Abtak Media Google News

જામનગરના વન વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી દીપડાની ગણતરી દરમિયાન જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત લોકડી કેમેરમાં કેદ થઇ હતી. આ સાથે જામનગરના વીડી વિસ્તાર અને જોડીયા તાલુકામાંથી 32 લોકડી અને 12 વરૂ જોવા મળ્યા હતાં તેમ જામનગરમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં દર પાંચ વર્ષે દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાકાળને લઈને દીપડાની વસ્તી ગણતરી થઈ શકી ન હતી ત્યારે સમગ્ર રાજ્યમાં સાત વર્ષ પછી દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી છે.

Advertisement

જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તાજેતરમાં જ દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ દરમિયાન વન વિભાગની ટીમ દ્વારા જામનગર જિલ્લામાં વીડી વિસ્તારમા પ્રથમ વખત લોકડી કેમેરમાં કેદ થઇ હતી. આટલું જ નહીં જામનગર જિલ્લામાં કુલ 28 પુખ્ત અને 4 માદા બચ્ચા સાથે કુલ 32 લોકડી અને 11 પુખ્ત અને 1 બચ્ચા સાથે કુલ 12 વરૂ હોવાનું વન વિભાગે ચોપડે નોંધાયું છે. સામાન્ય રીતે લોકડી અને વરુ જેવા વન્ય પ્રાણીઓ સૂકા, કાંટાળા, પાનખરવાળા જંગલોમાં જોવા મળતા હોય છે.

પરંતુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દરિયાઈ પટ્ટીને લગતા ખારા વિસ્તારમાં વરુ જોવા મળતા વન વિભાગની ટીમમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. લોકડી અને શિયાળ બંને અલગ અલગ પ્રજાતિના પ્રાણી છે. શિયાળ કદમાં મોટું હોય છે. જ્યારે લોકડીએ ભારતમાં મળતા સૌથી નાના કુતરા કુળનું પ્રાણી હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. લોકડી ખોરાકમાં નાના ઉંદર, પક્ષીના ઈંડા, કાચિંડા, ફળો વગેરે ખાય છે. જ્યારે વરૂ ફક્ત માંસાહારી ખોરાક જ ખાય છે. જેમાં નીલગાયના બચ્ચા, નીલગાય નો શિકાર કરતો હોવાથી નીલ ગાયની વસ્તી નિયંત્રણમાં રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.