Abtak Media Google News

એકલ દોકલ મુસાફરને ધમકાવી લૂંટ ચલાવ્યાની કબુલાત: નવ ગુનાનો ભેદ ઉકેલાયો

શહેરની બારોબારના વિસ્તારમાં રિક્ષામાં બેસતા મુસાફરને ડરાવી ધમકાવી લૂંટ ચલાતી ગેંગના ત્રણ શખ્સોને એસઓજી સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી નવ જેટલા મુસાફરોને લૂંટી લીધાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર પાણીના ટાંકા પાસે જી.જે.૩એયુ. ૨૩૯૦ નંબરની ઓટો રિક્ષામાં ત્રણ શખ્સોને શંકાસ્પદ હીલચાલના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, મન‚પપરી ગૌસ્વામી, જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે અટકાયત કરી પૂછપરછ કરી હતી.

માસુમ વિદ્યાલય પાસે રહેતા કિશન મગન વાંજા, માલધારી સોસાયટીમાં રહેતા સુરેશ હરી ડાભી અને સુનિલ ઉર્ફે ગડો હરી ડાભી નામના રિક્ષા ચલાવતા હોવાનું અને રિક્ષામાં મુસાફરી કરતા એકલ દોકલ મુસાફરને ડરાવી ધમકાવી લૂંટ ચલાવતા હોવાની કબુલાત આપી છે.

ત્રણેય શખ્સોએ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રૂ.૩૫૦૦, ડી માર્ટ પાસે રૂ.૨૦ હજાર, મોરબી રોડ જકાત નાકા પાસેથી રૂ.૧ હજાર, જામનગર રોડ પર રૂ.૪ હજાર, સાત હનુમાન મંદિર પાસે રૂ.૨૫૦૦, ગવરીદળ પાસે રૂ.૨૦૦૦, સંત કબીર રોડ પર રૂ.૪ હજાર, ભગવતીપરામાં રૂ.૧૮૦૦, ચુનારાવાડ રૂ.૧૦૬૦ની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રૂ.૧૫,૬૦૦ રોકડા અને જી.જે.૩એયુ. ૨૩૯૦ નંબરની રિક્ષા કબ્જે કરી વધુ લૂંટના ગુનામાં સંડોવાયા હોવાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.