં ગોલ્ડન અવર કહેવામાં આવે છે. અલબત આ ગોલ્ડન અવર વિશે ખૂબ જ ચર્ચા થઈ છે અને તેના કારણે દર્દીનાં પરિવારજનોમાં હૃદયરોગનાં હુમલા પછી કે અકસ્માતના કેસમાં તાત્કાલીક દર્દીને શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ જવાની જાગૃતિ આવી છે.

Advertisement

પરંતુ બાળકના જન્મ પછીની જીંદગીની પ્રથમ મીનીટનું પણ ખૂબજ વિશેષ મહત્વ છે. આઅંગે ખૂબજ ઓછી અથવા નહીવત માહિતી લોકોને આપવામાં આવી છે.

વોકહાર્ટ હોસ્પિટલના નવજાત શિશુ સારવારના નિષ્ણાંત ડો. ભાર્ગવી ગોહિલ રાવલે આ વિશે મહ્ત્વની અને જરૂરી માહિતી આપી છે. જે નવજાત શિશુના વાલીઓ માટે ખૂબજ મહત્વની છે.

ડો.ભાર્ગવીએ માહિતી આપતા જણાવ્યું છે કે સમયનું મહત્વ સૌ કોઈ જાણે છે. પરંતુ જીંદગીની પ્રથમ મીનીટનું કંઈક ખાસ મહત્વ છે. બાળક જયારે માતાના ગર્ભાશયમાં હોય છે. ત્યારે ઓકસીજન અને કાર્બન ડાયોકસાઈડ ની આપ લે માતાના લોહી દ્વારા થતી હોય છે. એ સમયે બાળકના ફેફસા પાણીથી ભરેલા હોય છે. પરંતુ જયારે બાળકનો જન્મ થાય છે એ સમયે બાળકના પ્રથમ શ્ર્વાસ સાથે આ પાણીનું સ્થાન હવા લઈ લે છે. આ સાથે જ હવામાનો ઓકિસજન લોહીમાં ભળે છે. અને આ ઓકિસજન શરીરના તમામ અવયવો ખાસ કરીને મગજ, હૃદય, કિડની અને આંતરડા સુધી પહોચે છે. અને શરીરમાં ઉત્પન્ન થયલે હાનીકારક કાર્બન ડાયોકસાઈડ ઉચ્છવાસ દ્વારા બહાર નીકળે છે. આ પ્રક્રિયા બાકીની આખી જીંદગી ચાલતી રહે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આ પ્રથમ શ્ર્વાસોશ્ર્વાસ જન્મની પ્રથમ મિનિટમાં શરૂ થઈ જવા અત્યંત આવશ્યક છે. જો આમ ન બને તો મહત્વના અવયવો જેમ કે, હૃદય, મગજ, કિડની અને આંતરડાને ઓકિસજનરહીત સ્થિતિમાં રહેવાથી નુકશાન પહોચે છે. અમુક પરિસ્થિતિઓ જેમકે માતાને વધારે બ્લડ પ્રેસર હોવું, બાળકનો નબળો વિકાસ, ગર્ભાશયમાં બાળકને ઓછુ લોહી પહોચવું, પ્રિમેચ્યોર ડીલીવરી, ગર્ભાશયમાં પાણી આછુ થઈ જવું, બાળકના ધબકારા ઓછા થવા અને બાળકે ગર્ભાશયમાં મળ પસાર કરી દીધેલ હોય ત્યારે જન્મ સમયે જે બાળકના શ્ર્વાસોશ્ર્વાસ શરૂ કરવામાં મદદ કરી શકે તેવા સમયે નવજાત શિશુ નિષ્ણાંતની આવશ્યકતા ઉભી થાય છે. જે પ્રથમ મીનીટમાં જ બાળકના શ્ર્વાસોશ્ર્વાસ શરૂ કરવા માટે જરૂરી બેગ એન્ડ માસ્ક અથવા શ્ર્વાસનળીમાં ટયુબ નાખી અને બાળકને અત્યંત જરૂરી એવો ઓકિસજન પૂરો પાડે છે.

ઉપરોકત જોખમી પરિસ્થિતિઓને જાણીએ અને સાવચેત રહીને આપણા બાળકને એક સ્વચ્છ ભવિષ્ય પૂરૂ પાડીએ જયારે જન્મતાની સાથે જ બાળક રડતુ હોય છે. એ જોઈને માતાના મુખ પર સ્મિત આવે છે. જન્મતાની સાથે જ બાળક રડે એ અતિ આવશ્યક હોય છે. બાળકના રડવાનો અવાજ સાંભળી લેબર રૂમની બહાર ઉભેલા એમના નજદિકના સગાઓ પણ આનંદ અનુભવે છે. અને રડવાના અવાજ ઉપરથી બાળકનો જન્મ થઈ ચૂકયો છે. તેની ખાતરી તેમને થાય છે.

૦ થી ૨૮ દિવસ સુધી ઓછુ વજન ધરાવતા અને પ્રીમેચ્યોર બાળકો માટે ફીડીંગની સમસ્યા, નવજાત શિશુના કમળાની સારવાર, નવજાત શિશુના શ્ર્વાસોશ્ર્વાસની સારવાર, જન્મજાત ખોડખાંપણ, તાવ, આંચકી, ખેંચ વિગેરે વિશેષ સારવાર આપવી પડે છે.

વધુમાં નવજાત શિશુઓ માટે માર્ગદર્શન આપતા જણાવેલ હતુ કે દર ૨-૩ કલાકે અથવા બાળકની જરૂરીયાત મુજબ બાળકને બ્રેસ્ટ ફીડીંગ કરાવવું સમયાંતરે રસી અપાવવી, બાળકને હુંફાળા વાતાવરણમાં રાખવું, બાળકની નાળની કાળજી રાખવી જન્મબાદ ૨૪ કલાક પછી બાળકને નવડાવવું ૬ મહિના સુધી માતાના દુધ સિવાય અન્ય કોઈ ખાધ પદાર્થ ન આપવો, આંખ બગલ, ગળા, સાથળ, વિગેરેને એકદમ સાફ રાખવા, આંખમાં કાજલ ન કરવું, કાનમાં તેલ ન નાખવું અને બાળકને ૧૫ દિવસ સુધી માલીસ ન કરવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.