Abtak Media Google News

અર્થતંત્રને વધુ મજબૂત કરવા મોનિટાઇજેશનનો મોદીનો માસ્ટર પ્લાન

ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા મોદી સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. 5 ટ્રીલિયન ડોલરના અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવા માટે મોદી સરકારે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત મોનીટાઈઝેશનનો માસ્ટર પ્લાન સરકારે રજુ કર્યો છે. જે અંતર્ગત સરકાર રૂપિયા છ લાખ કરોડની સંપત્તિ “ભાડે” આપશે. એટલે કે રેલવે, એરપોર્ટ, ખનીજોની ખાણ વગેરે જેવા ક્ષેત્રે રહેલી જાહેર ક્ષેત્રની મિલકતોને સરકાર લિઝ પર આપશે. બીજા શબ્દોમાં કહીએ તો પરોક્ષ રીતે સરકાર જાહેર મિલકતોને ખાનગી કંપનીઓ કે સાહસોને વેચશે પણ તેની માલિકી સરકાર પાસે જ રહેશે.

આંતરમાળખાકીય સુવિધાને વધુ વિકસાવવા અસેટ મોનિટાઇજેશન પ્લાન રજૂ કરતા નાણાંમંત્રી નિર્મલા સિતારામન

બિનઉપયોગી જમીનનો યોગ્ય ઉપયોગ થશે, સંચાલન ખાનગી સાહસોના હાથમાં જતા રોકાણ વધશે, રોજગારીની નવી તકોનું સર્જન થશે

નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે અસેટ મોનીટાઈઝેશન પ્લાન જારી કર્યો. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન લોંચ કરી. જે હેઠળ સરકાર આશરે રૂપિયા 6 લાખ કરોડની સંપત્તિ ખાનગી ભાગીદારોના હાથમાં આપશે. સંચાલન ખાનગી ભાગીદારોને સોંપાશે. બિન ઉપયોગી જમીનનો ઉપયોગ થશે તેમજ આવી બિનઉપયોગી જમીન પર રોકાણ વધશે. રોકાણ વધુ થતાં નવી રોજગારીની તકોનું પણ સર્જન થશે. આમ સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી આંતરમાળખાકીય સુવિધા વધુ મજબૂત બનશે.

આ માસ્ટર પ્લાન રજૂ કરતા નાણામંત્રીએ એ સ્પષ્ટ કર્યુ કે સરકાર માત્ર ઓછી ઉપયોગવાળી સંપત્તિ વેચશે. એટલે કે હાલ જે સંપતિઓનો ઉપયોગ થઈ રહ્યો નથી તેવી બિનઉપયોગી સંપત્તિને ઉપયોગમાં લેવાશે. પણ તેનો અધિકાર સરકાર પાસે જ રહેશે અને ખાનગી ક્ષેત્રના ભાગીદારોએ નિયત સમય પછી તેને ફરજિયાત પરત આપવી પડશે. અમે કોઈ જમીન વેચી રહ્યા નથી.  આ અસ્કયામતો છે જ્યાં રોકાણ પહેલાથી જ કરવામાં આવ્યું છે. આ એવી સંપત્તિઓ છે જેનો ઉપયોગ ઓછો થાય છે. અમે ખાનગી ભાગીદારી દ્વારા તેમને વધુ સારી રીતે મુદ્રીકરણ કરી રહ્યા છીએ. મુદ્રીકરણમાંથી સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં રોકાણ કરવામાં આવશે.

અગાઉ, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે સંપત્તિ સરકાર પાસે રહેશે અને નિયત સમય પછી પરત કરવી પડશે. વર્ષ 2025 સુધીમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનનો 14 ટકા હિસ્સો રસ્તા, રેલવે અને વીજળીમાંથી આવશે. 26 ટકા રેલવે તરફથી આવશે. રેલવે સ્ટેશન, 15 રેલવે સ્ટેડિયમ, ટ્રેન, પર્વત રેલવે વગેરે પણ વેચવામાં આવશે. આ સાથે, 9 મુખ્ય બંદરો શિપિંગમાં વેચવામાં આવશે. બે રાષ્ટ્રીય સ્ટેડિયમ પણ આ યાદીમાં છે. આગામી ચાર વર્ષ માટે વાર્ષિક લક્ષ્યો હશે અને  દેખરેખ રહેશે. દર મહિને તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે જેથી ખાનગી ક્ષેત્ર વધુ સારી રીતે સંચાલન કરી શકે.

ક્યાં-ક્યાં ક્ષેત્રોને લીઝ પર અપાશે ??

નેશનલ મોનિટાઈઝેશન પાઇપલાઇન અનુસાર 2022 થી 2025ના નાણાકીય વર્ષ દરમિયાન 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લિઝ પર અપાશે. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, પાવર, પાઇપલાઇન અને કુદરતી ગેસ, નાગરિક ઉડ્ડયન, શિપિંગ બંદરો અને જળમાર્ગ, ટેલિકમ્યુનિકેશન્સ, ખાદ્ય અને જાહેર વિતરણ, ખાણકામ, શહેરી આવાસનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન હેઠળ 15 રેલવે સ્ટેડિયમ, 25 એરપોર્ટ અને 160 કોલસાની ખાણને પણ આવરી લેવાઈ છે. જેને સરકાર લિઝ પર આપી નાણાં ઉભા કરશે તો સાથે આંતરમાળખાકીય સુવિધા વધુ મજબૂત બનાવી અર્થતંત્રમાં તરલતા લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.