Abtak Media Google News

26 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ખેતી અને ખેડૂતને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે રાજ્ય સરકાર અનેક પાસાઓ પર વિચાર કરીને જગતના તાતાને વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી મદદરૂપ બની રહી છે. ત્યારે નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની અછત વાળા વિસ્તારોમાં ખેતરમાં ખેત તલાવડી સંદર્ભે વધુ એક મહત્વની યોજના અમલમાં મુકવામાં આવનાર છે. જેમાં ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલ ખેત તલાવડીઓમાં સરકારના ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે.   આ યોજના અંતર્ગત બનાસકાંઠા, મહેસાણા. પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ એમ કુલ 10 જિલ્લાઓનો સમાવેશ થયો છે. જેમાં ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલ લધુત્તમ 504 ચો.મીટર અને મહત્તમ 2460 ચો.મીટરની  જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાનો લાભ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહત્તમ 2460 ચો.મીટર કરતા જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કિસ્સામાં વધારાના જીઓમેમ્બ્રેન અને તેના ફીટીંગનો ખર્ચે ખેડૂતોએ જાતે ભોગવવાનો રહેશે.  જીઓમેમ્બ્રેન ફીટ કરાવીને લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત ખાતેદારોએ તા.26 જૂન સુધીમાં  https://gtalav adi. gujarat. gov. in/index. php વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જેમાં ખેડૂતનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધારકાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. તેમજ ખેત તલાવડી બનાવવા માંગતા હોય તો ખેતરનો સર્વે નંબર/ બ્લોક નંબર અને વિસ્તાર ખેતરનાં 7/12 તથા 8-અના ઉતારાની નકલ મુકવાની રહેશે. વધુમાં સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદકામ કરવા અંગે, મરામત, સાફ સફાઈ, જાળવણી ખર્ચ કરવા અંગેની બાંહેધરી. સ્વખર્ચે ખેત તલાવડી ખોદકામ કર્યા હોવા અંગેની મરામત, સાફ સફાઈ અને જાળવણી સ્વખર્ચ કરવા અંગેની બાંહેધરી અપલોડ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતોને ખેત તલાવડી ઘણી મદદરૂપ બને છે. જો આ ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધે સીધુ જમીનમાં ઉતરી જતું નથી. તેથી સંગ્રહીત થયેલ પાણીનો વરસાદ ખેંચાઈ અથવા વચગાળાના સમયમાં વરસાદ પડે નહી તો તેવા સંજોગોમાં સંગ્રહીત પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં અને રવિ સિંચાઈમાં કરી શકાય છે. તેમજ ખેડૂતોના પાકને પૂરક પાણી પુરૂં પાડવાની સાથો સાથ ઉપજમાં વધારો કરી શકાય અને ભૂર્ગભ જળમાં બચાવ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.